Sun Sep 06 2026

Logo

ઝારખંડ વિદ્યાર્થી આંદોલન: JPSC અને JSSC પેપર ગેરરીતિ મુદ્દે આજે વિધાનસભા ઘેરાવ, ધારા 163 લાગુ...

2026-08-10 08:43:00
Author: Vimal Prajapati
ઝારખંડ વિદ્યાર્થી આંદોલન: JPSC અને JSSC પેપર ગેરરીતિ મુદ્દે આજે વિધાનસભા ઘેરાવ, ધારા 163 લાગુ...

ઝારખંડમાં સરકારી ભરતી પરીક્ષાઓમાં કથિત ગેરરીતિઓ સામે વિદ્યાર્થીઓનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે. JPSC અને JSSC પરીક્ષાઓમાં થયેલી કથિત ગેરરીતિ મામલે વિરોધમાં છેલ્લા બે અઠવાડિયાથી રાંચીના જયપાલ સિંહ મુંડા સ્ટેડિયમમાં વિદ્યાર્થીઓ ધરણા પર બેઠા છે. સરકાર સાથે ત્રણ રાઉન્ડની દીર્ઘકાલીન ચર્ચા અનિર્ણાયક રહેતા, આંદોલનકારી વિદ્યાર્થીઓએ આજે સવારે 10 વાગ્યાથી ઝારખંડ વિધાનસભાના ઘેરાવ માટે માર્ચ યોજવાની જાહેરાત કરી છે. 
 
સરકાર અને વિદ્યાર્થાીઓ વચ્ચે ક્યાં પેચ ફસાયો?

રવિવારે વિદ્યાર્થીઓ અને રાજ્ય સરકારના પ્રતિનિધિઓ વચ્ચે 5 કલાકથી વધુ સમય સુધી બેઠક ચાલી હતી. સરકારે આંદોલનને શાંત પાડવા માટે 14મી JPSC પરીક્ષા રદ કરવા અને મામલાની ઝીણવટભરી તપાસ કરાવવા સહમતી દર્શાવી હતી. આ ઉપરાંત વિદ્યાર્થીઓની કેટલીક અન્ય માંગણીઓ પણ સ્વીકારી લેવામાં આવી હતી.  

જોકે, સમગ્ર કૌભાંડની CBI તપાસ કરાવવાની વિદ્યાર્થીઓની મુખ્ય માંગ પર સરકાર અને વિદ્યાર્થીઓ વચ્ચે સહમતી બની શકી ન હતી. વિદ્યાર્થી નેતાઓએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી યોગ્ય અને બિનપક્ષપાતી તપાસનું આશ્વાસન નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.

રાંચીમાં વિદ્યાર્થીઓનો જમાવડો

રવિવાર સવારથી જ ઝારખંડના વિવિધ જિલ્લાઓમાંથી હજારોની સંખ્યામાં ઉમેદવારો રાંચી પહોંચી રહ્યા છે. મોરહાબાદી મેદાન અને જૂના વિધાનસભા પરિસરમાં વિદ્યાર્થીઓની એટલી મોટી ભીડ જામી છે કે ત્યાં ઊભા કરાયેલા પંડાલ પણ નાના પડી રહ્યા છે. બીજી તરફ, વિદ્યાર્થીઓના આક્ષેપ મુજબ રાજ્યના અન્ય ભાગોમાંથી રાંચી આવી રહેલા ઉમેદવારોને પોલીસ દ્વારા રસ્તામાં જ રોકવામાં આવી રહ્યા છે.  

 

રાંચી પોલીસ અને વહીવટીતંત્ર એલર્ટ

વિધાનસભા પરિસરની આસપાસ સુરક્ષાના અનેક સ્તરો ઉભા કરાયા છે અને કાંટાળા તારથી બેરિકેટિંગ કરવામાં આવ્યું છે.  કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે અગમચેતીના ભાગરૂપે જમશેદપુર સહિતના વિસ્તારોમાં ધારા 163 લાગુ કરી દેવામાં આવી છે. આ સાથે વહીવટીતંત્રે વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની હિંસા કે ઉગ્ર પ્રદર્શનથી દૂર રહીને શાંતિપૂર્ણ અને શિસ્તબદ્ધ રીતે પોતાની રજૂઆત કરવા અપીલ કરી છે.