કેગના અહેવાલ બાદ કૉંગ્રેસની ટીકા, રેલવેએ કરી સ્પષ્ટતા
અમદાવાદઃ ગુજરતના ત્રણથી ચાર રેલવે સ્ટેશન દેશભરના રેલવે સ્ટેશનની સરખામણીમાં ઘણું કમાઈ આપતા હોવા છતાં પાણી અને પંખા જેવી પાયાની પૂરતી સુવિધાઓથી વંચિત હોવાનું કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ (કેગ)ના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.
અમદાવાદ રેલ્વે સ્ટેશન, જે નોન-સબર્બન ગ્રુપ (એનએસજી)-1 કેટેગરીનું સ્ટેશન છે, તે દેશનું છઠ્ઠું સૌથી વધુ કમાણી કરતું સ્ટેશન છે, જે લગભગ 3.85 કરોડ મુસાફરો પાસેથી વાર્ષિક રૂ. 933.10 કરોડનું ભાડું કમાય છે. સુરત નવમા ક્રમે છે, જે 5.03 કરોડથી વધુ મુસાફરો પાસેથી રૂ. 728.25 કરોડની કમાણી કરે છે.
છતાં, કેગના અહેવાલ અનુસાર અમદાવાદમાં પીવાના પાણીના નળ, બેઠક વ્યવસ્થા અને વોટર કુલરની અછત છે, જ્યારે સુરતમાં મુસાફરોની મોટી સંખ્યા માટે પૂરતા પીવાના પાણીના નળ અને પંખાનો અભાવ હોવાનું જણાવવામાં આવ્યું છે. આ સાથે અમદાવાદ સ્ટેશન પર પ્લાસ્ટિક બોટલ ક્રશિંગ મશીન બે વર્ષથી બંધ પડ્યું છે. આવી જ રીતે વડોદરા, રાજકોટ ભરૂચ, વલસાડ, જામનગરમાં પણ પીવાના પાણીની વ્યવસ્થાથી માંડી બેઠક વ્યવસ્થા અને કચરાપેટીનો અભાવ અહેવાલમાં નોંધવામાં આવ્યો છે. બીજી બાજુ રાધનપુર અને નઝરબાગ જેવા નાના સ્ટેશનો પર પૂરતી સુવિધા હોવાનું જણાયું હતું.
કૉંગ્રેસના મીડિયા કન્વીનર ડૉ. મનીષ દોશીએ સમગ્ર દેશના અહેવાલનો સંદર્ભ આપી ટીકા કરતા જણાવ્યું હતું કે ભારતીય રેલ્વેમાં અસુવીધાઓથીને કારણે કરોડો મુસાફરો પારાવાર મુશ્કેલીમાં છે. આધુનિકરણના નામે રેલવે સ્ટેશનોને ભાજપ સરકારે લૂંટના કેન્દ્રો બનાવ્યા છે.
રેલવેની સતત દુર્દશા અને યાત્રિકોની ઉપેક્ષાની નૈતિક જવાબદારી સ્વીકારી કેન્દ્રીય રેલવે પ્રધાન રાજીનામું આપે, તેવી માગણી દોશીએ કરી હતી.
આ મામલે અમદાવાદ મંડળ દ્વારા કરવામાં આવેલી સ્પષ્ટતા અનુસાર અહેવાલના તારણોને યોગ્ય સંદર્ભમાં સમજવામાં આવે તે જરૂરી છે. પશ્ચિમ રેલવે યાત્રીઓને સુરક્ષિત, સ્વચ્છ, સુવિધાજનક અને બહેતર યાત્રાનો અનુભવ ઉપલબ્ધ કરાવવા માટે નિરંતર પ્રયત્નશીલ છે. સીએજીની ટિપ્પણીઓને ગંભીરતાથી લઈને નિર્ધારિત ધોરણો અનુસાર સુવિધાઓને વધુ મજબૂત કરવા તથા ખામીઓને સમયબદ્ધ રીતે દૂર કરવા માટે જરૂરી કામગીરી કરવામાં આવી રહી છે.