Tue Sep 01 2026

Logo

જામખેડના આનંદ મેળામાં ચકડોળનું સેફ્ટી લોક ખૂલતાં ભયાનક અકસ્માતઃ યુવતી ઊંચાઈ પરથી નીચે પટકાઈ

2026-08-24 20:20:01
Author: Mumbai Samachar Team
જામખેડના આનંદ મેળામાં ચકડોળનું સેફ્ટી લોક ખૂલતાં ભયાનક અકસ્માતઃ યુવતી ઊંચાઈ પરથી નીચે પટકાઈ

અહિલ્યાનગર: દેશભરમાં ચાલી રહેલા શ્રાવણ માસના ઉત્સાહભર્યા માહોલ વચ્ચે ૧૨ જ્યોતિર્લિંગ સહિતના શિવ મંદિરોમાં ભક્તોનું મહેરામણ ઊભરાયું છે. આ દરમિયાન, અહમદનગરના જામખેડમાં નાગેશ્વર યાત્રાના આનંદ મેળામાં એક ભયાનક દુર્ઘટના ઘટી હતી, જેના હૃદયદ્રાવક દ્રશ્યોનો વીડિયો વાયરલ થયો છે.

અહીં મેળામાં ચકડોળમાં બેસીને લોકો મજા માણી રહ્યા હતા. ત્યારે એક ચકડોળનું લોખંડનું સેફ્ટી લોક અચાનક ખુલી જતાં એક યુવતી ઊંચાઈ પરથી નીચે પડી ગઈ. તેને તરત જ સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. યુવતીની હાલત હાલમાં સ્થિર હોવા છતાં, તેને ગંભીર ઈજાઓ પહોંચી છે. આ ઘટનાથી મેળામાં ચકડોળની સુરક્ષા પર સવાલો ઊભા થયા છે. ચકડોળ હવામાં ખૂબ જ ઝડપથી ફરી રહ્યું હતું ત્યારે જ અચાનક એક ખુરશીનું સેફ્ટી લોક ખુલી ગયું અને યુવતી સીધી નીચે પડી ગઈ.

હવે સવાલ ઊભો થઈ રહ્યો છે કે શું ચકડોળ ચાલુ કરતા પહેલા તેની સુરક્ષા તપાસવામાં આવી હતી? શું આયોજકોએ જરૂરી સાવચેતી રાખી હતી? સુરક્ષામાં એક નાની ભૂલને કારણે યુવતીનો જીવ જોખમમાં મુકાતાં લોકોમાં ગુસ્સો અને ડર જોવા મળી રહ્યો છે. સાથે જ, આ ઘટના પછી નગરપાલિકા પ્રશાસન સુરક્ષા અંગે ગંભીર બનશે કે નહીં, તેવો પ્રશ્ન પણ પૂછાઈ રહ્યો છે.