Mon Aug 17 2026

Logo

બ્રેકિંગ ન્યૂઝ:30 July 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

2026-07-30 08:22:00
Author: Mumbai Samachar Team
Article Image

દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.

Live Updates

2026-07-30 22:54:20

દિલ્હીની કૉમનવેલ્થ ટેબલ ટેનિસમાં ભારતીયો બન્ને ટીમ ટાઇટલ જીત્યા

સ્કૉલૅન્ડના પાટનગર ગ્લાસગોમાં કૉમનવેલ્થ ગેમ્સ ચાલી રહી છે ત્યારે ભારતની રાજધાની દિલ્હીમાં કૉમનવેલ્થ ટેબલ ટેનિસ ચૅમ્પિયનશિપ્સ રમાઈ જેમાં ભારતીયોએ સંપૂર્ણ પ્રભુત્વ જમાવ્યું અને પુરુષ તથા મહિલા, બન્ને વર્ગમાં ભારતે ટીમ ટાઇટલ જીતી લીધા હતા. ભારતીય ટીમમાં ખાસ કરીને બે ગુજરાતી ખેલાડી માનુષ શાહ અને માનવ ઠક્કરનો સમાવેશ હતો. હરમીત દેસાઈ પણ આ ચૅમ્પિયનશિપ્સમાં રમ્યો હતો. ટીમ સ્પર્ધાની ફાઇનલમાં ભારતે મલયેશિયાને 3-2થી હરાવીને ટાઇટલ જીતી લીધું હતું. મહિલા વર્ગની ફાઇનલમાં પણ ભારતનો મલયેશિયા સામે વિજય થયો હતો. એમાં ભારતે મલયેશિયાને 3-0થી પરાજિત કર્યું હતું.

2026-07-30 22:45:02

બ્રાઝિલની ફૂટબૉલ ટીમ ભારત આવશે, કોલકાતામાં ભારત સામે રમશે મૅચ

બ્રાઝિલના મહાન ખેલાડી પેલે ભારત આવ્યા હતા એના પાંચ દાયકા બાદ ફરી એક વખત બ્રાઝિલની નૅશનલ ટીમના ખેલાડીઓ ભારત આવશે. આઇકૉનિક યલો જર્સીમાં સજ્જ બ્રાઝિલના ખેલાડીઓની આગામી ત્રીજી ઑક્ટોબરે `સિટી ઑફ જૉય' તરીકે જાણીતા કોલકાતા શહેરના સૉલ્ટ લેક સ્ટેડિયમમાં ભારત વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય ફ્રેન્ડ્લી મૅચ રમાશે. બ્રાઝિલ પાંચ વખત વર્લ્ડ કપ જીતી ચૂક્યું છે. ભારત આવનારી બ્રાઝિલની ટીમમાં કૅપ્ટન માર્કિન્યૉસ, કેસમિરો, મૅથ્યૂઝ કુન્હા, એન્ડ્રિક, ગૅબ્રિયલ મૅગલહેસનો વગેરેનો સમાવેશ હશે. વિનિસિયસ જુનિયરના આવવાની પણ સંભાવના છે.

2026-07-30 18:36:53

પીએમ મોદી પર જંતર મંતર પર અપમાનજનક ટિપ્પણી બદલ યુવતી પર પોલીસ કેસ

દિલ્હીના જંતર મંતર પર વિરોધ પ્રદર્શન દરમિયાન પીએમ મોદી પર  અપમાનજનક ટિપ્પણી કેસ અંગે મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં એક યુવતી વિરુદ્ધ નોઈડાના એક્સપ્રેસવે પોલીસ સ્ટેશનમાં 'ઝીરો એફઆઈઆર' નોંધવામાં આવી છે.

2026-07-30 17:03:20

ભારતની ઓળખ બદલાઇ, આર્થિક વિકાસમાં સર્વિસ સેક્ટરનું યોગદાન 54 ટકા

ભારતની અર્થવ્યવસ્થા ઝડપથી વિકાસ પામી રહી છે. તેના વિકાસમાં અનેક ક્ષેત્રોનો ફાળો મહત્વપૂર્ણ છે. જેમાં એક સમયે કૃષિપ્રધાન દેશ તરીકે ઓળખાતા ભારતની ઓળખ હવે બદલાઈ રહી છે. જેમાં દેશના અર્થતંત્રના વિકાસમાં હવે સર્વિસ સેક્ટરનું યોગદાન વધ્યું છે. જેમાં જોઇએ તો જીડીપીના આંકડા મુજબ આર્થિક વિકાસમાં સર્વિસ સેક્ટરનું યોગદાન 54 ટકા છે.

2026-07-30 16:33:57

ભાલાફેંકમાં નીરજ ચોપડા ફાઇનલમાં

કૉમનવેલ્થ ગેમ્સમાં ભાલાફેંકની સ્પર્ધામાં ભારતનો ઑલિમ્પિક વિજેતા નીરજ ચોપડા ક્વૉલિફિકેશન રાઉન્ડમાં પાંચમા ક્રમે આવતાં ફાઇનલ માટે ક્વૉલિફાય થયો છે. ભારતના રોહિત યાદવ અને યશવીર સિંહ અનુક્રમે નવમા અને દસમાં નંબર પર રહેતાં તેમને પણ ફાઇનલમાં પ્રવેશ મળ્યો છે.

