પોર્ટ ઑફ સ્પેનઃ ટ્રિનિદાદ ઍન્ડ ટૉબેગોના સૌથી લોકપ્રિય ત્રણ ક્રિકેટર ડવેઇન બ્રાવો, કીરૉન પોલાર્ડ અને સુનીલ નારાયણના નામ ક્વીન્સ પાર્ક ઓવલ સ્ટેડિયમમાં એક સ્ટૅન્ડ (Stand)ને સંયુક્ત રીતે આપવામાં આવ્યા છે. આ ત્રણ લેજન્ડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ફલક પર ટ્રિનિદાદ (Trinidad)નું નામ રોશન કર્યું છે.
ઑલરાઉન્ડર કીરૉન પોલાર્ડે 700 ટી-20 મૅચોમાં 14,000થી વધુ રન કર્યા હતા તથા 330થી વધુ વિકેટ લીધી હતી.
બીજા ઑલરાઉન્ડર ડવેઇન બ્રાવો (Bravo)એ 631મી વિકેટ સાથે ટી-20 કારકિર્દી પૂરી કરી હતી. તેના નામે 7,000થી વધુ રન પણ છે. કૅરિબિયન પ્રીમિયર લીગનો સર્વોત્તમ બોલર સુનીલ નારાયણ તાજેતરમાં ટી-20 ફૉર્મેટના ઇતિહાસમાં 650 વિકેટ લેનાર બીજો બોલર બન્યો હતો.
ટ્રિનિદાદના સ્ટેડિયમમાં વિવિધ સુવિધાઓને જે ખ્યાતનામ ખેલાડીઓના નામ મળ્યા છે એની યાદી આ મુજબ છેઃ બ્રાયન લારા પૅવિલિયન, ડેરિક મરે પ્લેયર્સ ગૅલેરી, જેફરી સ્ટૉલમેયર સ્ટૅન્ડ, એલ. કૉન્સ્ટેન્ટાઇન સ્ટૅન્ડ, ગેરી ગૉબેઝ મીડિયા સેન્ટર અને સીરિલ ડુપ્રે સ્ટૅન્ડ.