રમેશ ગોહિલ
સોનાના ભાવ પરના પ્રીમિયમ વધીને દાયકાની ઊંચી સપાટીએ
આંતરરાષ્ટ્રીય સ્તરે ખાસ કરીને અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પનાં ગ્રીનલેન્ડ પર કબજો કરવા માટે યુરોપના દેશો સામે ટૅરિફની ધમકી અને ઈરાન સાથે વણસેલા સંબંધો જેવા વધેલા ભૂરાજકીય તણાવને કારણે સોના અને ચાંદીમાં વધેલી સલામતી માટે વધેલી માગ, અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં કાપ મૂકે તેવો આશાવાદ ઉપરાંત કેન્દ્રવર્તી બૅન્કોની વ્યાપક લેવાલીને ટેકે વૈશ્વિક સોના અને ચાંદીના ભાવમાં નફારૂપી વેચવાલીની આંચકાઓ પચાવીને એકતરફી તેજી જોવા મળી હતી. પ્રાપ્ત આંકડાકીય માહિતી અનુસાર ગત સપ્તાહના અંતે વૈશ્વિક સોનાના ભાવ આૈંસદીઠ 4982.50 ડૉલરની અને ચાંદીના ભાવ આૈંસદીઠ 100 ડૉલરની સપાટી કુદાવીને 102.95 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. આમ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ વન વૅ તેજીનો માહોલ જોવા મળ્યો હતો અને સ્થાનિકમાં સોનાના ભાવમાં સાપ્તાહિક ધોરણે 8.98 ટકા અથવા તો 10 ગ્રામદીઠ રૂ. 12,717નો અને ચાંદીમાં 12.70 ટકાનો અથવા તો કિલોદીઠ રૂ. 35,815નો ઉછાળો આવ્યો હતો. જોકે, ગત શુક્રવારે વિશ્વ બજારમાં જોવા મળેલી ઝડપી તેજી અને આગામી સોમવારના વિશ્વ બજારનાં વલણની અસર આગામી મંગળવારે હાજર બજારમાં જોવા મળે તેવી શક્યતા સૂત્રોએ વ્યક્ત કરી હતી. નોંધનીય બાબત એ છે કે આગામી સોમવારે પ્રજાસત્તાક દિન નિમિત્તે બજાર સત્તાવાર ધોરણે બંધ રહેનાર છે.
તાજેતરમાં બન્ને કિંમતી ધાતુઓમાં વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે એકતરફી તેજીનું વલણ જોવા મળે છે અને અને સ્થાનિક પુરવઠા માટે આપણે આયાત નિર્ભર હોવાથી સોના અને ચાંદીની આયાતમાં વધારો થવાથી વેપાર ખાધ વધતી હોય છે. આથી આયાતને અંકુશમાં રાખવા માટે સરકાર આગામી વર્ષ 2026-27ના અંદાજપત્રના પ્રસ્તાવોમાં સોના અને ચાંદી પરની આયાત જકાતમાં વધારો કરે એવી ચર્ચા ચકડોળે ચડી હોવાથી જ્વેલરી ઉત્પાદકો અને સ્ટોકિસ્ટોની માગ ખૂલવાની શક્યતાને ધ્યાનમાં લેતા સ્થાનિકમાં ડીલરો સોનાના ભાવ વૈશ્વિક ભાવની સરખામણીમાં એક દાયકાના ઊંચા આૈંસદીઠ 112 ડૉલરના પ્રીમિયમમાં ઑફર કરી રહ્યાના અહેવાલ હતા. નોંધનીય બાબત એ છે કે સોનાના સ્થાનિક ભાવમાં છ ટકા આયાત જકાત અને ત્રણ ટકા સ્થાનિક લેવીનો સમાવેશ થતો હોય છે. હેદરાબાદસ્થિત બુલિયન મર્ચન્ટ કેપ્સ ગોલ્ડનાં મેનેજિંગ ડિરેક્ટર ચંદા વેંકટેશે જણાવ્યું હતું કે અંદાજપત્રમાં સરકાર ડ્યૂટીમાં વધારો કરે તેવી ભીતિને ધ્યાનમાં લેતા સપ્તાહ દરમિયાન સ્ટોકિસ્ટો અને જ્વેલરી ઉત્પાદકોની પુરવઠા માટે મજબૂત માગ રહી હતી. જોકે, સપ્તાહ દરમિયાન રિટેલ સ્તરની આભૂષણો માટેની માગ નિરસ રહી હતી તેમ જ બન્ને કિંમતી ધાતુઓમાં ઊંચા મથાળેથી રોકાણલક્ષી માગ સુસ્ત હોવાનું મુંબઈસ્થિત એક ડીલરે જણાવ્યું હતું.
