Thu Jul 23 2026

Logo

થાણેમાં પાવર ટ્રાન્સફોર્મરમાંથી તાંબાના વાયર ચોરનારી ટોળકીનો પર્દાફાશ: સાતની ધરપકડ

2026-07-21 18:33:45
Author: Yogesh D. Patel
Article Image

થાણે: થાણે જિલ્લામાં પાવર ટ્રાન્સફોર્મર તોડી તેમાંથી તાંબાના વાયર ચોરનારી ટોળકીનો પર્દાફાશ કરીને પોલીસે સાત જણની ધરપકડ કરી હતી, જ્યારે સગીરને તાબામાં લેવાયો હતો. થાણેના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ ડો. વિનયકુમાર રાઠોડે જણાવ્યું હતું કે પોલીસે થાણે અને રાયગડ જિલ્લામાં નોંધાયેલા ચોરીના 12 કેસ ઉકેલી કાઢ્યા હતા અને આઠ લાખ રૂપિયાની મતા જપ્ત કરી હતી.

સિનિયર ટેક્નિશિયને મુરબાડ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ચોરોએ સંગમ ગામમાં રસ્તાની બાજુમાં ટ્રાન્સફોર્મર તોડીને તેમાંથી તાંબાના વાયર ચોર્યા હતા. પોલીસે આ ફરિયાદને આધારે ગુનો દાખલ કર્યો હતો અને સબ-ડિવિઝનલ પોલીસ અધિકારી અનિલ લાડ તથા મુરબાડ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર સચિન હુંદલેકરના નેતૃત્વ હેઠળ તપાસ હાથ ધરવામાં આવી હતી. 

દરમિયાન અમુક શંકાસ્પદો ચોરીના તાંબાના વાયર વેચવા મુરબાડમાં આવવાના હોવાની માહિતી મળતાં પોલીસ ટીમે છટકું ગોઠવ્યું હતું અને બે જણને ઝડપી પાડ્યા હતા, જેમની ઓળખ સુનીલ રમેશ પવાર તથા પ્રશાંત પ્રકાશ વાઘ તરીકે થઇ હતી. બંને જણની પૂછપરછ અને મોબાઇલ ડેટાના ટેક્નિકલ એનાલિસિસને આધારે પોલીસે બાદમાં ગુનામાં સંડોવાયેલા નરેશ મોરે, સૂરજ પારધી, કિસન રામરૂપકુમાર, નિશાંત મોહનસિંહ અને રાજ યાદવની ધરપકડ કરી હતી. ઉપરાંત સગીરને પણ તાબામાં લેવાયો હતો. (પીટીઆઇ)