Sun Jul 26 2026

Logo

અંતરિક્ષમાં ભારતની નવી ‘ઉડાન’: સ્પેસ માર્કેટમાં બિઝનેસની કરોડોની તક... ખાનગી કંપનીઓ રચશે ઇતિહાસ

2026-07-19 10:14:00
Author: Bharat Mehta
Article Image

 

 

 

ભરત મહેતા

 

 નાળિયેરના વૃક્ષથી શરૂ થઈ એ સફર...

 

ભારતના સ્પેસ પ્રોગ્રામનો પાયો સમજવા માટે આપણે 1960ના દાયકામાં પાછા જવું પડે. ભારતીય અંતરિક્ષ વિજ્ઞાનના પિતામહ (Father of Indian Space Program) ડો. વિક્રમ સારાભાઈએ એક એવા સમયે સ્પેસ રિસર્ચની કલ્પના કરી હતી જ્યારે દેશ મૂળભૂત સુવિધાઓ માટે સંઘર્ષ કરી રહ્યો હતો. ડો. સારાભાઈ સ્પષ્ટ માનતા હતા કે ભારત જેવા વિકાસશીલ દેશે જો વિશ્વમાં મોખરે આવવું હોય  તો આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ સામાન્ય માણસ અને સમાજના ઉત્થાન માટે કરવો જ પડશે.

 

21 નવેમ્બર 1963ના રોજ થુમ્બા (કેરળ)ના દરિયાકિનારે આવેલા સેન્ટ મેરી મેગ્ડલીન ચર્ચના એક પાદરીના ઘરને ઓફિસ અને નાળિયેરના ઝાડને લોન્ચ પેડ બનાવીને ભારતે તેનું પ્રથમ નાનું સાઉન્ડિંગ રોકેટ છોડ્યું હતું. રોકેટના ભાગોને સાયકલ અને બળદગાડા પર લાવવામાં આવ્યા હતા. ડો. સારાભાઈના અથાગ  પ્રયત્નો અને દૂરંદેશીને કારણે જ 15 ઓગસ્ટ 1969ના રોજ ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા (ISRO)ની સ્થાપના થઈ.

 

ઇસરો (ISRO)ની અદ્ભુત મિસાલ

 

 ઇસરોએ પોતાના 6 દાયકાના ઇતિહાસમાં મર્યાદિત બજેટ હોવા છતાં વિશ્વને આશ્ર્ચર્યચકિત કરી મૂકે એવી  સફળતાઓ મેળવી છે. 1975માં ભારતનો પ્રથમ ઉપગ્રહ ‘આર્યભટ્ટ’ રશિયાની મદદથી લોન્ચ થયો હતો. ત્યારબાદ ઇસરોએ પોતાના જ રોકેટો  SLV, ASLVઅને બાદમાં વિશ્વના સૌથી ભરોસાપાત્ર ગણાતા PSLV (Polar Satellite Launch Vehicle)) અને ભારે ઉપગ્રહો માટે ¡ GSLV નો વિકાસ કર્યો.

 

એક જ મિશનમાં 104 સેટેલાઇટ્સ લોન્ચ કરવાનો વર્લ્ડ રેકોર્ડ હોય, પ્રથમ પ્રયાસે જ મંગળ પર પહોંચવાનું મિશન (મંગળયાન) હોય, કે પછી ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરનારો વિશ્વનો પ્રથમ દેશ બનવાનું ગૌરવ (ચંદ્રયાન-3) હોય ઇસરોએ ભારતનું નામ સુવર્ણ અક્ષરે અંકિત કર્યું છે, પરંતુ વધતી જતી વૈશ્વિક સ્પેસ માર્કેટને પહોંચી વળવા માટે હવે માત્ર સરકારી સંસ્થા પૂરતી નથી. આ જ કારણે સરકારે દેશના સ્પેસ રિફોર્મ્સ દ્વારા ખાનગી ક્ષેત્ર માટે આકાશના દ્વાર ખોલી દીધા છે... 

