Mon Aug 24 2026

Logo

ભારતે જુરેલની સદી બાદ 9/503ના સ્કોર પર દાવ ડિકલેર કર્યો: વરસાદનું વિઘ્ન

colambo   2026-08-24 17:38:20
Author: Ajay Motiwala
ભારતે જુરેલની સદી બાદ 9/503ના સ્કોર પર દાવ ડિકલેર કર્યો: વરસાદનું વિઘ્ન

કોલંબો: ભારતે વરસાદના વિઘ્નો વચ્ચે શ્રીલંકા સામેની બીજી અને છેલ્લી ટેસ્ટમાં સોમવારના બીજા દિવસે પ્રથમ દાવ 9/503ના સ્કોર પર ડિકલેર કરી દીધો. દેવદત પડિકકલ (117 રન) પછી ધ્રુવ જુરેલ (115 અણનમ)એ પણ સેન્ચુરી ફટકારી અને જુરેલની આ બીજી ટેસ્ટ સદી પૂરી થયા બાદ થોડી વાર પછી કેપ્ટન શુભમન ગિલે દાવ સમાપ્ત જાહેર કર્યો હતો.

ભારત (India)ની આ ઈનિંગ્સમાં બીજા કેટલાક ખેલાડીઓનું પણ યોગદાન હતું. લડાયક અભિગમવાળો રિષભ પંત (89 બૉલમાં 63 રન) રવિવારે હાથમાં ઇજા થયા બાદ બૅટિંગ છોડીને જતા રહ્યા પછી સોમવારે ફરી બૅટિંગ કરવા આવ્યો હતો અને ભારતને તોતિંગ ટોટલ અપાવવામાં યોગદાન આપ્યું હતું.

ભારતના 503 રનમાં યશસ્વી જયસ્વાલ (45 રન) ગિલ (50 રન) અને રવીન્દ્ર જાડેજા (43 રન)નો પણ સારો ફાળો હતો. નવા સ્પિન-સ્ટાર માનવ સુથારે 51 બૉલ રમીને 18 રનનું યોગદાન આપ્યું હતું.

શુભમન ગિલે દાવ ડિક્લેર કર્યો ત્યારે ધ્રુવ જુરેલ સાથે પ્રસિદ્ધ ક્રિષ્ના ચાર રને અણનમ રહ્યો હતો. શ્રીલંકા (SriLanka)ના બોલર્સમાંથી ફાસ્ટ બોલર અસિથ ફર્નાન્ડોએ સૌથી વધુ ચાર વિકેટ તેમ જ બે સ્પિનર કેશરા નુવાન્થા અને પ્રભાત જયસૂર્યાએ બે-બે વિકેટ મેળવી હતી. ભારતની આ સિરીઝમાં 1-0થી અપરાજિત સરસાઈ છે.