દુબઈઃ કોલંબોમાં ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચના પહેલા દિવસે એક મોટો વિવાદ થયો હતો. ભારતના યુવા ઓપનર યશસ્વી જયસ્વાલ અને શ્રીલંકાના ફાસ્ટ બોલર અસિથા ફર્નાન્ડો મેદાન પર ઝઘડી પડ્યા હતા. આઈસીસીએ જયસ્વાલ અને ફર્નાન્ડોને તેમની મેચ ફીના 25 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. બંને ખેલાડીઓને એક-એક ડિમેરિટ પોઈન્ટનો દંડ પણ આપવામાં આવ્યો છે.
ભારતની પ્રથમ દાવની 17મી ઓવરમાં ફર્નાન્ડોએ જયસ્વાલને આઉટ કર્યો, જેના પછી બંને ખેલાડીઓ વચ્ચે બબાલ થઈ હતી. જયસ્વાલ ફર્નાન્ડો તરફ આગળ વધ્યો અને બંનેએ એકબીજાને કાંઈક કહ્યું હતું. ત્યારબાદ ફર્નાન્ડોએ પોતાનું માથું જયસ્વાલ તરફ આગળ વધાર્યું જેના જવાબમાં જયસ્વાલ પણ આગળની તરફ ઝૂક્યો જેના કારણે ફર્નાન્ડોના માથા પર હેલ્મેટ ટકરાયું હતું.
આઈસીસીએ એક નિવેદનમાં કહ્યું હતું કે, "બંને ખેલાડીઓએ પોતાના ગુનાનો સ્વીકાર કરી લીધો છે અને આઈસીસી એલિટ પેનલના મેચ રેફરી એન્ડી પાઈક્રોફ્ટ દ્ધારા પ્રસ્તાવિત દંડ સ્વીકાર્યો અને તેથી ઔપચારિક સુનાવણીની કોઈ જરૂર પડી નહોતી."
બંને ખેલાડીઓને આઈસીસી આચારસંહિતાની કલમ 2.12ના ઉલ્લંઘન બદલ દોષિત ઠેરવવામાં આવ્યા હતા. આ નિયમ ખેલાડી, સપોર્ટ સ્ટાફ, અમ્પાયર, મેચ રેફરી અથવા અન્ય કોઈ પણ વ્યક્તિ (આંતરરાષ્ટ્રીય મેચ દરમિયાન દર્શકો સહિત) સાથે અયોગ્ય શારીરિક સંપર્ક સાથે સંબંધિત છે. આઈસીસીએ કહ્યું કે "ફર્નાન્ડો અને જયસ્વાલના શિસ્ત રેકોર્ડમાં એક-એક ડિમેરિટ પોઇન્ટ ઉમેરવામાં આવ્યો છે, જેમણે છેલ્લા 24 મહિનામાં કોઈ ગુનો કર્યો નથી."
બીજા દિવસની રમત શરૂ થાય તે પહેલાં જયસ્વાલે પોતાના વર્તનનો બચાવ કરતા કહ્યું કે જો કોઈને ખબર ન હોય કે બીજી વ્યક્તિ શું કહે છે તો તેણે નિર્ણય લેવો જોઈએ નહીં. તેમણે ઉમેર્યું હતું કે જો કોઈ મર્યાદા પાર કરશે તો જવાબ આપવો જરૂરી છે અને "ભારત લડશે અને જવાબ આપશે."