બે વર્ષ પહેલાં કરાયેલી પોલીસ ફરિયાદ અને કોર્ટ કેસનો આરોપી સાસુને ગુસ્સો હતો
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ઘાટકોપરમાં એક જ કૉમ્પ્લેક્સની બીજી બિલ્ડિંગમાં રહેતી પુત્રવધૂની કથિત હત્યા કરવાના આરોપસર પોલીસે 60 વર્ષની સાસુની ધરપકડ કરી હતી. પુત્રવધૂ અને તેનાં પિયરિયાં દ્વારા બે વર્ષ અગાઉ કરાયેલી પોલીસ ફરિયાદ અને કોર્ટ કેસનો આરોપી સાસુના મનમાં રોષ ધરબાયેલો હતો. આ જ કારણસર તેણે ઘાતકી પગલું ભર્યું હોવાનું કહેવાય છે.ઘાટકોપર પૂર્વમાં લક્ષ્મીનગરના ત્રિવેણી એપાર્ટમેન્ટની ડી વિંગના ત્રીજા માળે આવેલા ફ્લૅટમાં રહેતી સપના પ્રમોદ ગંજી (35)ની રવિવારની સાંજે કથિત હત્યા કરવામાં આવી હતી. આ મામલે સપનાના પિતા રાજેન્દ્ર વલ્લાલે નોંધાવેલી ફરિયાદને આધારે પંતનગર પોલીસે સપનાની સાસુ ધનલક્ષ્મી ગંજી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો હતો.
પોલીસ ફરિયાદ અનુસાર સપનાના સસરાએ ફરિયાદી રાજેન્દ્રને રવિવારની મધરાતે 12 વાગ્યાની આસપાસ ફોન કર્યો હતો. સપના બાથરૂમમાં પડી ગઈ હોવાથી તેના માથામાં ગંભીર ઇજા થઈ છે. સારવાર માટે તેને અમે રાજાવાડી હૉસ્પિટલમાં લઈ આવ્યા હોવાની જાણ સસરાએ ફોન પર કરી હતી.નાલાસોપારાના નિળેમોરે ગાંવમાં રહેતા રાજેન્દ્ર પત્ની સાથે ટૅક્સીમાં હૉસ્પિટલ પહોંચ્યા ત્યારે સપના મૃત્યુ પામી હોવાનું જાણવા મળ્યું હતું. જોકે સપનાના શરીર પર ઇજાનાં નિશાન જોતાં પિતાને રાજેન્દ્રને શંકા ગઈ હતી. તેમણે સપનાની સાસુ ધનલક્ષ્મીને પૂછતાં તેણે કથિત ઉડાઉ જવાબ આપ્યા હતા.
ધનલક્ષ્મીએ કહ્યું હતું કે સપના દારૂના નશામાં બૂમાબૂમ કરતી હોવાની જાણ નોકરાણીએ કરી હતી. એક જ કૉમ્પ્લેક્સમાં રહેતા હોવાથી ધનલક્ષ્મી સપનાને સમજાવવા ગઈ હતી, પરંતુ એલફેલ બોલી સપના ગાળાગાળી પર ઊતરી આવી હતી. પરિણામે બન્ને વચ્ચે ધક્કામુક્કી થઈ હતી. બાદમાં સપના બાથરૂમમાં પડી ગઈ હોવાથી તેના માથામાં ઇજા થઈ હતી, એવું ફરિયાદમાં જણાવાયું હતું.
જોકે આ ઉપજાવી કાઢેલી વાતો હોવાનું પિતા રાજેન્દ્રનું માનવું હતું. ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે સપનાનાં લગ્ન 2013માં પ્રમોદ સાથે થયાં હતાં. શરૂઆતનાં બે વર્ષ બધું બરાબર હતું. પછી પતિ અને સાસરિયાં દ્વારા સપનાને ત્રાસ આપવાનું શરૂ કરાયું હતું. આખરે કંટાળીને પતિ અને સાસરિયાં વિરુદ્ધ નાલાસોપારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરાઈ હતી. પોલીસે ભારતીય દંડ સંહિતાની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. એ સિવાય વસઈ કોર્ટમાં કૌટુંબિક હિંસાનો ખટલો દાખલ કરાયો હતો. કાનૂની કાર્યવાહીથી સાસુના મનમાં રોષ ધરબાયેલો હતો. તેણે જ મારપીટ પછી સપનાની હત્યા કરી હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરાયો હતો.