બેંગ્લૂરુઃ ભારતમાં ક્રિકેટ ધર્મની જેમ પુજાય છે અને છેલ્લા થોડા વર્ષોમાં આપણે જોઈ ગયા કે સચિન તેન્ડુલકર તો `ક્રિકેટના ભગવાન' તરીકે ઓળખાય જ છે, એમએસ ધોની તેમ જ વિરાટ કોહલી અને રોહિત શર્માને તેમના કેટલાક ચાહકો મેદાન પર દોડી આવીને તેમને પગે લાગ્યા હોવાની ઘટના બની ચૂકી છે, પરંતુ અહીં આપણે જેની વાત કરવાની છે એ ઘણી અલગ છે. પેસ બોલર મુકેશ કુમાર સોમવારે બેંગ્લૂરુમાં દુલીપ ટ્રોફી સેમિ ફાઇનલ દરમ્યાન સાથી પેસ બોલર અને ભારતને અનેક મૅચો તેમ જ સિરીઝો જિતાડી ચૂકેલા મોહમ્મદ શમીને પગે લાગ્યો હતો. આ જોઈને મેદાન પરના ખેલાડીઓ તેમ જ પ્રેક્ષકોને આશ્ચર્ય થયું હતું.
મુકેશ અને શમી ઈસ્ટ ઝોનના પેસ બોલર છે અને તેમણે સ્વિંગ અને ઝડપી બૉલના આક્રમણથી સેમિ ફાઇનલના બન્ને દાવ મળીને સેન્ટ્રલ ઝોનની કુલ 12 વિકેટ લીધી હતી. મુકેશે પ્રથમ દાવમાં ત્રણ અને બીજા દાવમાં ચાર વિકેટ મેળવી, જ્યારે શમીએ પહેલા દાવમાં બે અને બીજા દાવમાં ત્રણ વિકેટ લીધી હતી.

પહેલા દાવમાં રજત પાટીદારના નેતૃત્વમાં સેન્ટ્રલ ઝોનના 266 રનના જવાબમાં ઇશાન કિશનની કૅપ્ટન્સીમાં ઈસ્ટ ઝોને વૈભવ સૂર્યવંશીના સાત છગ્ગા અને સાત ચોગ્ગા સાથે બનેલા 92 રનની મદદથી 266 રન બનાવ્યા હતા. બન્ને ટીમ બરાબરીમાં રહ્યા બાદ સેન્ટ્રલ ઝોને બીજા દાવમાં 158 રન બનાવીને ઈસ્ટ ઝોનને જીતવા 159 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.
આ સેમિ ફાઇનલમાં એક ખાસ ક્ષણ જોવા મળી હતી. સેન્ટ્રલ ઝોનના કૅપ્ટન રજત પાટીદાર (Patidar) માટે બૅટ્સમૅન તરીકે આ મૅચ નિરાશાજનક રહી. પ્રથમ દાવમાં તે મુકેશ (Mukesh)ની અંદર આવતા બૉલમાં એક જ મૂવમેન્ટમાં રહ્યા પછી ક્લીન બોલ્ડ થઈ ગયો હતો. તેણે ફક્ત 12 રન બનાવ્યા હતા. બીજા દાવમાં તેણે માત્ર પાંચ રન બનાવ્યા હતા ત્યાં ફરી એક વખત મુકેશના બૉલમાં ક્લીન બોલ્ડ થયો હતો. આઇપીએલના ચૅમ્પિયન-કૅપ્ટનને સતત બીજા દાવમાં ક્લીન બોલ્ડ કર્યા બાદ મુકેશ એટલો બધો રોમાંચિત હતો કે તે તરત જ મોહમ્મદ શમી (Shami)ના આશીર્વાદ લેવા તેને પગે લાગ્યો હતો. કહેવાય છે કે શમીએ જ મુકેશને અમુક ખાસ પ્રકારના બૉલ ફેંકવાની સલાહ આપી હતી.