Wed Aug 19 2026

Logo

રાષ્ટ્રીય ખેલ પુરસ્કારોની જાહેરાતઃ અર્જુન અવૉર્ડ વિજેતાઓમાં એકેય ક્રિકેટર નથી અને એકેય ખેલાડીને...

2026-08-18 16:37:00
Author: Ajay Motiwala
Article Image

નવી દિલ્હીઃ કેન્દ્રના ખેલકૂદ પ્રધાનમંડળે 2025ના વર્ષ માટે દેશના એક પણ ઍથ્લીટ માટે ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કારની જાહેરાત નથી કરી, જ્યારે 17 ઍથ્લીટના નામ અર્જુન પુરસ્કાર માટે જાહેર કર્યા છે જેમાં એક પણ ક્રિકેટર નથી. છ મહિના પહેલાં સિલેક્શન પૅનલે જે નામોની ભલામણ કરી હતી એના અભૂતપૂર્વ પુનઃમૂલ્યાંકન બાદ નવા નામો જાહેર કરવામાં આવ્યા છે. ડિકેથ્લોન તથા હાઈ જમ્પર તેજસ્વિન શંકર (Tejaswin Shankar), વર્લ્ડ કપ વિજેતા ચેસ ખેલાડી દિવ્યા દેશમુખ, ઍથ્લીટ પ્રિયંકા ગોસ્વામી બૅડમિન્ટન ખેલાડી ગાયત્રી ગોપીચંદ સહિત 17 ખેલાડીઓને અર્જુન પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા છે.

12 વર્ષે ફરી ખેલરત્ન નહીં

હૉકી-સ્ટાર હાર્દિક સિંહને ભારતીય ખેલનો સર્વોચ્ચ ખેલરત્ન પુરસ્કાર આપવામાં આવે એવી ભલામણ સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ અરુણકુમાર મિશ્રાના વડપણ હેઠળની સિલેક્શન પૅનલે કરી હતી, પરંતુ એ નામ રદ કરવામાં આવ્યું હતું. તમામ પુરસ્કારો દર વર્ષે જાહેર કરવામાં આવતા હોય છે, પરંતુ ખેલરત્ન પુરસ્કાર જાહેર ન કરવામાં આવ્યો હોય એવું છેલ્લે 2014માં (12 વર્ષ પહેલાં) બન્યું હતું.

અર્જુન પુરસ્કાર માટે કમિટીએ કુલ 24 નામની ભલામણ કરી હતી જેમાંથી 17 નામ પસંદ કરવામાં આવ્યા છે. 2024ની સાલમાં વિક્રમજનક 32 ઍથ્લીટને અર્જુન પુરસ્કાર (Arjun Award)થી સન્માનિત કરવામાં આવ્યા હતા. ફરી એક વખત એકેય ક્રિકેટરને અર્જુન પુરસ્કાર માટે પસંદ નથી કરવામાં આવ્યો. છેલ્લે 2023માં મોહમ્મદ શમીને આ પુરસ્કાર અપાયો હતો.

અર્જુન પુરસ્કાર વિજેતાઓમાં કોણ-કોણ?

તેજસ્વિન શંકર (ઍથ્લેટિક્સ), મોહમ્મદ અજમલ (ઍથ્લેટિક્સ), પ્રિયંકા ગોસ્વામી (ઍથ્લેટિક્સ), ત્રિશા જૉલી (બૅડમિન્ટન), ગાયત્રી ગોપીચંદ (બૅડમિન્ટન, લેજન્ડ પુલેલા ગોપીચંદની પુત્રી), નરેન્દ્ર (મુક્કાબાજી), વિદિત ગુજરાતી (ચેસ), દિવ્યા દેશમુખ (ચેસ), ધનુષ શ્રીકાંત (દિવ્યાંગોની નિશાનબાજી), લાલરેમસિયામી (હૉકી), રાજકુમાર પાલ (હૉકી), સુજીત (કબડ્ડી), પૂજા (કબડ્ડી), રુદ્રાંશ ખંડેલવાલ (દિવ્યાંગોની નિશાનબાજી), એક્તા ભ્યાન (દિવ્યાંગોની ઍથ્લેટિક્સ), અરવિંદ સિંહ (રોવિંગ) અને અખિલ શેઓરન (નિશાનબાજી).

એકમાત્ર લાઇફટાઇમ પુરસ્કાર કોને?

એકમાત્ર અર્જુન પુરસ્કાર (લાઇફટાઇમ), 2025ની જાહેરાત કરવામાં આવી છે અને એ અવૉર્ડ ભૂતપૂર્વ ફૂટબોલર આઇ. અરુમનાયગમને આપવાની જાહેરાત કરાઈ છે. જે ખેલાડીઓ પછીની પેઢી માટે પ્રેરણારૂપ બન્યા હોય તેમ જ નિવૃત્તિ પછી પોતાના ખેલકૂદ ક્ષેત્રે કોઈને કોઈ રીતે યોગદાન આપ્યું હોય છે. અરુમનાયગમ 1962માં એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર ભારતીય ફૂટબૉલ ટીમના ખેલાડી હતા.

દ્વોણાચાર્ય પુરસ્કારના વિજેતા કોણ?

પ્રશિક્ષક તરીકે ખેલકૂદમાં અસાધારણ યોગદાન આપનાર તેમ જ ઍથ્લીટો-ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય ઇવેન્ટમાં વધુ સારું પર્ફોર્મ કરવા માટેનું સફળ કોચિંગ આપનાર ત્રણ કોચને દ્રોણાચાર્ય પુરસ્કાર આપવામાં આવશે અને એમાં પરવીર સિંહ (ઍથ્લેટિક્સ), છોટે લાલ યાદવ (બૉક્સિંગ) તથા નેહા નંદકુમાર ચવ્હાણ (શૂટિંગ)નો સમાવેશ છે.