Wed Sep 02 2026

Logo

બીસીસીઆઈની મોટી પહેલ: યુવા ક્રિકેટરોને ફિક્સિંગ અને ડ્રગ્સના દૂષણથી બચાવવા જૂનિયર સિલેક્શન કમિટીને સોંપાશે નવી જવાબદારી

2026-08-24 18:48:30
Author: Mumbai Samachar Team
બીસીસીઆઈની મોટી પહેલ: યુવા ક્રિકેટરોને ફિક્સિંગ અને ડ્રગ્સના દૂષણથી બચાવવા જૂનિયર સિલેક્શન કમિટીને સોંપાશે નવી જવાબદારી

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ની નવી જૂનિયર ક્રિકેટ પસંદગી સમિતિને એક નવી મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવશે. આ સમિતિ યુવા ક્રિકેટરોને ડ્રગ્સ, સટ્ટાબાજી અને મેચ ફિક્સિંગના ખતરાઓને લઈને સતર્ક કરશે. 

બીસીસીઆઈની આગામી વાર્ષિક સામાન્ય બેઠકમાં જૂનિયર પસંદગી સમિતિની જાહેરાત કરવામાં આવશે. બીસીસીઆઈએ જૂનિયર ક્રિકેટ સમિતિમાં પાંચ પદો માટે અરજીઓ મંગાવી છે, જેની અંતિમ તારીખ 5 સપ્ટેમ્બર છે.

બીસીસીઆઈએ યુવા ક્રિકેટરોમાં મજબૂત નૈતિક મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટે પોતાની મહત્વની જવાબદારીઓમાંની એક બતાવી છે. તેમાં સીનિયર અને પૂર્વ ખેલાડીઓ સાથે વાતચીત મારફતે નશીલા પદાર્થો, સટ્ટાબાજી અને મેચ ફિક્સિંગને લઈને જાગૃતિ લાવવાનું સામેલ છે.  બીસીસીઆઈના એક અધિકારીએ નામ ન આપવાની શરતે કહ્યું કે "યુવા ખેલાડીઓને નિશાન બનાવવામાં આવી શકે અને અંડર-19 ખેલાડીઓ માટે પણ ઘણા પૈસા અને પ્રસિદ્ધિ દાવ પર લાગેલી હોય છે તેથી શિક્ષણ વહેલા શરૂ થવું જોઈએ.

નવી પેનલ વર્તમાન સમિતિનું સ્થાન લેશે, જેમાં એસ. શરથ (દક્ષિણ, ચેરમેન), કૃષ્ણ મોહન (ઉત્તર), રાણાદેવ બોઝ (પૂર્વ), પથિક પટેલ (પશ્ચિમ) અને હરવિંદર સિંહ સોઢી (મધ્ય)નો સમાવેશ થાય છે. સમિતિની નિમણૂક સપ્ટેમ્બર 2021માં કરવામાં આવી હતી અને હવે તે તેનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરી રહી છે. વર્તમાન સમિતિનું અંતિમ કાર્ય જૂનિયર ઈરાની કપ માટે રેસ્ટ ઓફ ઈન્ડિયા અંડર-23 ટીમની પસંદગી કરવાનું રહેશે, જે સીકે નાયડુ ચેમ્પિયન્સ લીગનો સામનો કરશે.

નવી સમિતિ કોચિંગ કેમ્પ અને સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય મેચો માટે અંડર-22 વય જૂથમાંથી ટીમોની પસંદગી કરશે. તે એક મજબૂત પ્રતિભા પૂલ બનાવવામાં પણ મદદ કરશે. પસંદગીકારો સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય મેચો દરમિયાન ખેલાડીઓના પ્રદર્શનનું પણ મૂલ્યાંકન કરશે. ફક્ત તે ભૂતપૂર્વ ખેલાડીઓ જ આ પદો માટે અરજી કરી શકે છે જેમણે ઓછામાં ઓછી 25 ફર્સ્ટ ક્લાસ મેચ રમી હોય અને ઓછામાં ઓછા પાંચ વર્ષ પહેલાં નિવૃત્તિ લીધી હોય.