દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.
Live Updates
પ્રથમ ટેસ્ટના પહેલા દિવસે ભારતનો હાથ ઉપર
ગૉલમાં શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટમાં શનિવારે પહેલા દિવસે વરસાદના વિઘ્નો વચ્ચે પૂરી થયેલી રમતને અંતે ભારતનો પહેલા દાવનો સ્કોર બે વિકેટે 288 રન હતો. 90ને બદલે માત્ર 73 ઓવર બોલિંગ થઈ શકી હતી. દેવદત્ત પડિક્કલ (131 નૉટઆઉટ) આ પ્રારંભિક દિનનો હીરો હતો. તેણે બે વખત ભારતનો ધબડકો રોક્યો હતો. તેની સાથે રિષભ પંત 27 રને રમી રહ્યો હતો.

ભારતને આઝાદી દિને વિજયી-ભેટઃ હૉકી વર્લ્ડ કપમાં ભારતની 3-1થી જીત
નેધરલૅન્ડ્સના ઍમ્સ્ટલવીનમાં ભારતે મેન્સ હૉકીના વર્લ્ડ કપમાં વિજયી શરૂઆત કરી છે. આઝાદી દિને હરમનપ્રીત સિંહ અને તેની ટીમે દેશને વિજયી-ભેટ આપી છે. ભારતે આ મૅચમાં વેલ્સને 3-1થી હરાવ્યું હતું. સંજયે આઠમી મિનિટમાં ગોલ કર્યા બાદ હરમનપ્રીતે 11મી અને 43મી મિનિટમાં પેનલ્ટી કૉર્નરમાંથી ગોલ કર્યા હતા. વેલ્સ વતી એકમાત્ર ગોલ સૅમ વેલ્શે 56મી મિનિટમાં કર્યો હતો. હવે 17મી ઑગસ્ટે ભારતનો ઇંગ્લૅન્ડ સામે અને 19મી ઑગસ્ટે પાકિસ્તાન સામે મુકાબલો થશે.

ગિલ આઉટ થયા બાદ 10 મિનિટમાં ધોધમાર વરસાદ
ભારતે શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટના પ્રારંભિક દિવસે પહેલા દાવમાં 61 ઓવરમાં એક વિકેટે 235 રન બનાવ્યા ત્યાર પછી 62મી ઓવરમાં કૅપ્ટન શુભમન ગિલે તેના 16 રનના સ્કોર પર વિકેટ ગુમાવી હતી. તે લેફ્ટ-આર્મ સ્પિનર પ્રભાત જયસૂર્યાના બૉલમાં કૅચઆઉટ થયો હતો. એ સાથે, આ ટેસ્ટમાં શ્રીલંકાના બોલરે વિકેટ લીધી હોવાનો પ્રથમ બનાવ બન્યો હતો, કારણકે યશસ્વી જયસ્વાલ (32 રન) રનઆઉટ થયો હતો અને કે. એલ. રાહુલ (77 નૉટઆઉટ) ઈજાને કારણે પૅવિલિયનમાં પાછો આવી ગયો હતો. ગિલની વિકેટ બાદ થોડી જ વારમાં પડિક્કલ 108 રને અને રિષભ પંત ચાર રને રમી રહ્યો હતો ત્યારે ધોધમાર વરસાદ શરૂ થઈ જતાં રમત અટકાવવામાં આવી હતી. જોકે માત્ર મોટું ઝાપટું હતું એટલે થોડી જ વારમાં રમત ફરી શરૂ થઈ હતી અને 65મી ઓવરને અંતે ભારતનો સ્કોર 2/247 હતો.

