Tue Aug 18 2026

Logo

ભારતીય પંચાંગ: એક એવી આકાશી છલાંગ જેને આજનું વિજ્ઞાન પણ આંબી શક્યું નથી

2026-08-17 09:12:00
Author: Mukesh Pandya
Article Image

 

મુકેશ પંડ્યા

આજે શ્રાવણિયો સોમવાર. હિન્દુ સનાતન પરંપરામાં આ દિવસ ખૂબ પવિત્ર ગણાય છે.  આધ્યાત્મિક અને ધાર્મિક કાર્યો કરવા માટેનો આ શ્રેષ્ઠ મહિનો છે, પરંતુ આ જ મહિનો કેમ શ્રેષ્ઠ છે? લગ્ન તેમ જ અન્ય શુભ પ્રસંગ માટે કયા મહિના અને કયા દિવસો શ્રેષ્ઠ છે? મહિનાના નામ કેવી રીતે પડ્યાં?  વારના નામ કેવી રીતે પડ્યાં?

તિથિ એટલે શું? નક્ષત્ર એટલે શું? યોગ એટલે શું? મિત્રો, આ અને આવા બીજા અનેક પ્રશ્નોના ગણતરીપૂર્વક અપાયેલા ઉત્તર આપણને ‘પંચાંગ’ નામના શાસ્ત્રોક્ત પુસ્તકમાંથી મળી રહે છે. 

હવે આપણે એ જોઈએ કે આ પંચાંગ અસલમાં છે શું? 

પંચાંગ એ એક ભારતનું પ્રાચીન ખગોળશાસ્ત્ર છે જે આધુનિક વિજ્ઞાનને પણ અચંબામાં મૂકી દે તેવું સચોટ છે. તેનો ઉપયોગ હજારો વર્ષોથી સમયકાળની ગણતરી કરવા અને વિવિધ પ્રવૃત્તિઓ માટે શુભ ઘડીઓ (મુહૂર્ત) નક્કી કરવા માટે કરવામાં આવે છે. ઘણા લોકો તેને માત્ર ધાર્મિક કે ગૂઢ રહસ્યવાદી શાસ્ત્ર માને છે, પરંતુ હકીકતમાં પંચાંગ વૈજ્ઞાનિક સિદ્ધાંતો, ખગોળશાસ્ત્રીય ગણતરીઓ અને ગાણિતિક ચોકસાઇના ઊંડા મૂળ ધરાવે છે.

પંચાંગ એટલે મૂળ પાંચ અંગો વાર, તિથિ, નક્ષત્રો, યોગ અને કરણ (તિથિનો અડધો અંશ)ના અભ્યાસ પર આધારિત માનવોપયોગી ગ્રંથ છે, જે આકાશી  અને બ્રહ્માંડકીય હિલચાલ માટે એક સચોટ માર્ગદર્શક બની રહે છે, જે આપણી  રોજિંદી  વિધિઓથી લઈને જીવનની મહત્ત્વપૂર્ણ ઘટનાઓને અનેક રીતે પ્રભાવિત કરે છે. 

પંચાંગની ઉત્પત્તિ હજારો વર્ષ જૂની છે, જે વૈદિક જ્યોતિષવિદ્યા સાથે ઊંડાણપૂર્વક જોડાયેલી છે. વિશ્વના સૌથી પ્રાચીન ગ્રંથ ઋગ્વેદમાં આકાશી હિલચાલનો અને ગ્રહોની ગતિનો ઉલ્લેખ કરતા સ્તોત્રો છે. વેદના જે છ અંગો છે તેમાનું એક સમયપાલનને સમર્પિત વેદાંગ એટલે જ્યોતિષ કે જેણે હિંદુ ધર્મમાં ખગોળશાસ્ત્રીય ગણતરીઓનો પાયો નાખ્યો હતો.

ભારતખંડના અનેક ઋષિમુનિઓ અને વિદ્વાનોએ પંચાંગને અપટુડેટ બનાવવામાં મહત્ત્વનો ફાળો આપ્યો છે. 

ઋષિ લગાધ-વેદાંગ જ્યોતિષના લેખક, જેમાં સૂર્ય, ચંદ્ર અને એક ગ્રહોની હિલચાલની વિગતવાર માહિતી આપવામાં આવી છે તો શૂન્યની શોધ કરનાર પ્રખ્યાત ભારતીય વિદ્વાન આર્યભટ્ટે  (ઇ. સ. 476)-ચોક્કસ ખગોળશાસ્ત્રીય ઘટનાઓનો અભ્યાસ કરી એવું ગણિત વિકસાવ્યું જેનો ઉપયોગ હજુ પણ પંચાંગની ગણતરીઓમાં થાય છે.

એ જ રીતે પ્રખર ખગોળવિદ અને જ્યોતિષિ વરાહમિહિરે (ઇ. સ. 505)-તેમના પુસ્તક બૃહદ સંહિતામાં ગ્રહોની ગતિના સિદ્ધાંતો રજૂ કર્યા.

