Mon Aug 17 2026

Logo

UGC-NET ની અંગ્રેજી, કોમર્સ અને સમાજશાસ્ત્રની પરીક્ષા  ફરી યોજાશે,પ્રશ્નપત્રોમાં ભૂલો મળી આવી

2026-08-16 21:59:30
Author: Chandrakant Kanoja
Article Image

નવી દિલ્હી : દેશમાં જૂન 2026માં યોજાયેલી UGC-NET ની અંગ્રેજી, કોમર્સ અને સમાજશાસ્ત્ર વિષયની પરીક્ષા ફરીથી લેવામાં આવશે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ આ ત્રણ વિષયોના પ્રશ્નપત્રોમાં વિવિધ ભૂલો શોધી કાઢ્યા બાદ આ નિર્ણય લીધો છે. જોકે, આ વિષયોમાં બેસનારા ઉમેદવારો પાસેથી ફરીથી પરીક્ષા માટે કોઈ વધારાની ફી લેવામાં આવશે નહીં.આ પરીક્ષા 9 અને 10 સપ્ટેમ્બરના રોજ યોજાશે. 

આ તારીખે પુન: પરીક્ષા યોજાશે 

અંગ્રેજી: 9 સપ્ટેમ્બર, 2026, શિફ્ટ-1,સવારે 9.00 થી બપોરે 12.00 વાગ્યા સુધી
કોમર્સ : 9 સપ્ટેમ્બર, 2026 , શિફ્ટ-2 , બપોરે 03.00 થી  સાંજે06 .00 વાગ્યા સુધી
સમાજશાસ્ત્ર: 10 સપ્ટેમ્બર, 2026, શિફ્ટ-1,સવારે 9.00 થી બપોરે 12.00 વાગ્યા સુધી

આ ઉપરાંત પરીક્ષા કેન્દ્ર, શહેર અને પ્રવેશ કાર્ડ સંબંધિત માહિતી સત્તાવાર વેબસાઇટ પર અલગથી આપવામાં આવશે.

NTA એ 87 વિષયોમાં પરીક્ષા યોજી

આ અંગે મળતી માહિતી મુજબ NTA એ 22 જૂન થી 30 જૂન, 2026 દરમિયાન 87 વિષયોમાં UGC NET જૂન 2026 ની પરીક્ષા યોજી હતી. આ પરીક્ષા જુનિયર રિસર્ચ ફેલોશિપ (JRF), આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની લાયકાત અને પીએચડી પ્રોગ્રામમાં પ્રવેશ માટે યોજાઈ હતી.

પ્રશ્નપત્રો અંગે અનેક ફરિયાદો મળી હતી

NTA ને અંગ્રેજી, કોમર્સ અને સમાજશાસ્ત્રના પ્રશ્નપત્રો અંગે અનેક ફરિયાદો મળી હતી. આ મુદ્દાઓની તપાસ કરવા માટે NTA દ્વારા એક સમિતિની રચના કરવામાં આવી હતી. આ સમિતિએ પ્રશ્નપત્રોમાં તથ્યલક્ષી, ટાઇપોગ્રાફિકલ અને અનુવાદ સંબંધિત ભૂલો ઓળખી કાઢી હતી.

પૂછાયેલા પ્રશ્નોનું પુનરાવર્તન પણ જોવા મળ્યું હતું

જેમાં અગ્રણી વિદ્વાનોના નામ ખોટી જોડણીમાં લખવામાં આવ્યા હતા, પુસ્તકોના શીર્ષકો અલગ કરવામાં આવ્યા હતા. તેમજ ઘણા પ્રશ્નોના મૂળ શબ્દોમાં ખામીઓ હતી. આ પ્રશ્નપત્રોમાં વ્યાકરણ, લિંગ અને સંખ્યા સંબંધિત ભૂલો પણ હતી. તેમજ  અગાઉ લેવામાં આવેલી પરીક્ષાઓમાં પૂછાયેલા પ્રશ્નોનું પુનરાવર્તન પણ જોવા મળ્યું હતું. 

NTA એ જણાવ્યું હતું કે આટલી મોટી ખામીઓને સુધારી શકાતી નથી. તેથી આ ત્રણ વિષયો માટે પરીક્ષાઓ ફરીથી લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.