હૉકી વર્લ્ડ કપમાં ભારત શરૂઆતમાં જ 2-0થી આગળ
નેધરલૅન્ડ્સના ઍમ્સ્ટલવીનમાં ભારતના પુરુષ ખેલાડીઓએ હૉકીના વર્લ્ડ કપમાં ધમાકેદાર શરૂઆત કરી છે. વેલ્સ સામેની મૅચમાં ભારતે 15 મિનિટના પ્રથમ ક્વૉર્ટરમાં બે ગોલ કરીને 2-0થી સરસાઈ લીધી હતી. પ્રથમ ગોલ સંજયે અને બીજો ગોલ કૅપ્ટન હરમનપ્રીત સિંહે કર્યો હતો. વેલ્સની ટીમે આરંભથી જ આક્રમક અભિગમ રાખ્યો હતો, પરંતુ ભારતે બે વખત એની ડિફેન્સ ભેદી અને ઉપરાઉપરી બે eગોલ કરી દીધા હતા. ભારત 51 વર્ષ બાદ ફરી એક વખત હૉકીનો વર્લ્ડ કપ જીતવા તત્પર છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની હૉકી મૅચ 19મી ઑગસ્ટે રમાશે.
રાહુલ 77 રને રિટાયર્ડ હર્ટ, પણ પડિક્કલે પ્રથમ સેન્ચુરી પૂરી કરી
ગૉલમાં શ્રીલંકા સામે ભારત પ્રથમ ટેસ્ટના પહેલા દિવસે વરસાદના નજીવા વિઘ્ન વચ્ચે પ્રથમ દાવમાં સારી સ્થિતિમાં છે. ઓપનર યશસ્વી જયસ્વાલ 32મા રને શૉકિંગ હાલતમાં રનઆઉટ થયા બાદ વાઇસ-કૅપ્ટન કે. એલ. રાહુલ અને દેવદત્ત પડિક્કલે બીજી વિકેટ માટે 150 રનની ભાગીદારી પૂરી કરી ત્યારે રાહુલ શરીરના સ્નાયુઓ ખેંચાઈ જતાં પૅવિલિયનમાં પાછો આવી ગયો હતો. રિટાયર્ડ હર્ટના નિર્ણય સાથે તે પૅવિલિયનમાં પાછો આવ્યો ત્યારે તેના ખાતે 77 રન હતા જે તેણે 162 બૉલમાં એક સિક્સર અને નવ ફોરની મદદથી બનાવ્યા હતા. દેવદત્ત પડિક્કલે પ્રથમ આંતરરાષ્ટ્રીય સેન્ચુરી ફટકારી હતી. તે 134 બૉલમાં એક સિક્સર અને નવ ફોરની મદદથી બનાવેલા 100 રને રમી રહ્યો હતો ત્યારે ભારતનો સ્કોર એક વિકેટે 219 રન હતો. કૅપ્ટન શુભમન ગિલ તેની સાથે છ રને રમી રહ્યો હતો.

યોગ ગુરુ બાબા રામદેવે આપી આંદોલનની ચેતવણી
યોગ ગુરુ બાબા રામદેવે સરકારી નોકરીઓમાં કથિત કૌભાંડોને લઈને આંદોલનની ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે સરકારી નોકરીના ઇન્ટરવ્યુમાં મોટા પાયે ગેરરીતિઓ થાય છે અને પોતાની જાતિ, વર્ગ કે સંગઠનના લોકોને લાભ પહોંચાડીને અન્ય લોકોને બહાર કરી દેવામાં આવે છે.
શ્રીલંકા સામે પ્રથમ ટેસ્ટમાં ભારતે ટોસ જીત્યો
ભારત પોતાની 600મી ટેસ્ટ રમી રહ્યું છે. શ્રીલંકા સામે ભારતે ટોસ જીતીને બેટિંગ લીધી છે. ભારતીય ટીમમાં માનવ સુથારનો સમાવેશ કરાયો છે. ભારતની પ્લેઇંગ ઇલેવનઃ યશસ્વી જયસ્વાલ, કે. એલ. રાહુલ, દેવદત્ત પડિક્કલ, શુભમન ગિલ (કેપ્ટન), ઋષભ પંત (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ, માનવ સુથાર, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ના
હર્ષ સંઘવીએ વડોદરામાં કર્યું ધ્વજવંદન
80મા સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે વડોદરાના માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આયોજિત જિલ્લા કક્ષાના મુખ્ય સમારોહમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ત્રિરંગો લહેરાવી સલામી આપી હતી અને નાગરિકોને રાષ્ટ્રભાવના સાથે પ્રગતિમાં યોગદાન આપવા આહ્વાન કર્યું હતું.
