Tue Aug 18 2026

Logo

શ્રાવણના ત્રીજા સોમવારે લખીસરાયના અશોક ધામ મંદિરમાં ભાગદોડ, 7 શ્રદ્ધાળુઓના મોત અને 12થી વધુ ઘાયલ

2026-08-17 08:48:00
Author: Vimal Prajapati
Article Image

લખીસરાય: પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, તેમાં મંદિરોમાં મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે. બિહારના લખીસરાય જિલ્લામાં આવેલા અશોક ધામ મંદિર પાસે ભાગદોડ થઈ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ત્રીજા સોમવારે લખીસરાય જિલ્લામાં અશોક ધામ મંદિર સંકુલ પાસે થયેલી ભાગદોડમાં સાત શ્રદ્ધાળુઓના મોત અને ડઝનબંધ ઘાયલ થવાની આશંકા છે. આ શુભ દિવસે ભગવાન શિવને જલાભિષેક કરવા માટે ભક્તો મંદિરમાં એકઠા થયા હતાં. સાત મૃતકોમાં મોટાભાગે મહિલાઓ સામેલ હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. 

50 હજારથી પણ વધારે શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી

સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે ત્રીજા સોમવારે આસરે 50 હજારથી પણ વધારે શ્રદ્ધાળુઓ લખીસરાયમાં ભગવાન મહાદેન જળાભિષેક કરવા માટે પહોંચ્યાં હતાં. શ્રદ્ધાળુઓ વધારે હોવાથી ભીડ બેકાબૂ થઈ અને ભાગદોડ શરૂ થઈ હતી. જેમાં અનેક લોકો પડી ગયા અને નીચે દબાઈ ગયાં હતા. આ મામલે જાણ થતાં સુરક્ષા ટીમ પહોંચી ગઈ અને રાહત અને બચાવકાર્ય શરૂ કરી દેવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં સાત લોકોના મોત થયાં હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ સાથે 12થી પણ વધારે લોકો ગંભીર રીતે ઘાયલ થયાં છે. 

 

તમામ ઘાયલોને સદર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે અશોક ધામમાં પૂજા દરમિયાન વીજળીનો થાંભલો પડી ગયો અને તેના કારણે કરંટ આવતો હોવાની અફવા ફેલાઈ હતી. જેથી લોકો કરંટથી બચવા માટે આમતેમ દોડવા લાગ્યાં હતા અને આ દુર્ઘટના સર્જાઈ હતી. અત્યારે ઘાયલોની સારવાર ચાલી રહી છે અને સુરક્ષા દળો દ્વારા મદદકાર્ય પણ કરવામાં આવી રહ્યું છે.