અમદાવાદ: ગુજરાત રાજ્યમાં ઠંડીના જોરમાં આંશિક ઘટાડો નોંધાયો છે, જેના પરિણામે વિવિધ શહેરોમાં લઘુત્તમ તાપમાનમાં ફેરફાર જોવા મળ્યો છે. રાજ્યના મુખ્ય શહેરોની વાત કરીએ તો, અમદાવાદમાં 16.8 ડિગ્રી, વડોદરામાં 19 ડિગ્રી અને ગાંધીનગરમાં 16 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં નલિયા 10.4 ડિગ્રી સાથે સૌથી ઠંડુ રહ્યું છે, જ્યારે અમરેલીમાં 14.6 ડિગ્રી, ભાવનગરમાં 17.2 ડિગ્રી, ભુજમાં 15.4 ડિગ્રી, પોરબંદરમાં 16 ડિગ્રી અને રાજકોટમાં 14.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહ્યું છે. આ ઉપરાંત, ઉત્તર અને પૂર્વ ગુજરાતના ડીસામાં 15.3 ડિગ્રી અને દાહોદમાં 14.3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાતા ઠંડીમાં સામાન્ય રાહત અનુભવાઈ છે.
જો કે છેલ્લા 2-૩ દિવસના ન્યુનતમ તાપમાનના આંકડાઓ પર નજર કરીએ તો જણાશે કે રાજ્યના મોટા શહેરોમાં ઠંડી વધારે ઘટી છે, જયારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં હજુયે ઠંડીનો કડકડતો રાઉન્ડ ચાલી રહ્યો છે. બે દિવસ પહેલા વિવિધ શહેરોમાં નોંધાયેલા તાપમાન પર નજર કરીએ તો, ૯.૭ ડિગ્રી સેલ્સિયસ સાથે દાહોદ રાજ્યનું સૌથી ઠંડું શહેર રહ્યું હતું. અન્ય શહેરોમાં નલિયા ૧૦.૮ ડિગ્રી, રાજકોટ ૧૧.૫ ડિગ્રી, અમરેલી ૧૧.૬ ડિગ્રી અને ડીસા ૧૧.૯ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. જ્યારે વડોદરામાં ૧૨.૨ ડિગ્રી, અમદાવાદમાં ૧૩.૩ ડિગ્રી, ગાંધીનગરમાં ૧૩.૭ ડિગ્રી, ભાવનગરમાં ૧૪.૬ ડિગ્રી અને ભુજમાં ૧૪.૮ ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયુ હતું.
આ સાથે જ રાજધાની દિલ્હીમાં ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા 'ઓરેન્જ નાઉકાસ્ટ વોર્નિંગ' જાહેર કરવામાં આવી છે. આ ચેતવણી મુજબ, દિલ્હીના દ્વારકા, રાજૌરી ગાર્ડન, નજાફગઢ અને રોહિણી જેવા વિસ્તારોમાં ગાજવીજ અને 40 થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવન સાથે હળવોથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. આ ઉપરાંત, સવારના સમયે હળવા ધુમ્મસની પણ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે ટ્વિટ કરીને જણાવ્યું છે કે આગામી કલાકોમાં વાવાઝોડા અને વીજળીના કડાકા સાથે વરસાદી માહોલ સર્જાઈ શકે છે.