નવી દિલ્હી: UGC-NET જૂન 2026 પરીક્ષાને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા મોટું પગલું ભરવામાં આવ્યું છે. પ્રશ્નપત્રોમાં ભૂલો અને જૂના સવાલોના પુનરાવર્તન થવાની અઢળક ફરિયાદોને કારણે અંગ્રેજી, કોમર્સ અને સમાજશાસ્ત્ર વિષયોની પરીક્ષાઓ રદ કરીને ફરીથી યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નિષ્ણાત સમિતિની તપાસ બાદ સોશિયોલોજીના પેપરમાં જાણીતા સમાજશાસ્ત્રીઓના નામ ખોટા છાપવા ઉપરાંત અંગ્રેજી અને કોમર્સના પેપરમાં અગાઉની પરીક્ષાઓના સવાલો તથા વિકલ્પો બેઠા પૂછાયા હોવાનું સામે આવ્યું હતું.
આ સમગ્ર વિવાદ બાદ NTA દ્વારા ત્રણેય વિષયોની નવી પરીક્ષાનું શેડ્યૂલ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ અંગ્રેજી વિષયની પરીક્ષા 9 સપ્ટેમ્બરે સવારે 9 થી 12 અને કોમર્સની પરીક્ષા તે જ દિવસે બપોરે 3 થી સાંજે 6 વાગ્યા દરમિયાન યોજાશે. જ્યારે સમાજશાસ્ત્રની પરીક્ષા 10 સપ્ટેમ્બરે સવારે 9 થી 12 વાગ્યા સુધી લેવાશે. રાહતની વાત એ છે કે આ પુનઃપરીક્ષા (રી-એજ્ઝામ) માટે ઉમેદવારો પાસેથી કોઈ વધારાની ફી લેવામાં આવશે નહીં અને પાત્રતા તથા વિષયવાર ફાળવણીમાં પણ કોઈ ઘટાડો કરવામાં નહીં આવે.
પરીક્ષા વ્યવસ્થામાં વ્યાપક ક્ષતિઓને પગલે કેન્દ્ર સરકારે NTAમાં મોટા પાયે પ્રશાસનિક અને શિસ્તભંગના પગલાં લીધા છે. પરીક્ષા પ્રક્રિયામાં ગરબડ બદલ અત્યાર સુધીમાં NTAમાંથી 50 થી વધુ કર્મચારીઓ અને અધિકારીઓને હટાવવામાં આવ્યા છે. આ સાથે જ એજન્સીમાં નિષ્ણાતોની આગેવાની વધારવા માટે ચીફ ટેકનોલોજી ઓફિસર, ચીફ ઇન્ફોર્મેશન સિક્યોરિટી ઓફિસર અને જનરલ મેનેજર (ટેસ્ટ સિક્યોરિટી એન્ડ સાયકોમેટ્રિક્સ) જેવા મહત્વના પદો પર ખાનગી ક્ષેત્રના 10 નવા પ્રોફેશનલ્સની નિમણૂક કરવામાં આવી રહી છે.
ભવિષ્યમાં આવી ભૂલોનું પુનરાવર્તન ન થાય તે માટે શિક્ષણ મંત્રાલયે NTAને સખત આદેશો આપ્યા છે. કોન્ફિડેન્શિયલ ઓપરેશન્સ (CONOPS) વ્યવસ્થામાં બદલાવ કરીને એર-ગેપ્ડ કોમ્પ્યુટર સિસ્ટમ, સુરક્ષિત અલગ રૂમ અને ઇલેક્ટ્રોનિક ઉપકરણો પર પ્રતિબંધ જેવા કડક પ્રોટોકોલ લાગુ કરવામાં આવશે. મંત્રાલયે પરીક્ષા પ્રક્રિયાના દરેક તરણનું વિગતવાર ઓડિટ કરાવવાની માંગ કરી છે, જેથી એજન્સી પારદર્શક બનીને ફરીથી વિદ્યાર્થીઓનો વિશ્વાસ જીતી શકે.