2026-07-30 15:59:32

રાજયસભામાં મલ્લિકાર્જુન ખડગેની મનુસ્મૃતિ અંગેની ટિપ્પણીથી હોબાળો

રાજયસભામાં એન્ટિ પેપર લીક બિલ અંગેની ચર્ચા દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની મનુસ્મૃતિ અંગેની ટિપ્પણીને લઈને હોબાળો મચ્યો હતો.  આ અંગે ભાજપે  વિરોધ દર્શાવ્યો હતો. તેમજ ગૃહના નેતા જેપી નડ્ડાએ ટિપ્પણી કરી કે તેમના શબ્દો અશાંતિ ફેલાવશે અને આ નિવેદનમાં કોઇ તથ્ય નથી.

2026-07-30 15:47:50

ગુજરાતમાં 31 જુલાઇથી 2 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી, મહેસૂલ સચિવે તૈયારીની સમીક્ષા કરી

ગુજરાતમાં  31 જુલાઇથી 2 ઓગસ્ટ સુધી ભારે વરસાદથી અતિભારે વરસાદની સ્થિતિને ધ્યાને રાખીને અધિક મુખ્ય સચિવ મહેસૂલ ડૉ.જયંતિ રવિની અધ્યક્ષતામાં તંત્રની તૈયારીની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી.

2026-07-30 15:20:06

સુપ્રીમ કોર્ટની કેન્દ્ર સરકારને નોટીસ, પેલેટ ગનનો રેકોર્ડ સુરક્ષિત રાખવા આદેશ

દિલ્હીમાં વિરોધ પ્રદર્શન દરમિયાન પેલેટ ગનના ઉપયોગનો મુદ્દો હવે સુપ્રીમ કોર્ટ  પહોંચ્યો છે. જેમાં પૂર્વ આઇપીએસ અધિકારી યશોવર્ધન આઝાદ અને પેલેટ ગનથી ઘાયલ બે પીડિતોની અરજી પર કેન્દ્ર સરકારે નોટિસ ફટકારી છે. સુપ્રીમ કોર્ટે પેલેટ ગનનો રેકોર્ડ સુરક્ષિત રાખવા આદેશ આપ્યો છે.

2026-07-30 14:04:25

આવતીકાલે અમદાવાદ શહેરની તમામ શાળા તથા કોલેજોમાં રજા

અમદાવાદઃ હવામાન વિભાગ દ્વારા અમદાવાદ શહેરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અતિભારે વરસાદની આગાહીને ધ્યાને રાખીને આવતીકાલે તારીખ 31 જુલાઈના રોજ શહેરની તમામ શાળા તથા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

2026-07-30 12:26:50

ગુજરાતમાં બપોરે 12 વાગ્યા સુધીમાં 21 તાલુકામાં વરસાદ

રાજ્યમાં સવારે 6 થી બપોરના 12 વાગ્યા સુધીમાં 21 તાલુકામાં વરસાદ નોંધાયો છે. એક પણ તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ ખાબક્યો નથી. કપરાડામાં સૌથી વધુ 0.39 ઇંચ વરસાદ પડ્યો છે.

2026-07-30 08:46:14

માંજલપુરની પેટાચૂંટણીનું મતદાન

વડોદરા શહેરની માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે સવારે 7 વાગ્યાથી 260 મતદાન મથકો પર મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો ચૂંટણી જંગ જામ્યો છે, જેમાં કુલ 2.19 લાખથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. દિવ્યાંગ અને 85 વર્ષથી વધુ વયના મતદારો માટે વ્હીલચેર, રેમ્પ અને સ્વયંસેવકો સહિત વિશેષ સુવિધાઓ ઊભી કરાઈ છે.

2026-07-30 08:39:56

અમદાવાદમાં વહેલી સવારે ધરતીકંપનો આંચકો

અમદાવાદ પંથકમાં વહેલી સવારે 4:39 વાગ્યે 2.6ની તીવ્રતાનો ધરતીકંપનો આંચકો નોંધાયો હતો. ભૂકંપનું કેન્દ્ર બિંદુ અમદાવાદથી 29 કિલોમીટર દુર દક્ષિણ-દક્ષિણ પશ્ચિમ વિસ્તારમાં નોંધાયું હતું.

2026-07-30 08:23:25

અમદાવાદમાં આજે મધ્યમ વરસાદની આગાહી

અમદાવાદઃ હવામાન વિભાગ દ્વારા આજે અમદાવાદમાં ફરી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ શહેર અને જિલ્લાના અનેક વિસ્તારમાં છુટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવલી છે. જો કે, આવતીકાલે અમદાવાદમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.