 

મિશન આગમન 

 

ડો. સારાભાઈને સાચી શ્રદ્ધાંજલિ આપતું ‘વિક્રમ-1’ ઇસરો અને ઇન-સ્પેસ (IN-SPACe) ના સહયોગથી ભારતનું પ્રાઇવેટ સેક્ટર હવે સેટેલાઇટ બનાવવાથી લઇને સ્પેસમાં રોકેટ લોન્ચ કરવા સુધીની તમામ ક્ષમતા   હાંસલ કરી ચૂક્યું છે. આ નવી ક્રાંતિની સૌથી મોટી સાબિતી ટૂંક સમયમાં જ જોવા મળશે, જ્યારે હૈદરાબાદ સ્થિત સ્પેસ સ્ટાર્ટઅપ સ્કાયરૂટ એરોસ્પેસ (Skyroot Aerospace) દ્વારા સંપૂર્ણપણે ખાનગી રીતે વિકસિત ઓર્બિટલ રોકેટ ‘વિક્રમ-1’ (Vikram-1) પૃથ્વીની કક્ષામાં ઉપગ્રહો સ્થાપિત કરવા માટે ઉડાન ભરશે. ડો. વિક્રમ સારાભાઈના સન્માનમાં જ આ રોકેટ સિરીઝનું નામ ‘વિક્રમ’ રાખવામાં આવ્યું છે.

 

આ મિશનને ‘મિશન આગમન’ નામ આપવામાં આવ્યું છે. તેનો લોન્ચ વિન્ડો 12 જુલાઈથી 4 ઓગસ્ટ 2026 નક્કી કરવામાં આવ્યો છે, જે શ્રીહરિકોટાના ઐતિહાસિક ફર્સ્ટ લોન્ચ પેડ પરથી ઉડાન ભરશે, આ એ જ લોન્ચ પેડ છે, જ્યાંથી ઇસરોએ પોતાના પ્રારંભિક મિશન્સ લોન્ચ કર્યા હતા. 

 

વિક્રમ-1ની મુખ્ય તકનીકી વિશેષતાઓ...

 

* કાર્બન કમ્પોઝિટ સ્ટ્રક્ચર: 

 

આ રોકેટ સાત માળ જેટલું ઊંચું છે અને તેનું આખું માળખું અત્યાધુનિક ઓલ-કાર્બન કમ્પોઝિટ મટીરિયલથી બનેલું છે, જે તેને અત્યંત હલકું અને મજબૂત બનાવે છે.

 

* 3D-પ્રિન્ટેડ એન્જિન: 

 

રોકેટના લિક્વિડ અપર સ્ટેજમાં ઇન-હાઉસ વિકસિત 3D-પ્રિન્ટેડ ’રમન’ Raman) એન્જિનનો ઉપયોગ થયો છે, જે સર સી. વી. રમનના નામ પરથી છે.

 

* ક્ષમતા: 

 

તે પૃથ્વીની નીચલી કક્ષા (Low Earth Orbit -LEO) માં 350 કિલોગ્રામ સુધીના નાના સેટેલાઇટ્સને 450 કિલોમીટરની ઊંચાઈએ સચોટ રીતે સ્થાપિત કરવા ડિઝાઇન કરવામાં આવ્યું  છે.

 

* સ્વાયત્ત મગજ: 

 

આ રોકેટમાં ’રામાનુજન’ નામનું અદ્ભુત મિશન કમ્પ્યુટર છે, જે ફ્લાઇટ દરમિયાન કોઈ પણ મેન્યુઅલ હસ્તક્ષેપ વગર સ્વાયત્ત રીતે (Autonomous) નિર્ણયો લે છે.

 

ભારતીય સ્પેસ માર્કેટના મુખ્ય ખાનગી ખેલાડીઓ (Key Players)

 

ભારતમાં હાલમાં 350થી વધુ સ્પેસ ટેક સ્ટાર્ટઅપ્સ ગ્રાઉન્ડબ્રેકિંગ કામ કરી રહ્યા છે, જેમકે ...

 

* અગ્નિકુલ કોસ્મોસ (Agnikul Cosmos):  આ આઈઆઈટી મદ્રાસના સ્ટાર્ટઅપે વિશ્વનું પ્રથમ સિંગલ-પીસ 3D પ્રિન્ટેડ સેમી-ક્રાયોજેનિક એન્જિન ‘અગ્નિલેટ’ બનાવીને ઇતિહાસ રચેલો છે.

 

* પિક્સેલ (Pixxel): અદ્યતન હાઇપરસ્પેક્ટ્રલ ઇમેજિંગ સેટેલાઇટ્સ (Hyperspectral Imaging Satellites) ક્ષેત્રે આ કંપની વૈશ્વિક લીડર બની રહી છે, જે પૃથ્વીના પર્યાવરણની સચોટ તસવીરો પૂરી પાડે છે.

 

* ગેલેક્સઆઈ (GalaxEye): આ સ્ટાર્ટઅપે તેનો ‘દ્રષ્ટિ’ (Drishti) સેટેલાઇટ લોન્ચ કર્યો છે, જે વાદળછાયા વાતાવરણમાં કે રાત્રિના સમયે પણ પૃથ્વીની સ્પષ્ટ તસવીરો ઝડપી શકે તેવી મલ્ટી-સેન્સર ટેકનોલોજીથી સજ્જ છે.

