સ્થાનિક ચાંદીએ રૂ. 19,386ના કડાકા સાથે રૂ. ત્રણ લાખની સપાટી ગુમાવી, સોનામાં રૂ. 3099નું ગાબડું
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે દાઓસમાં ગ્રીનલેન્ડના મુદ્દે આગામી ફેબ્રુઆરીથી ટૅરિફ લાદવામાં નહીં આવે અને ગ્રીનલેન્ડ પર કબજો લશ્કરથી નહી લેવામાં આવેલું જણાવતા વિશ્વ બજારમાં સોના અને ચાંદીમાં સલામતી માટેની માગ નબળી પડતાં ભાવ વિક્રમ સપાટીએથી પાછા ફર્યાના નિરુત્સાહી અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં પણ બન્ને કિંમતી ધાતુઓમાં પીછેહઠ જોવા મળી હતી, જેમાં ચાંદીએ કિલોદીઠ રૂ. 19,386ના કડાકા સાથે રૂ. ત્રણ લાખની સપાટી ગુમાવી હતી, જ્યારે સોનાએ 10 ગ્રામદીઠ રૂ. 3086થી 3099નું ગાબડું પડ્યું હતું જેમાં 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાએ રૂ. 1.51 લાખની સપાટી ગુમાવી હતી.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં 999 ટચ ચાંદીમાં વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 19,386નાં ગાબડાં સાથે રૂ. 2,99,711ના મથાળે રહ્યા હતા. તેમ જ વધુ ભાવઘટાડાના આશાવાદે સ્ટોકિસ્ટો, રોકાણકારો અને જ્વેલરી ઉત્પાદકોની લેવાલી નહોતી અને માત્ર ઔદ્યોગિક વપરાશકારોની ખપપૂરતી લેવાલી રહી હતી. વધુમાં આજે સોનામાં પણ વિશ્વ બજાર પાછળ નરમાઈનું વલણ રહેતાં વેરારહિત ધોરણે 10 ગ્રામદીઠ 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. 3086 તૂટીને રૂ. 1,50,523 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 3099 તૂટીને રૂ. 1,51,128ના મથાળે રહ્યા હતા.
દરમિયાન આજે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ એક તબક્કે એક ટકો જેટલા ઘટી આવ્યા બાદ ગઈકાલના બંધ સામે 0.2 ટકા ઘટીને આૈંસદીઠ 4825.22 ડૉલર આસપાસ અને વાયદામાં ભાવ 0.2 ટકા ઘટીને 4827.80 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ 0.1 ટકા ઘટીને આૈંસદીઠ 93.29 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
એકંદરે આજે વૈશ્વિક સ્તરે જોખમી પરિબળો ઓછા થતાં સોના અને ચાંદીમાં સલામતી માટેની માગમાં ઘટાડો થવાની સાથે ડૉલર ઈન્ડેક્સમાં પણ સુધારો આવતાં ભાવ વધુ દબાણ હેઠળ આવ્યા હોવાનું એક્ટિવ ટ્રેડ્સનાં વિશ્લેષક રિકાર્ડો ઈવાન્જેલિસ્ટાએ જણાવતાં ઉમેર્યું હતું કે ગઈકાલે અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે ગ્રીનલેન્ડનો કબજો મેળવવા માટે લશ્કરી બળનો ઉપયોગ નહીં કરવામાં આવે અને ગ્રીનલેન્ડના મુદ્દે આગામી ફેબ્રુઆરીથી ટૅરિફનો અમલ પણ નહીં કરવામાં આવે એવું જણાવતાં ટ્રેડ વૉરની ભીતિ દૂર થઈ હતી.
વધુમાં હૅરસ પ્રીસિયસ મેટલ્સનાં ગ્લોબલ હેડ હેનરિક માર્ક્સે જણાવ્યું હતું કે એકંદરે સોનામાં મક્કમ વલણ જળવાઈ રહેતાં આગામી ટૂંકા સમયગાળામાં ભાવ આૈંસદીઠ 5000થી 5200 ડૉલર આસપાસની રેન્જમાં રહે તેવી શક્યતા નકારી ન શકાય.