Tue Aug 18 2026

Logo

પશ્ચિમ બંગાળમાં તારાપીઠ મંદિર નજીક હોટેલમાં ભીષણ આગ, 7 યાત્રાળુઓના મોત અને અનેક ઘાયલ

2026-08-17 09:35:00
Author: Mumbai Samachar Team
Article Image

પશ્ચિમ બંગાળમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે બીરભૂમ જિલ્લામાં આવેલા તારપીઠ મંદિર પાસે એક હોટેલમાં ભીષણ આગ લાગી છે. આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું કે જેના કારણે સાત લોકોનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. આ સાથે અનેક લોકો ઘાયલ થયાં છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.

હોટેલમાં ગ્રાઉન્ટ ફ્લોર પર વહેલી સવારે લાગી આગ

આ મામલે વિગતો આપતા પોલીસે જણાવ્યું કે, આજે બીરભૂમ જિલ્લાના તારાપીઠમાં એક હોટેલમાં ભીષણ આગ લાગી હોવાની જાણ થઈ હતી. જેથી પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. ચાર માળની હોટેલમાં ગ્રાઉન્ટ ફ્લોર પર વહેલી સવારે પાંચ વાગ્યાની આસપાસ આગ લાગી હતી. આગ લાગી તે દરમિયાન પાંચ મહેમાનો હોટેલમાં આરામ કરી રહ્યાં હતાં. 

ફાયર બ્રિગેડની ટીમે કાબુ મેળવી લીધો

આગનો કોલ મળતાં ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને આગ પર કાબુ મેળવી લીધો હતો. ઘાયલોને રામપુરહાટ સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. હોસ્પિટલના સૂત્રોએ શરૂઆતમાં આગમાં પાંચ લોકોના મોત થયા હોવાનું જણાવ્યું છે. જોકે, બાદમાં પોલીસે મૃત્યુઆંક સાત હોવાનું જણાવ્યું હતું. જ્યારે ઘાયલોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

 

મંદિરમાં આવતા યાત્રાળુઓ આ હોટેલમાં રોકાય છે

તમને જણાવી દઈએ કે, આ બિન્દિશિની હોટેલ તારાપીઠ મંદિરની નજીક છે. મંદિરમાં આવતા મોટાભાગના યાત્રાળુઓ આ હોટેલમાં રોકાય છે. આગમાં મૃત્યુ પામેલા લોકો પણ મંદિરમાં દર્શન કરવા આવ્યા હતા. તેઓ રાત્રે પહોંચ્યા અને આરામ માટે હોટેલમાં રોકાયા હતાં. તેઓ સોમવારે મંદિરમાં દર્શન કરવાના હતા, પરંતુ તે પહેલાં જ આગમાં તેમનું મોત નીપજ્યું છે.