- ડૉ. બળવંત જાની
હોલબાઈ ઉચ્ચ ચારણ મૂળ તો પાંચાળ પ્રદેશની નિવાસીની વાંકાનેર, થાન આસપાસમાં એનો ઉછેર થયો. ઘેર થોડો ઘણો ઢોર-માલ. રાજદે માંધવ નામના ચારણ સાથે બાળપણમાં લગ્ન થયા. રાજદે સાથે એની ગાયુ-ભેંસુ સાથે ગીર કાંઠાના સાંકરોળા ગામે નેસડામાં ગૃહસ્થાશ્રમ શરૂ કર્યો. હોલબાઈ નાનપણથી જ ભક્તિના રંગે રંગાયેલા. હરિરસ મોઢે-કપાળમાં મોટો લાલ હિંગળાનો ચાંદલો.
માતા ભવાનીનું નિત્ય સ્મરણ-નામ જાપ. ભારે પવિત્ર હોલબાઈ ભક્તિથી આનંદથી જીવન વ્યતિત કરતાં. બે સંતાનો ભાઈ-બહેન ઉછરે. લાડ પામે. ગાયું-ભેસુંના દુજાણાં-સંતાનો અને બે માણસ પોતે ખાઈ-પીને ભક્તિથી દિવસો પસાર કરતા. આખા નેસમાં રાજદે ચારણ અને હોલબાઈ જુવાનીમાં પણ ડહાપણ, કોઠાસૂઝ અને ભક્તિથી બધાનું પૂછયા ઠેકાણું હતાં.
ગીર કાંઠાનું સાંકરોળા ગામ પણ ભારે સમૃદ્ધ સુખી અને આખા પંથકનું હટાણાનું ગામ હતું. ગામધણી સોખડા વાળો કાઠી પણ પ્રજાને પ્રેમથી રાખે. કોઈને પણ રોવાની-રડવાની મનાઈ. રાજાએ રાજમાં ઢંઢેરો પીટીને કાયદો કહેલો કે ગામમાં કોઈએ રોવાનું નહીં. નાના-મોટા મરણટાંણે પણ કોઈ પોક મૂકીને રડી ન શકે.
કોઈનો સમય એક સરખો તો રહેતો જ નથી. સુખ પછી દુ:ખ આવે જ એ ન્યાયે રાજદે બીમાર પડયો. કંઈ ખાઈ ન શકે. શરીર ગળતુંં રહ્યું. કાયમી ખાટલો આવ્યો. હોલબાઈ અને છોકરાવની સેવા, ચાકરી, નેસના ભાઈબંધોની બેઠક-ઉઠક કારગત ન નીવડી. ત્રણ-ચાર મહિનાની માંદગીમાં એક મધરાતે રાજદેની તબિયત બહુ બગડી. આજુ બાજુ રહેતા બધાં એકઠા થયા. બે-ચાર કલાક માથુ-પગ દબાવે પણ અંતે પ્રાગડ ટાણાં પહેલાં રાજદેએ પ્રાણ છોડયા અને હોલબાઈ માથે આભ ફાટયું.
ચારણબાઈ નાનપણથી હરિરસનું ગાન-એ કવિતો, સ્તુતિઓ અને છંદો પણ મોઢે. દીવો પ્રગટાવીને રાજદેના દેહને ખાટલેથી ઓસરીમાં ગાયનું છાણ લીપીને એમાં સુવડાવીને હૈયાફાદ રૂદન-રોણું રોકી ન શકી. એણે ગાયેલા છ દુહા ચારણી મરશિયા સાહિત્ય પરંપરાનાં બહુમૂલ્ય મોતી છે. એનું રૂદન એનું દુ:ખ એ મરશિયામાંથી પ્રગટે છે એ અવલોકીએ.
ક્યાં જઈ કહેણી કહું, ડુંગર જેવા દુ:ખની
સગા સંસાર સુખની, રાત્યુ વેરણ થઈ રાજદે...1
આભ ફાટયું ઘર લડથડિયું, કાયાએ જડિયું કડિયું
જાય એકેક ઘડિયું, મારું રુદિયું ફાટે રાજદે...2
ઘરબાર વીણા ઘાંઘા થિયાં, ગોઠયું નો ક્યાંય ગોઠે
હોલને હરઘડી હોઠે, રટણું તમણું રાજદે...3
હે રાજદે ચારણ, મારું દુ:ખ ક્યાં જઈને કોને કહું. સંસારના સહુ કોઈ સગા તો સુખના સાથી છે, મારી રાત્રીઓ સુનકાર અને વેરણ થઈ ગઈ છે. હે રાજદે મારું હૈડું ફાટી પડયું છે. મારા માથે આભ ફાટી પડયું છે. મારી કાયા ઉપર ખીલા, કડીઓ-જડાઈ ગયા છે. તારા વગર મારે એક-એક ક્ષ્ાણ વીતાવવી કપરી છે. હે રાજદે મને તમારું જ સતત રટણ છે. ઘરબાર મને હવે ખાવા દોડે છે, અને ક્યાંય ગોઠતું નથી. હોલબાઈને હરઘડી તમારું નામ જ હોઠે આવ્યા કરે છે.
ડુંગરેથી દીધેલ દોટ, દડદડિયાં અમણાં દુ:ખડા
સગા હંધાય સુખના, હેમાળે હાલ્યા હોલના...4
સુખિયો સહુ સંસાર, ભર નિંદરે સુતું ભવન
અમણેં ઉજાગરો અંગાર, હૈયડું ફાટે હોલનું...પ
વહાલુંં બધું વેરણ થિયું, ઘર મેલ્યું ને મેલી ઘરવખરી
કપાળે લખી કાંકરી, હરિની મરજી હોલ ક્યે...6
હોલબાઈ કહે છે કે, હે રાજદે તમારા જવાથી ડુંગરે ઊંચે ચડી ગયેલા અમારા દુ:ખડાઓ દડદડતા દોડીને નીચે આવી પહોંચ્યા. બધા સગાવહાલા તો સુખના હોય છે એ બધા હવે હિમાલય જેટલા છેટાં ચાલ્યા ગયા.
(ક્રમશ:)