(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દક્ષિણ મુંબઈમાં રવિવારે સવારે બૅક-બે ડેપોથી ચર્ચગેટ તરફ જઈ રહેલી બૃહન્મુંબઈ ઈલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (બેસ્ટ)ની એક બસ અને સામેથી આવી રહેલી સ્કોર્પિયો એસયુવી વચ્ચે જોશભેર ટક્કર થઈ હતી, જેમાં બંને વાહનોને ભારે નુકસાન થયું હતુંં. સદ્નસીબે આ ઍક્સિડન્ટમાં કોઈ જખમી થયું નહોતું. કફ પરેડ પોલીસે એસયુવીના ડ્રાઈવર વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
બેસ્ટના પ્રવક્તાના જણાવ્યા મુજબ ૧૮ ઑક્ટોબર, રવિવારે સવારના ૬.૩૦ વાગે દક્ષિણ મુંબઈમાં બૅક -બે ડેપોની બસ ડેપોથી ચર્ચગેટ જઈ રહી હતી ત્યારે વાય.બી. ચવ્હાણ બસ સ્ટોપ પાસે એક સ્કોર્પિયો એસયુવી અને બસ વચ્ચે સામસામે ટક્કર થઈ હતી, જેમાં બંને વાહનોને ગંભીર નુકસાન થયું હતું. બેસ્ટની આ બસ વેટ-લીઝ એટલે કે ભાડા પર લીધેલી હતી.
બેસ્ટના પ્રવક્તાના જણાવ્યા મુજબ રવિવારે સવારે વાય.બી. ચવ્હાણ બસ સ્ટોપ પાસે સામેથી આવેલી સ્કોર્પિયો તેના આગળના જમણા ભાગ સાથે અથડાઈ હતી. આ ટક્કરને કારણે બસની વિન્ડસ્ક્રીન તૂટી ગઈ અને સ્ટિયરિંગ રોડ પણ તૂટી ગયો, જ્યારે એસયુવીના આગળના ભાગને ભારે નુકસાન થયું હતું. સદ્ભાગ્યે કોઈને ઈજા થઈ નહોતી.
અકસ્માત બાદ ઘટનાસ્થળનો એક વીડિયો સામે આવ્યો હતો. જેમાં બંને વાહનો વચ્ચે થયેલી ટક્કરમાં બસના આગળના જમણા ભાગના હિસ્સાને ભારે નુકસાન થયું છે, વિન્ડસ્ક્રીન તૂટી ગઈ છે અને ડ્રાઈવરના દરવાજા નીચે આવેલું પગથિયું પણ તૂટી ગયું છે. વાહનોની ટક્કરને કારણે બસનો સ્ટિયરિંગ રોડ તૂટી ગયો હતો. તો સ્કોર્પિયોને પણ ભારે નુકસાન થયું છે. તેના આગળના જમણા ભાગ અને વિન્ડસ્ક્રીનને નુકસાન પહોંચ્યું છે, આગળનું જમણું ટાયર નીકળી ગયું છે અને આગળનો જમણો દરવાજો તથા બોનેટ પણ ક્ષતિગ્રસ્ત થયા છે.
આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી. બેસ્ટના અહેવાલ મુજબ બસના ડ્રાઈવર દ્વારા ટક્કર પહેલાં કોઈ યાંત્રિક ખામી કે બ્રેક સંબંધિત સમસ્યા વિશે જાણ કરવામાં આવી ન હતી.આ ઘટના અંગે કફ પરેડ પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી હતી, ત્યારબાદ ક્ષતિગ્રસ્ત બસને ટો કરીને પાછી બૅક-બે ડેપો લઈ જવામાં આવી હતી. ૧૮ ઓક્ટોબરના રોજ, પોલીસ સ્ટેશનમાં સ્કોર્પિયો ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી. અકસ્માતનું ચોક્કસ કારણ હજી સુરુધી જાણી શકાયું નથી.