મુંબઈ: ઈલાયચીના એક વિજ્ઞાપનને લઈને બોલીવુડના ત્રણ દિગ્ગજ અભિનેતા શાહરૂખ ખાન, અજય દેવગન અને ટાઈગર શ્રોફ કાનૂની મુશ્કેલીમાં ફસાયા છે. મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) દ્વારા આ ત્રણેય કલાકારોને કારણ દર્શાવતી નોટિસ પાઠવવામાં આવી છે. FDA નો આક્ષેપ છે કે આ વિજ્ઞાપન ઈલાયચીના નામે પ્રતિબંધિત પાન મસાલાનું અપ્રત્યક્ષ એટલે કે સરોગેટ પ્રોમોશન કરવામાં આવી છે. આ નોટિસમાં આ ત્રણેય અભિનેતાઓ પાસે જવાબ માંગવામાં આવ્યો છે.
બ્રાન્ડ નેમ અને ડાયલોગ પાન મસાલા તરફ ઈશારો કરે છે?
મહારાષ્ટ્ર FDAના જણાવ્યા અનુસાર, ઓનલાઇન અને અન્ય મીડિયા પ્લેટફોર્મ પર પ્રસારિત થઈ રહેલી આ જાહેરાતમાં ઉપયોગમાં લેવાયેલું બ્રાન્ડ નામ, સંવાદ અને પ્રેઝન્ટેશન સીધી રીતે બ્રાન્ડને પાન મસાલા સાથે જોડે છે. મહારાષ્ટ્ર સરકારના 13 જુલાઈ 2026ના આદેશ અનુસાર રાજ્યમાં પાન મસાલા જેવા સ્વાસ્થ્ય માટે હાનિકારક ઉત્પાદનોના ઉત્પાદન, સંગ્રહ, પરિવહન, વિતરણ અને વેચાણ પર એક વર્ષ માટે સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવેલો છે.
રૂપિયા 10 લાખ સુધીના દંડની જોગવાઈ
FDA દ્વારા પોતાના પત્રમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટેન્ડર્ડ્સ એક્ટ (FSS Act), 2006 ની કલમ 24 અને 53 નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કાયદા હેઠળ ખાદ્ય પદાર્થોને લગતી એવી તમામ જાહેરાતો પર પ્રતિબંધ છે જે ગ્રાહકોને ગેરમાર્ગે દોરતી હોય કે ફૂડ સેફ્ટી લોનું ઉલ્લંઘન કરતી હોય! ભ્રામક કે ગેરમાર્ગે દોરતી જાહેરાતોમાં સામેલ થવા બદલ રૂપિયા 10 લાખ સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે.
FDAએ ત્રણેય અભિનેતાઓ પાસે માંગ્યો જવાબ
નોંધનીય છે કે, FDA દ્વારા અજય દેવગન, શાહરૂખ ખાન અને ટાઈગર શ્રોફને લિખિત નોટિસ મોકલીને આ વિજ્ઞાપનમાં તેમની ભાગીદારી અને પ્રમોશનલ સપોર્ટ અંગે પોતાનો પક્ષ રજૂ કરવા જણાવ્યું છે. આ સાથે ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ તેમની સામે કાનૂની કાર્યવાહી કેમ ન કરવામાં આવે? તેનો પણ જવાબ માંગવામાં આવ્યો છે. હાલમાં બ્રાન્ડ સાથે જોડાયેલી સામગ્રી અને તેમાં સામેલ લોકોની ભૂમિકા કાયદાકીય જોગવાઈઓ મુજબ છે કે નહીં તેની મહારાષ્ટ્ર FDA દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.