Wed Aug 19 2026

Logo

અમદાવાદમાં ભુવાએ સગીર છોકરીને હવસનો ભોગ બનાવી, ઢોંગી પકડાયો

2026-08-18 17:58:57
Author: Pooja Shah
Article Image

અમદાવાદઃ અંધશ્રદ્ધા માત્ર નાના ગામડા કે અશિક્ષિત લોકો પૂરતી જ સિમિત નથી, પરંતુ મોટા શહેરોમાં પણ ઢોંગીઓ લોકોને છેતરી જાય છે. આવો એક કિસ્સો અમદાવાદમાં પ્રકાશમાં આવ્યો છે. અહીં એક બની બેઠેલા ભૂવાએ માત્ર 15 વર્ષની છોકરીને પોતાની હવસનો શિકાર બનાવી હતી. જોકે પોલીસે ભૂવાને પકડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે, પરંતુ આ કિસ્સો હજુ પણ લોકો આ પ્રકારની અંધશ્રદ્ધાળમાંથી બહાર આવતા નથી તે સાબિત કરે છે. 

આ ઘટનાની મળતી વિગતો અનુસાર શહેરના સોલા વિસ્તારમાં રહેતા એક પરિવારની 15 વર્ષીય દીકરી બીમાર પડી હતી. માતા-પિતાના સંપર્કમાં ચંદ્રકાન્ત નામનો ભૂવો આવ્યો હતો અને તેણે દીકરીને ભૂતપ્રેતનો વળગાડ હોવાનું કહ્યું હતું. અંધશ્રદ્ધામાં માનતા માતા-પિતાએ તેમની વાત માની લીધી હતી અને વિધિ કરવા જણાવ્યું હતું. પંચાલ તેમના ઘરે આવ્યો હતો અને વિધિના નામે માતા-પિતાને બહાર મોકલી છોકરીને કથિત રીતે કેફી પદાર્થ પીવડાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

પરિવારની આર્થિક સ્થિતિ પણ નબળી છે તે જાણી ભુવાએ તેમને પૈસાની લાલચ આપી છોકરીને પોતાના ઘરે બોલાવી પણ દુષ્કર્મ આચર્યું હતું. ભુવાએ છોકરી સાથેના અમુક ફોટા પોતાના સોશિયલ મીડિયામાં મૂક્યા હતા. ત્યારબાદ માતા-પિતાએ પૂછતા છોકરીએ આપવીતી સંભાળાવી હતી. પોતે છેતરાયા હોવાની જાણ થતાં માતા-પિતાએ સોલા પોલીસનો સંપર્ક સાધ્યો હતો. પોલીસે પંચાલને પકડી લીધો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર આરોપી સામે અગાઉ પણ વિધિના નામે 50 લાખ કરતા વધારે રકમ પડાવી હોવાના કેસ નોંધાયા છે. પોલીસે વધારે વિગતો હાથ ધરી છે.