Sun Sep 06 2026

Logo

સની દેઓલની બટવારા અંગે હેમા માલિનીએ આપ્યું મોટું નિવેદન, આ ફિલ્મ તો નફરત...

2026-08-18 15:13:00
Author: Mumbai Samachar Team
સની દેઓલની બટવારા અંગે હેમા માલિનીએ આપ્યું મોટું નિવેદન, આ ફિલ્મ તો નફરત...

મુંબઈ: જાણીતા અભિનેતા સની દેઓલની ફિલ્મ 'બટવારા 1947' ચાહકોને ખૂબ પસંદ પડી રહી છે. લોકો આ ફિલ્મના ખૂબ વખાણ કરી રહ્યા છે. હાલમાં જ બોલિવૂડની દિગ્ગ્જ અભિનેત્રી અને ભાજપ (ભારતીય જનતા પાર્ટી)નાં સાંસદ હેમા માલિનીએ આ ફિલ્મ વિશે પોતાની પ્રતિક્રિયા આપી હતી. 

હેમા માલિનીએ પોતાના ઓફિશિયલ એક્સ હેન્ડલ પર ફિલ્મના વખાણ કરતા લખ્યું હતું કે આ ફિલ્મ લોકોને નફરત અને ભાગલાની જગ્યાએ માનવતા અને પ્રેમને પસંદ કરવાની શીખ આપે છે. આ ફિલ્મ જોયા બાદ લોકોના વિચારમાં સકારાત્મક ફેરફાર આવશે અને એકબીજા પ્રત્યે લોકો દયાળુ બનશે તેવી તેમણે આશા વ્યક્ત કરી હતી. 

ફિલ્મને લઈને હેમા માલિનીએ કહી આ વાત 
હેમા માલિનીએ પોતાની પોસ્ટમાં લખ્યું કે તેમણે એક દિવસ પહેલા જ આ ફિલ્મ જોઈ અને તેમને અત્યંત પસંદ આવી હતી. તેમના મતે ફિલ્મ સ્પષ્ટપણે સંદેશ આપે છે કે દેશને માનવતા,પરસ્પર સમ્માન અને સદ્ભાવની જરૂર છે. 
 

હેમા માલિનીએ ફિલ્મમાં સની દેઓલ અને શબાના આઝમીના વખાણ કર્યા અને કરણ દેઓલ તેમ જ પ્રીતિ ઝિન્ટાના કાર્યની પણ સરાહના કરી હતી. આ સાથે જ રાજકુમાર સંતોષીના નિર્દેશનના પણ વખાણ કર્યા હતા. હેમા માલિનીએ નિર્માતા આમિર ખાનના પણ વખાણ કરતા કહ્યું હતું કે આવી ફિલ્મ આજના સમયમાં ખૂબ જરૂરી છે. 

'બટવારા 1947' ફિલ્મમાં સની દેઓલ, શબાના આઝમી, કરણ દેઓલ અને પ્રીતિ ઝિન્ટા સિવાય અલી ફઝલ, અભિમન્યુ સિંહ, ખુશી હઝારે, કનીકા કપૂર, વસીમ રાજપૂત અને ઈશા સંધીર જેવા કલાકારોએ મહત્વની ભૂમિકા ભજવી છે. ફિલ્મની કહાની 1947માં ભારતના ભાગલાની પૃષ્ટભૂમિ પર આધારિત છે. 

આ ફિલ્મને અસગર વજાહતના ચર્ચિત નાટક 'જિસ લાહોર નઈ વેખ્યા, ઓ જમ્યા ઈ નઈ' થી પ્રેરિત છે તેવું કહેવામાં આવી રહ્યું છે. આ એક પ્રખ્યાત પંજાબી કહેવત છે, જેનો અર્થ એ છે કે જો તમે લાહોર નથી જોયું તો તમે દુનિયા જોઈ નથી.