ઈન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ એસોસિયેશનની આંકડાકીય માહિતી અનુસાર ગત સપ્તાહના આરંભે હાજરમાં વેરારહિત ધોરણે 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના 10 ગ્રામદીઠ ભાવ આગલા સપ્તાહના અંત અથવા તો ગત 16મી જાન્યુઆરીના રૂ. 1,41,593 સામે ઉછળીને રૂ. 1,43,978ની સપાટીએ ખૂલ્યા બાદ સપ્તાહ દરમિયાન નીચામાં રૂ. 1,43,946 અને ઉપરમાં રૂ. 1,55,428ની રેન્જમાં રહ્યા બાદ અંતે સાપ્તાહિક ધોરણે 8.98 ટકા અથવા તો રૂ. 12,717 વધીને રૂ. 1,54,310ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે 999 ટચ ચાંદીના ભાવ આગલા સપ્તાહના અંત અથવા તો ગત 16મી જાન્યુઆરીના કિલોદીઠ રૂ. 2,81,890 સામે તેજી સાથે રૂ. 2,93,650ના મથાળે ખૂલ્યા બાદ સપ્તાહ દરમિયાન નીચામાં ખૂલતી જ સપાટી અને ઉપરમાં રૂ. 3,20,075ની નવી ઊંચી સપાટી નોંધાવીને અંતે સાપ્તાહિક ધોરણે 12.70 ટકા અથવા તો રૂ. 35,815 વધીને રૂ. 3,17,705ના મથાળે બંધ રહ્યા હતા.
એકંદરે ગત સપ્તાહે વૈશ્વિક બજારમાં ખાસ કરીને ભૂરાજકીય તણાવ, ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ અને વૈશ્વિક ઈક્વિટી માર્કેટમાં ભારે ચંચળતા રહેતાં સલામતી માટેની માગને ટેકે સોના અને ચાંદીએ આકર્ષક કામગીરી દર્શાવવાનું જાળવી રાખતા સાપ્તાહિક ધોરણે માર્ચ, 2020 પછીની સૌથી વધુ અનુક્રમે 11 ટકાનો અને 16 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. દરમિયાન ગત ગુરુવારે અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે નાટો સાથે થયેલી સમજૂતીના આધારે ગ્રીનલેન્ડ પર કબજો કરવા માટે મંજૂરી લઈ લેવામાં આવી છે. તેમ જ તેમણે યુરોપના આઠ દેશો પર આગામી ફેબ્રુઆરીથી ટૅરિફ લાદવાનું પણ રદ કરવાની જાહેર કરી હોવા છતાં બજારમાં ફરી અનિશ્ચિતતા સપાટી પર આવી હોવાથી શુક્રવારે ફરી બન્ને કિંમતી ધાતુઓમાં ઘટ્યા મથાળેથી સુધારો આવ્યો હતો, જેમાં હાજરમાં સોનાના ભાવ વધીને આૈંસદીઠ 4982.50 ડૉલરની અને ચાંદીના ભાવ આૈંસદીઠ 102.95 ડૉલરની નવી ઊંચી સપાટીએ પહોંચ્યા હતા. હવે રોકાણકારોની નજર આગામી 27-28 જાન્યુઆરીની અમેરિકી ફેડરલ રિઝર્વની નીતિવિષયક બેઠક પર છે. જોકે, ફેડરલ રિઝર્વ વ્યાજદર યથાવત્ રાખે તેવી ધારણા બજાર વર્તુળો મૂકી રહ્યા છે. તેમ છતાં બેઠકના અંતે ફેડરલના અધ્યક્ષ ભવિષ્યની નાણાનીતિ અંગે કોઈ સંકેત આપે છે કે કેમ તેના પર મંડાયેલી રહેશે, એમ એસએમસી ઈન્વેસ્ટમેન્ટ ઍન્ડ ઍડ્વાઈઝર્સ વિશ્લેષકે જણાવતાં ઉમેર્યું હતું કે આગામી સપ્તાહે વૈશ્વિક સોના માટે આૈંસદીઠ 4850 ડૉલરની સપાટી ટેકાની અને 5250 ડૉલરની સપાટી પ્રતિકારક સપાટી પુરવાર થાય તેવી શક્યતા છે, જ્યારે ચાંદીના ભાવ આૈંસદીઠ 110થી 112 ડૉલરની રેન્જમાં રહે તેવી શક્યતા છે. વધુમાં સ્થાનિકમાં સપ્તાહ દરમિયાન સોનાના ઓનલાઈન વાયદામાં ભાવ 10 ગ્રામદીઠ રૂ. 1.46 લાખથી 1.70 લાખની રેન્જમાં અને ચાંદીના ભાવ 2.95 લાખથી 3.75 લાખની રેન્જમાં રહે તેવી શક્યતા તેમણે વ્યક્ત કરી હતી.