(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજઃ પાકિસ્તાનને અડીને આવેલા કચ્છના સીમાવર્તી ગામોમાં નાપાક પ્રવૃતિઓ ઉપરાંત વન્યપ્રાણીઓની શિકારી પ્રવૃત્તિ સતત વધી રહી છે અને અવારનવાર સંવેદનશીલ વિસ્તારોમાંથી મારક હથિયારો પકડાતાં રહે છે એ વચ્ચે ભચાઉ નજીક ચાર શખ્સોનો ફિલ્મી ઢબે પીછો કરીને દેશી બંદૂક સાથે બેને પોલીસે ઝડપી પાડી, હથિયાર કબ્જામાં લીધું હતું, જયારે બે શખ્સો પોલીસને થાપ આપીને નાસી છૂટ્યા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ, ભચાઉના લુણવા-પશુડા ગામની સીમમાં, નર્મદા કેનાલ પાસે બે મોટરસાઇકલ પર જઈ રહેલા યુવકો પાસે બંદૂક અને જીવતા કારતુસ હોવા અંગે સર્વેલન્સ સ્ટાફને મળેલી પૂર્વ બાતમીના આધારે પોલીસ નર્મદા કેનાલ પાસે પહોંચી હતી.પોલીસના વાહનને જોઈ ગયેલા આ ચાર શખ્સ બે મોટરસાઇકલ પર ભાગવા લાગતાં પોલીસે તેમનો પીછો કરવો શરૂ કર્યો હતો.
ભચાઉ તરફ જોખમી રીતે મોટરસાઇકલ હંકારી નાસી રહેલા આ શખ્સોને બટિયા વિસ્તાર પાસે આંતરી, શબ્બીર કેસર નારેજા તથા હબીબ રમજાન ત્રાયાને દબોચી લેવાયા હતા, જ્યારે આમીર ખાન જાનમામદ લંઘા અને રમેશ પ્રવીણ કોળી નાસી જવામાં સફળ રહ્યા હતા. પકડાયેલા બે શખ્સ પાસેથી ૪૭ ઈંચની એક દેશી બંદૂક મળી આવી હતી, જેમાં છરા સાથે દારૂખાનું ભરેલું હોવાનું બહાર આવ્યું હતું.
વન્યપ્રાણીઓના શિકાર કરવાના આશય સાથે આવેલા આ યુવકો પાસેથી બંદૂક, બે મોબાઈલ ફોન,નંબર પ્લેટ વગરનું મોટરસાઇકલ જપ્ત કરવામાં આવ્યું હતું. આ શખ્સોએ બંદૂક ક્યાંથી મેળવી હતી તેમજ નાસી ગયેલા શખ્સોને પકડી પાડવા પોલીસે કવાયત હાથ ધરી હતી.