Fri Jun 26 2026

Logo

ફિફા વર્લ્ડ કપમાં મોટો અપસેટ: જર્મનીને હરાવી ઈક્વેડૉર પહોંચ્યું નૉકઆઉટમાં

Newyork   2026-06-26 12:21:00
Author: Ajay Motiwala
Article Image

Image Source: AP


ન્યૂ યૉર્ક: અહીં ગુરુવારે મધરાત બાદ ફિફા વર્લ્ડ કપમાં રમાયેલી પાંચ મૅચમાં જર્મની અને ઈક્વેડૉર વચ્ચેની મૅચ સૌથી રોમાંચક હતી અને એમાં અપસેટ સર્જાયો હતો. ફિફા રેન્કિંગમાં 10મો ક્રમ ધરાવતું જર્મની 23મા નંબરના ઈક્વેડૉર સામે 1-2થી હારી ગયું હતું. 2026ના વર્લ્ડ કપના સૌથી મોટા અપસેટમાં આ મુકાબલો અચૂક ગણાશે, કારણકે ઉતરતા ક્રમના ઈક્વેડૉરે 80,663 પ્રેક્ષકોની હાજરીમાં આ મૅચમાં જોરદાર કમબૅક કરીને જર્મનીને માત આપી હતી.

ભૂતપૂર્વ ચેમ્પિયન જર્મની થોડા દિવસ પહેલાં જ ગ્રૂપ-ઈના ટેબલ-ટૉપર તરીકે નૉકઆઉટ રાઉન્ડમાં પહોંચી ગયું હતું, પરંતુ ગુરૂવાર રાતની હાર એને શરમજનક સ્થિતિમાં મૂકી દેનારી હતી. ઇક્વેડૉરે આ મૅચ જીતીને નૉકઆઉટમાં પ્રવેશ મેળવી લીધો હતો. આ ગ્રૂપમાંથી આઇવરી કોસ્ટ પણ 32 ટીમવાળા નૉકઆઉટ રાઉન્ડમાં પહોંચી ગઈ છે.

ઈક્વેડૉર કેવી રીતે નૉકઆઉટમાં?

કુલ 48 ટીમ માટેના તમામ 12 ગ્રૂપમાંથી ટોચની બે-બે ટીમ નૉકઆઉટમાં પ્રવેશ મેળવે છે, જ્યારે દરેક ગ્રૂપની ત્રીજા નંબરની ટીમોમાંથી શ્રેષ્ઠ આઠ ટીમને નૉકઆઉટમાં જવા મળે છે અને ઈક્વેડૉર એમાંની એક ટીમ બની છે.

આ ગ્રૂપમાં ચોથા નંબરની ક્યૂરસો નામની નવી ટીમ કરતાં પણ ઈકવેડૉરનો પર્ફોર્મન્સ નબળો મનાતો હતો. પહેલી બે લીગ મૅચમાં ઈક્વેડૉરની ટીમ એક પણ ગોલ નહોતી કરી શકી, જ્યારે શુક્રવારે એણે જર્મની (Germany) જેવી ધરખમ ટીમ સામે બે ગોલ કરીને વિજય મેળવ્યો હતો. ઈક્વેડૉર (Ecuador) ટૂર્નામેન્ટની બહાર થવાની તૈયારીમાં જ હતું. નૉકઆઉટના પ્રવેશ આડે જર્મની નામનું વિઘ્ન હતું અને એને હરાવીને ઈકવેડૉરે પોતાની ફૂટબૉલમાં નવો ઇતિહાસ રચ્યો હતો. મૅચના અંતે પરાજિત જર્મનીના ખેલાડીઓ અવઢવમાં હતા કે તેઓ પોતાનાથી ખૂબ ઉતરતા ક્રમની આ ટીમ સામે કેમ હારી ગયા?
 
લરૉય ઝાનેએ મૅચ શરૂ થયા બાદ બીજી જ મિનિટમાં ગોલ કરીને જર્મનીને 1-0થી સરસાઈ અપાવી હતી. જોકે જર્મન ખેલાડીઓને બરાબર ટક્કર આપવાની દ્રઢતા સાથે આવેલી ઈક્વેડૉરની ટીમે નવમી મિનિટમાં ગોલ કરીને સ્કોર 1-1ની બરાબરીમાં લાવી દીધો હતો. આ ગોલ નિલ્સન એન્ગુલોએ કર્યો હતો. આ વખતના વર્લ્ડ કપમાં ઈક્વેડૉરનો આ પહેલો જ ગોલ હતો.

સ્ટેડિયમમાં સર્વત્ર યલો જર્સીના દ્રશ્યો

1-1ની બરાબરી બાદ બંને ટીમે એકબીજાને જોરદાર ટક્કર આપી હતી. 77મી મિનિટમાં ગોન્ઝાલો પ્લાટાએ જર્મનીની ડિફેન્સ ભેદીને ગોલ કર્યો હતો. ઈક્વેડૉરે 2-1થી સરસાઈ લીધી ત્યાર બાદ જર્મનીના અટૅકર્સે જોરદાર હુમલા પર હુમલા કર્યા હતા, પરંતુ ઈક્વેડૉરના ડિફેન્ડર્સ અને ગોલકીપરે તેમને વધુ એક પણ ગોલ નહોતો કરવા દીધો. ફાઇનલ વ્હીસલ વાગતાં જ ઈક્વેડૉરના વધારાના તમામ ખેલાડીઓ કોચ સાથે મેદાન પર દોડી આવ્યા હતા અને પ્લેઈંગ ઇલેવનના દરેક મેમ્બરને ભેટીને યાદગાર વિજય સેલિબ્રેટ કર્યો હતો. ઈક્વિડરનો ખેલાડીઓ જેવા યેલો જર્સીમાં હજારો પ્રેક્ષકો આવ્યા હતા અને તેમણે આ જીત ખૂબ માણી હતી.

અન્ય ચાર મૅચમાં શું બન્યું?

(1) આઇવરી કોસ્ટે કયૂરસોને 2-0થી હરાવ્યું.
(2) નેધરલૅન્ડ્સનો ટયૂનિશિયા સામે 3-1થી વિજય થયો.
(3) જાપાન-સ્વિડન વચ્ચેની મૅચ 1-1થી ડ્રોમાં ગઈ.
(4) તૂર્કીએ અમેરિકાને 3-2થી હરાવ્યું.

આજે/આવતી કાલે કઈ મૅચ રમાશે?

નોર્વે વિ. ફ્રાન્સ
મધરાત બાદ 12.30

સેનેગલ વિ. ઇરાક
મધરાત બાદ 12.30

કેબો વર્ડે વિ. સઉદી અરેબિયા
આવતી કાલે સવારે 5.30

સ્પેન વિ. ઉરુગ્વે
આવતી કાલે સવારે 5.30