Mon Aug 31 2026

Logo

દિલ્હીની મૅચમાં બીસીસીઆઇના અમ્પાયરને લમણાંમાં વાગ્યો બૉલ, આઇસીયુમાં દાખલ કરાયા

2026-08-18 17:40:49
Author: Ajay Motiwala
દિલ્હીની મૅચમાં બીસીસીઆઇના અમ્પાયરને લમણાંમાં વાગ્યો બૉલ, આઇસીયુમાં દાખલ કરાયા

નવી દિલ્હીઃ દિલ્હી પ્રીમિયર લીગ (DPL) રોમાંચક મૅચોને લીધે હમણાં ખાસ કંઈ ચર્ચામાં નથી, પણ ઈસ્ટ દિલ્હી રાઇડર્સ અને ન્યૂ દિલ્હી ટાઇગર્સ વચ્ચેની મૅચમાં એવી કમનસીબ ઘટના બની જેની વિગતો કંપારી છૂટી જાય એવી છે. આ બનાવમાં અમ્પાયરને બૉલ વાગતાં ગંભીર ઈજા થઈ હતી.

ન્યૂ દિલ્હી ટાઇગર્સ ટીમ લક્ષ્યાંક ચેઝ કરી રહી હતી એ દરમ્યાન 18મી ઓવર આશિષ મીના નામના બોલરે કરી હતી જેના એક બૉલમાં લક્ષ્ય થરેજા નામના બૅટ્સમૅને પાવરફુલ શૉટ ફટકાર્યો હતો અને બૉલ (Ball) સામે ઊભેલા અમ્પાયર (Umpire) ધર્મેશ ભારદ્વાજને વાગ્યો હતો. બૉલ એટલી તેજ ગતિએ હતો કે અમ્પાયર ઈજાથી બચી નહોતા શક્યા.

બૉલ તેમને જમણી બાજુએ લમણામાં વાગ્યો હતો જેને પગલે તેમને તાબડતોબ હૉસ્ટિપલમાં લઈ જવામાં આવ્યા હતા. અમ્પાયર ધર્મેશ ભારદ્વાજને તરત જ પૂર્વસાવચેતી તરીકે તેમ જ સ્કૅન વગેરે ઇમરજન્સી પ્રક્રિયા માટે ઇન્ટેન્સિવ કેર યુનિટ (આઇસીયુ)માં દાખલ કરવામાં આવ્યા હતા.

કૉમેન્ટેટરે જણાવ્યું હતું કે અમ્પાયર ધર્મેશ ભારદ્વાજને બૉલ વાગ્યો હોવાની આ બીજી ઘટના છે. એક અહેવાલમાં એવું જણાવાયું હતું કે તેમને આ વખતની ઘટનામાં બૉલ જડબાના નીચેના ભાગમાં વાગ્યો હતો. આ ઘટના બનતા હવે અમ્પાયરે પણ ફરજિયાત હેલ્મેટ પહેરવી જોઈએ એવો નિયમ લાવવાની ચર્ચા ફરી શરૂ થઈ છે.