Mon Oct 05 2026

Logo

નાગપુરમાં 12થી વધુ શાળાઓને  મળ્યા બૉમ્બની ધમકીના ઇમેઇલ કોર્ટ અને ઓફિસોમાં પણ વિસ્ફોટનો તેમાં ઉલ્લેખ કરાયો

2026-08-18 17:38:48
Author: Yogesh D. Patel
નાગપુરમાં 12થી વધુ શાળાઓને  મળ્યા બૉમ્બની ધમકીના ઇમેઇલ કોર્ટ અને ઓફિસોમાં પણ વિસ્ફોટનો તેમાં ઉલ્લેખ કરાયો

નાગપુર: નાગપુરમાં મંગળવારે સવારના 12થી વધુ શાળાઓને બોમ્બબ્લાસ્ટની ધમકીના ઇમેઇલ મળતાં ખળભળાટ મચી ગયો હતો. ઇમેઇલમાં શાળાઓ બાદ કોર્ટ તેમ જ ઓફિસમાં પણ વિસ્ફોટ થશે, એવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ધમકીભર્યા ઇમેઇલ મળ્યા બાદ પોલીસની અનેક ટીમોએ શાળાઓમાં જઇને વ્યાપક તપાસ હાથ ધરી હતી, પરંતુ કોઇ પણ શાળામાંથી વિસ્ફોટક કે શંકાસ્પદ વસ્તુ મળી ન આવી નહોતી.

નાગપુરની 12થી વધુ શાળાઓને મંગળવારે સવારે ઇમેઇલ પ્રાપ્ત થયા હતા. જીમેઇલ અકાઉન્ટથી મોકલવામાં આવેલા ઇમેઇલમાં 31 ઑગસ્ટે શાળાઓમાં બોમ્બબ્લાસ્ટ થશે, એવો દાવો કરવામાં આવ્યો હતો. ધમકીભર્યા ઇમેઇલને ગંભીરતાથી લઇને તેની જાણ પોલીસને કરવામાં આવી હતી, જેને પગલે પોલીસની અનેક ટીમો તૈયાર કરાઇ હતી અને તેમને તાત્કાલિક શાળાઓમાં મોકલવામાં આવી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.

દરમિયાન પોલીસની ટીમ શાળાઓમાં પહોંચી હતી અને આસપાસના વિસ્તારને કોર્ડન કરવામાં આવ્યા બાદ પોલીસે શાળાની ઇમારત તથા પરિસરમાં સઘન તપાસ હાથ ધરી હતી. જોકે કોઇ પણ શાળામાં વિસ્ફોટક કે શંકાસ્પદ વસ્તુ મળી આવી નહોતી.

પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર ઇમેઇલમાં જણાવ્યું હતું કે 31 ઑગસ્ટે બપોરના 1.11 વાગ્યે શાળાઓમાં વિસ્ફોટ થશે. ત્યાર બાદ બપોરે 2.11 વાગ્યે કોર્ટમાં અને બપોરે 3.00 વાગ્યે ઓફિસોમાં વિસ્ફોટ થશે. ઇમેઇલમાં ખાલિસ્તાન, આરએસએસ, ભાજપ તેમ જ અનેક રાજકીય નેતાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું હતું કે ઇમેઇલના સ્રોત અને તેને મોકલનારી વ્યક્તિની પોલીસ દ્વારા શોધ ચલાવવામાં આવી રહી હોઇ સાયબર પોલીસની પણ મદદ લેવામાં આવી છે. આ મામલે ગુનો દાખલ કરવાની પ્રક્રિયા હાથ કરવામાં આવી રહી છે. (પીટીઆઇ)