 

* ધ્રુવ સ્પેસ (Dhruva Space): સેટેલાઇટ ડિપ્લોયર્સ અને ઉપગ્રહના કસ્ટમાઇઝ્ડ પ્લેટફોર્મ બનાવવામાં આ કંપની મોખરે છે.

 

વ્યાપારી તક (Business Opportunities)

 

ગ્લોબલ સ્પેસ ઇકોનોમી હાલમાં અંદાજે 500 બિલિયનની છે. ભારતીય સ્પેસ સેક્ટરનું લક્ષ્ય 2033 સુધીમાં વૈશ્વિક હિસ્સો વધારીને 44 બિલિયન (અંદાજે ₹3.6 લાખ કરોડ) ના માર્કેટ કદ સુધી પહોંચવાનું છે. આ ક્ષેત્રમાં સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે  વ્યાપક સ્તરે  વ્યાપારી તકનો મોટો વિસ્ફોટ થઈ રહ્યો છે:

 

આંતરરાષ્ટ્રીય બજાર (International Market)ં

 

 ઓન-ડિમાન્ડ લોન્ચ સર્વિસ: વિશ્વભરમાં કોમ્યુનિકેશન અને અર્થ ઓબ્ઝર્વેશન માટે હજારો નાના સ્મોલ-સેટેલાઇટ્સ (Small Satellites) લોન્ચ કરવા માટે લાઈન લાગેલી છે. 

 

સ્પેસએક્સ (SpaceX) જેવા ગ્લોબલ જાયન્ટ્સ મોટા રોકેટ પર નિર્ભર છે, જ્યારે ભારતની આ કંપનીઓ ખૂબ જ ઓછા ખર્ચે, ત્વરિત અને ‘ઓન-ડિમાન્ડ’ લોન્ચિંગ પૂરું પાડી આંતરરાષ્ટ્રીય ગ્રાહકો આકર્ષી શકે છે

 

ગ્લોબલ ડેટા અને સપ્લાય ચેઈન: ભારતીય કંપનીઓ દ્વારા એકત્રિત કરાતો હાઈ-રિઝોલ્યુશન સ્પેસ ડેટા વિદેશી સરકારો અને ક્લાઈમેટોલોજી સંસ્થાઓ ખરીદી રહી છે. ઉપરાંત, ગ્લોબલ સ્પેસ કમ્પોનન્ટ સપ્લાય ચેઈનમાં ભારત મોટું હબ બની રહ્યું છે.

 

સ્થાનિક બજાર (Indian Market)ં

 

 ખેતીવાડી અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ: ભારતમાં ચોકસાઈપૂર્વકની ખેતી (Precision Farming), પાકની ગુણવત્તા તપાસવા, પાક વીમાના ત્વરિત મૂલ્યાંકન અને પૂર-વાવાઝોડા જેવી આપત્તિઓના પૂર્વાનુમાન માટે પ્રાઇવેટ સેટેલાઇટ ડેટાની માંગ ચરમસીમાએ છે.

 

અદ્યતન એજ કમ્પ્યુટિંગ

 

નોન-ટેરેસ્ટ્રિયલ નેટવર્ક્સ (Non-Terrestrial Networks) અને રીમોટ એરિયા સેટેલાઇટ બ્રોડબેન્ડ માટે ભારતીય લોજિસ્ટિક્સ અને માળખાકીય સુવિધાઓમાં ખાનગી પ્લેયર્સ માટે સેન્ટ્રલ ડેટા પ્રોસેસિંગ અને ચિપ ડિઝાઇનની મોટી તકો ઊભી 

થઈ છે.

 

જેમ અમેરિકામાં NASA અને SpaceX ની ભાગીદારીએ સ્પેસ સેક્ટરનું ચિત્ર બદલી નાખ્યું, તેમ જ ભારતમાં ISRO અને સ્થાનિક ખાનગી સ્પેસ કંપનીઓની આ જુગલબંધી વૈશ્વિક સ્પેસ માર્કેટમાં ભારતને નવી ઊંચાઈ પર લઈ જશે. વિક્રમ-1 નું આ મિશન માત્ર એક રોકેટનું લોન્ચિંગ નથી, પરંતુ ડો. વિક્રમ સારાભાઈએ વાવેલા બીજમાંથી બનેલા વટવૃક્ષની નવી શાખાઓનું વૈશ્વિક સ્તરે ખરા અર્થમાં ભવ્ય ‘આગમન’ છે.