ભારતમાં નિર્માણ પામેલો ‘સૂર્ય સિદ્ધાંત’ નામનો એક પ્રાચીન ખગોળશાસ્ત્રીય ગ્રંથ ગ્રહોની ગતિ, ગ્રહણ અને ચંદ્રની ગતિ પ્રમાણેનું કેલેન્ડર સમજાવે છે.

આપણા પંચાંગની ગણતરીઓ કેટલી ચોક્કસ હશે કે જેણે આજના જ્ઞાન-વિજ્ઞાનના હજારો વર્ષ પહેલાં ગ્રહણના સ્થાન અને સમયની સચોટ આગાહી કરી હતી. 

આજના સમયમાં ઉપયોગમાં લેવાય છે તેવાં ઉપકરણો અને શક્તિશાળી ટેલિસ્કોપ વગર કેવી રીતે અવકાશી માહિતી મેળવી હશે તેની ખરેખર નવાઈ લાગે છે. દર બાર વર્ષે કુંભ મેળો આવે છે, કારણ કે ગુરુ ગ્રહને સૂર્યની આસપાસ એક પ્રદક્ષિણા કરતા બાર વર્ષ લાગે છે. આજના વિજ્ઞાને ગુરુની પ્રદક્ષિણાનો સમય શોધ્યો એના હજારો વર્ષ અગાઉથી આપણને તેની ખબર છે. શનિ સૌથી ધીમો ગ્રહ છે એ માહિતી પણ વૈદિક યુગથી આપણી પાસે છે.  

સૂર્ય સિદ્ધાન્તે આધુનિક ખગોળશાસ્ત્રીય માપ  (365.25636 દિવસ) જેવા લગભગ સમાન વર્ષનું વર્ણન અનેક વર્ષો પૂર્વે કર્યું છે.

ચંદ્રનું ગુરુત્વાકર્ષણ માણસના વર્તન અને દરિયાઈ ભરતી ઓટ પર અસર કરે છે એ હકીકત પંચાંગ દ્વારા પહેલેથી જ સમજાવવામાં આવી હતી.

આવી તો અનેક હકીકતો અને ઝીણામાં ઝીણી ગણતરીઓ પંચાંગમાં મોજુદ છે જે અહીં રજૂ કરીએ તો આખું છાપું ભરાઈ જાય. આજનું  Gen - Z એને માત્ર ધાર્મિક ગ્રંથ કે પંડિતોનું ટીપણું માત્ર ન માને અને તટસ્થ ભાવથી અભ્યાસ કરે તો એને અનેક ભૌગોલિક, ખગોળ શાસ્ત્રીય અને વૈજ્ઞાનિક માહિતીઓનો ખજાનો મળી શકે એમ છે. 

પંચાંગ એ એક એવું કેલેન્ડર છે જેના આધારે પચાસ વર્ષ પહેલા બનેલી અને પચાસ વર્ષ પછી થનારી ભૌગોલિક ઘટનાઓની પણ માહિતી મેળવી શકાય છે. 

વૈદિક યુગના વિદ્વાનોએ તમામ આકાશી પિંડોનુ બારીકાઈથી અવલોકન કર્યા બાદ, અનેક વર્ષની તપસ્યા પછી અને સૂક્ષ્મમાં સૂક્ષ્મ હીલચાલને ગણતરીમાં લઈને જે છપ્પન ભોગ આપણને પીરસ્યો છે એવો સ્વાદ દુનિયાના કોઈ કેલેન્ડરોમાંથી આપણને નથી મળતો. હાલ આપણે જે અંગ્રેજી મહિનાઓ પ્રમાણે કાર્યક્રમો ઘડીએ છીએ એ જુલાઈ,ઓગસ્ટ જેવા નામો એ વખતના રાજાઓ - શાસકોના નામ પરથી પડ્યા છે, પરંતુ આપણા જે હિન્દુ મહિના છે એ કોઈ વ્યક્તિ આધારિત નહીં પણ નક્ષત્રો આધારિત છે. જેમકે કૃતિકા નક્ષત્ર પરથી કારતક તો મૃગશીર્ષ નક્ષત્ર પરથી માગશર મહિનો કહેવાયો. 

આમ ભારતીય શાસ્ત્રોનું સમયપત્રક સંપૂર્ણપણે ગ્રહો, તારાઓની ગતિ પર આધારિત સચોટ અને સંપૂર્ણ વૈજ્ઞાનિક છે.

‘મુંબઈ સમાચાર’ અખબારની શરૂઆત થયે 205 વર્ષ થયા, પરંતુ તેની પણ આઠ વર્ષ અગાઉ ઈ.સ. 1814થી મુંબઈ સમાચારનું પંચાંગ પ્રસિદ્ધ થાય છે. 

આજના છકી ગયેલ યુવાનોએ ભારતના ટૂકડે ટૂકડા કરવામાં રસ લીધા વગર આ પંચાંગ વાંચીને સંપૂર્ણ બ્રહ્માંડના અબજો અવકાશી ટૂકડાઓ ( સૂર્ય, ચંદ્ર તારાઓ, ગ્રહો વગેરે)ની ગતિનો અને તેની માનવ જીવન પર થતી અસરનો ઉપયોગી અભ્યાસ જરૂર કરવો જોઈએ.