ભારતમાં હવાઈ મુસાફરી દરમિયાન તોફાન કે ગેરવર્તણૂક કરનારા મુસાફરો માટે હવે મુશ્કેલી વધવાની છે. ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ નવા ડ્રાફ્ટ નિયમો જારી કર્યા છે, જે એરલાઈન કંપનીઓની સત્તામાં ધરખમ વધારો કરે છે. આ નવા નિયમોનો મુખ્ય હેતુ વિમાનની અંદર શિસ્ત જાળવવાનો છે.
શું છે નવા નિયમો અને જૂના નિયમો વચ્ચેનો તફાવત?
વાત કરીએ નવા નિયમ અને જૂના નિયમો વચ્ચેના તફાવતની તો નવા નિયમો મુજબ જો કોઈ મુસાફર બદતમીજી કરે, તો એરલાઈન કોઈ સ્વતંત્ર કમિટીના નિર્ણયની રાહ જોયા વિના તરત જ 30 દિવસનો પ્રતિબંધ લગાવી શકે છે. આ અગાઉ આ માટે 45 દિવસની ઔપચારિક તપાસની રાહ જોવી પડતી હતી.
આ ઉપરાંત પહેલાં માત્ર ફ્લાઈટની અંદરની ગેરવર્તણૂક ધ્યાને લેવાતી હતી, પરંતુ હવે ચેક-ઈન કાઉન્ટર, બોર્ડિંગ ગેટ અને લાઉન્જ પર જો મુસાફર ખરાબ વર્તન કરશે, તો પણ તેની યાત્રા પર પ્રતિબંધ મુકાઈ શકે છે. જો એક એરલાઈન કોઈ મુસાફરને 'નો ફ્લાય લિસ્ટ'માં મૂકશે, તો અન્ય એરલાઈન્સ પણ તેને મુસાફરી કરવાથી મનાઈ કરી શકે છે.
નવા નિયમોમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે હવે ફ્લાઈટમાં દારૂ પીને હંગામો કરવો કે પ્લેનમાં સ્મોકિંગ કરવું, ઈમર્જન્સી એક્ઝિટ કે લાઈફ જેકેટ જેવા સુરક્ષા સાધનો સાથે છેડછાડ કરવી, ગુસ્સામાં બૂમો પાડવી કે સીટ અને ટેબલ પર લાતો મારી સહ-મુસાફરને પરેશાન કરવા જેવા કાર્યો માટે પણ પેનલ્ટી ફટકારવામાં આવશે.
જૂની કેટેગરી અને સજાની જોગવાઈ (૨૦૧૭ ફ્રેમવર્ક મુજબ)ની વાત કરીએ તો એ સમયે લેવલ વન એટલે કે નાની ભૂલ કે અપશબ્દો માટે 3 મહિના સુધીનો પ્રતિબંધ, સેકન્ડ લેવલ એટલે કે શારીરિક હુમલો કરવા પર 6 મહિના સુધીનો પ્રતિબંધ અને લેવલ 3 એટલે કે ગંભીર ધમકી કે વિમાનની સિસ્ટમને નુકસાન પહોંચાડવા પર ઓછામાં ઓછો 2 વર્ષ અથવા આજીવન પ્રતિબંધની જોગવાઈ કરવામાં આવી છે.
જોકે આટલા કડક નિયમો છતાં મુસાફરોને અપીલની તક મળશે. આ તક વિશે વાત કરીએ તો 30 દિવસના તાત્કાલિક પ્રતિબંધને 15 દિવસની અંદર એરલાઈનની ઈન્ટરનલ કમિટી સામે પડકારી શકાય છે. મોટા નિર્ણયો વિરુદ્ધ સિવિલ એવિએશન મંત્રાલય દ્વારા બનાવવામાં આવેલી અપીલ કમિટીમાં 60 દિવસની અંદર અપીલ કરી શકાય છે.