Wed Sep 02 2026

Logo

છ વર્ષ બાદ સક્રિય રાજકારણમાં 'વાપસી': વિનોદ તાવડેને મળી યુપીની 'જવાબદારી', પણ 'કારણ' શું?

2026-08-18 17:06:00
Author: Mumbai Samachar Team
છ વર્ષ બાદ સક્રિય રાજકારણમાં 'વાપસી': વિનોદ તાવડેને મળી યુપીની 'જવાબદારી', પણ 'કારણ' શું?

મહારાષ્ટ્રના પૂર્વ શિક્ષણ પ્રધાનને 6 વર્ષ બાદ મળી મોટી જવાબદારી, કમબેક કરશે કે નહીં?

નવી દિલ્હીઃ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી અને ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ના નેતા વિનોદ તાવડેને પક્ષે ફરી એકવાર મહત્વની સંગઠનાત્મક જવાબદારી સોંપી છે. છ વર્ષ પહેલા 2019ની વિધાનસભા ચૂંટણી સમયે ટિકિટ નહીં મળતા રાજ્યના સક્રિય રાજકારણથી દૂર રહેલા તાવડેને હવે ઉત્તર પ્રદેશના પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સાથે જ તેઓ રાષ્ટ્રીય મહાસચિવના પદ પર પણ યથાવત રહેશે. 

ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનને જાહેર કરેલા સંગઠનાત્મક ફેરબદલમાં આ નિમણૂક કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશ (યુપી) પ્રભારીનું પદ છેલ્લા બે વર્ષથી ખાલી હતું. 2027ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પક્ષે આ નિર્ણય લીધો હોવાનું માનવામાં આવે છે.

આરએસએસ અને એબીવીપી સાથે સંકળાયેલા રહ્યા 
એબીવીપીથી રાજકારણની શરૂઆત વિનોદ તાવડેનો જન્મ 20 જુલાઈ 1963ના મુંબઈના ગિરગાંવમાં થયો હતો. તેમણે પાર્લે કોલેજમાંથી શિક્ષણ લીધું હતું. તેઓ આરએસએસ અને એબીવીપી સાથે સંકળાયેલા રહ્યા છે.
 
1980માં એબીવીપીમાં જોડાયા અને 1988માં તેના રાષ્ટ્રીય મહાસચિવ બન્યા. 1995માં મહારાષ્ટ્ર ભાજપના રાજ્ય મહાસચિવ અને 1999માં મુંબઈ ભાજપના પ્રમુખ બન્યા. 2002માં વિધાન પરિષદના સભ્ય અને 2011માં વિધાન પરિષદમાં વિપક્ષના નેતા તરીકે રહ્યા. 2014માં બોરીવલીથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ ફડણવીસ સરકારમાં શિક્ષણ અને સંસ્કૃતિ વિભાગના મંત્રી બન્યા હતા.

2022ની રાષ્ટ્રપતિ-ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં પ્રભારી હતા
2019ની વિધાનસભા ચૂંટણી માટે તાવડેને ટિકિટ આપવામાં આવી ન હતી ત્યાર બાદ તેઓ રાજ્યના ચૂંટણી રાજકારણથી દૂર રહ્યા. 2020માં તેમને ભાજપના રાષ્ટ્રીય સચિવ બનાવવામાં આવ્યા. 2021માં રાષ્ટ્રીય મહાસચિવ અને હરિયાણાના પ્રભારીની જવાબદારી મળી. 2022માં તેમને બિહારના પ્રભારી બનાવવામાં આવ્યા. 
તેમના કાર્યકાળ દરમિયાન બિહારમાં એનડીએએ સરકાર બનાવી અને 2024ની લોકસભા ચૂંટણીમાં પણ સારું પ્રદર્શન કર્યું. 2022ની રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં પણ તેઓ એનડીએ ઉમેદવારોના પ્રભારી હતા. 

રાષ્ટ્રીયસ્તરે પોતાની સ્થિતિ ફરીથી મજબૂત કરી શકે
‘સંગઠન મહોત્સવ 2024’ દરમિયાન સભ્યતા અભિયાનનું સંકલન પણ તેમણે કર્યું હતું. તાવડેને મહારાષ્ટ્રથી રાજ્યસભામાં પણ મોકલવામાં આવ્યા હતા પણ હવે છ વર્ષના વનવાસ બાદ પક્ષે તેમને ઉત્તર પ્રદેશની જવાબદારી સોંપી છે. યુપીમાં 2027ની વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ, સરકાર અને સંગઠન વચ્ચે સંકલન અને પાર્ટીના વિસ્તરણની કામગીરી તેઓ સંભાળશે તેવું માનવામાં આવે છે.
 
રાજકીય વિશ્લેષકોના મતે 2019 બાદ સંગઠનમાં સક્રિય રહીને તાવડેએ રાષ્ટ્રીયસ્તરે પોતાની સ્થિતિ ફરીથી મજબૂત કરી છે. આરએસએસની પૃષ્ઠભૂમિ અને સંગઠનાત્મક અનુભવના કારણે તેમને આ જવાબદારી આપવામાં આવી છે.

છ વર્ષ પછી સૌથી મોટા રાજ્યની સંગઠનાત્મક જવાબદારી સોંપી
વિનોદ તાવડેને યુપીની જવાબદારી મળ્યા બાદ મહારાષ્ટ્ર અને દિલ્હીના રાજકીય વર્તુળોમાં ચર્ચાઓએ જોર પકડ્યું છે. 2019માં રાજ્યની વિધાનસભા ચૂંટણીની ટિકિટ ન મળ્યા બાદ સક્રિય રાજકારણથી દૂર રહેલા તાવડેને છ વર્ષ બાદ દેશના સૌથી મોટા રાજ્યની સંગઠનાત્મક જવાબદારી સોંપવામાં આવી છે.
 
રાજકીય વિશ્લેષકોના મતે આ નિમણૂકને તેમના રાષ્ટ્રીય સ્તરે વધેલા કદ દર્શાવતા મહત્વના સંકેત તરીકે જોવામાં આવી રહી છે. મહારાષ્ટ્રમાં તેમની જૂની પકડ અને બિહાર-હરિયાણામાં મળેલો સંગઠનાત્મક અનુભવ આ નિર્ણય પાછળનું કારણ હોવાનું મનાય છે.