પૂર પીડિતોની સાથે ઊભો છે દેશ - પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું, છેલ્લા કેટલાક દિવસોમાં દેશના કેટલાક ભાગોમાં પૂર આવ્યું છે, જેનાથી ઘણા લોકો પ્રભાવિત થયા છે. હું પ્રભાવિત પરિવારોને ખાતરી આપું છું કે આખો દેશ તેમની સાથે ઊભો છે. કોઈપણ રાષ્ટ્ર ત્યારે મહાન બને છે જ્યારે તે પોતાના સપનાઓ, સંકલ્પો અને સામર્થ્ય સાથે આગળ વધે છે.
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પાઠવી સ્વાતંત્ર્ય દિવસની શુભકામના
રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સ્વાતંત્ર્ય દિવસની શુભકામના પાઠવી છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું, 80મા સ્વાતંત્ર્ય દિવસની સમસ્ત દેશવાસીઓ અને ગુજરાતના નાગરિકોને શુભકામનાઓ..! આવો, આઝાદીના આ પવિત્ર પર્વે 'વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત'ના સંકલ્પ સાથે એકજુટ થઈને રાષ્ટ્રને પ્રગતિના નવા શિખરો પર લઈ જવા સંકલ્પબદ્ધ થઈએ. જય હિંદ..! દેશવાસીઓ અને ગુજરાતના નાગરિકોને શુભકામનાઓ
12 વર્ષમાં 25 કરોડ દેશવાસીઓ ગરીબીમાંથી બહાર આવ્યા: પીએમ મોદી
વડા પ્રધાને કહ્યું કે, છેલ્લા 12 વર્ષોમાં દેશવાસીઓએ એક સંકલ્પ સાથે, સમર્પણ સાથે, દેશને નવી ઊંચાઈઓ પર લઈ જવાનો પ્રયાસ કર્યો છે. હું આ જ પ્રયાસોને આદરપૂર્વક સ્વીકારું છું. આ જ કારણ છે કે આટલા ઓછા સમયમાં 25 કરોડ દેશવાસીઓ ગરીબીમાંથી બહાર આવ્યા છે. તેમના જ સાહસના કારણે આપણે 12 વર્ષમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર બની ગયા છીએ.
2047 સુધીમાં 'વિકસિત ભારત' બનાવવું એક મોટું સપનું: પીએમ મોદી
વડા પ્રધાન મોદીએ કહ્યું કે, ભારતનું એક મોટું સપનું છે - 2047 સુધીમાં 'વિકસિત ભારત' બનાવવું. આ સપનાને સાકાર કરવાની તાકાત અને સંકલ્પ 140 કરોડ ભારતીયો પાસેથી મળી રહ્યા છે. જ્યારે વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ પોતાની જાતને એક વિકસિત દેશ બનાવવાનું લક્ષ્ય નક્કી કરે છે, ત્યારે તેનાથી સમગ્ર વિશ્વમાં એક મજબૂત સંદેશ જાય છે. ભારતના આ લક્ષ્યથી વિશ્વની નજરમાં ભારતની છબી બદલાઈ રહી છે અને વિશ્વ ભારતને એક નવા દ્રષ્ટિકોણથી જોઈ રહ્યું છે.
ઇન્ડોનેશિયામાં આવ્યો 7.7ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ
ઇન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.7 માપવામાં આવી હતી. આ તીવ્રતાનો ભૂકંપ ખૂબ જ શક્તિશાળી માનવામાં આવે છે અને તે ઇમારતોને ભારે નુકસાન પહોંચાડી શકે છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ ઇન્ડોનેશિયાના પૂર્વ નુસા તેંગારા પ્રાંતના એન્ડે શહેરથી 68 કિલોમીટર ઉત્તર-ઉત્તરપશ્ચિમમાં હતું. અત્યાર સુધી, જાનહાનિ કે નુકસાનના કોઈ સત્તાવાર અહેવાલ નથી, પરંતુ ઘણી એજન્સીઓએ સુનામી ચેતવણી જારી કરી છે.