સોનીપતઃ જીવનની છેલ્લી ઘડીઓમાં 'ઈન્કમ' કરતા 'ઈમોશન્સ' વધુ મહત્ત્વના હોય છે. પૈસા-સંપત્તિ કરતા સંબંધનું વિશેષ મૂલ્ય જતી હોય છે, ક્યારેક લોહીના સંબંધો કરતા માનવતા વધી જાય છે.એકલતાના પાના પર જ્યારે અજાણ્યા પંથે સવારી કરવાની હોય ત્યારે કેટલીય ક્ષણ જે ફ્લેશબેકમાં જીવેલી હોય એ યાદો જ સથવારે હોય. આવા સમયે કોઈ અંગત વ્યક્તિની હાજરી હોય તો પણ શ્વાસમાં રાહતની હવાથી અત્તરનું પૂમડું સૂંઘ્યું હોય એવો અહેસાસ થાય, પણ ક્યારેક એવું થતું નથી. વાત છે હરિયાણાના સોનીપતની, જ્યાં લોહીના સંબંધોએ શરમસાર કર્યાં પણ માનવીય સંબંધો જીતી ગયા હતા. સોનીપતના શિવચરણ રામરતન ગુપ્તાના અવસાનને 12 દિવસ પૂરા થઈ ગયા હતા. ગીતા મંદિરમાં ખાસ હવન અને પૂજા રાખવામાં આવી હતી, પણ સગી દીકરીઓએ દેખા દીધી નહોતી.
ચોંકાવનારી વાત આ હતી
બારમી પછીની પૂજાવિધિમાં લોકો એમની તસવીર પર પુષ્પાંજલિ આપી રહ્યા હતા ત્યાં આવનારા લોકોને પ્રસાદ આપવામાં આવી રહ્યો હતો. પણ ચોંકાવનારી વાત એ હતી કે, આવા દુઃખદ પ્રસંગે એમના જ ઘરની કોઈ જ વ્યક્તિ નહોતી. માત્ર આસપાસના લોકોએ આ ક્રિયાવિધિ કરી અને પાડોશી-મિત્રોએ એ જવાબદારી નિભાવી હતી, જે પરિવારજનોએ નિભાવવાની હોય. એમના પરિવારની કોઈ જ દીકરી પિતાના અંતિમસંસ્કાર તો શું બારમાની વિધિમાં પણ આવી નહીં, જે દીકરીઓને લાડકોડથી અને વ્હાલના દરિયાથી સિંચી હોય એને વીડિયો કોલમાં પિતાને અંતિમવાર જોયા. એ પછી એમના અગ્નિસંસ્કાર કરી દેવામાં આવ્યા. એટલું જ નહીં, અસ્થિ વિસર્જન વખતે પણ માત્ર વોટ્સએપ ઉપર જ વાતચીત થઈ. હિન્દુ રીત રિવાજ અનુસાર અંતિમક્રિયા પૂરી થઈ ગઈ હતી.આ કાર્યક્રમમાં કેટલીક સામાજિક સંસ્થા સાથે જોડાયેલા લોકો પણ જોડાયા હતા. એના પરિવારમાંથી કોઈ નહોતું અને દીકરી પણ નહોતી.
અસ્થિત વિસર્જન પણ કરી દેવાયા
વૃદ્ધાશ્રમનું સંચાલન કરતા આનંદ કુમારે કહ્યું હતું કે, શિવચરણ ગુપ્તાના અંતિમસંસ્કાર પૂરા થઈ ગયા છે. એની દીકરી સાથે વાતચીત થઈ હતી. તેણે પહેલાથી જ બારમા અને તેરમીની વિધિમાં સામેલ થવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. હવે અંતિમયાત્રાથી લઈને બારમાની વિધિ સુધી દીકરીની ગેરહાજરી ચર્ચાનો વિષય બની છે.
શિવચરણ હરિયાણાના સોનીપતમાં મૂળ કપડાંના વેપારી હતા. એમની ત્રણ દીકરીઓ કોઈ જ અંતિમ વિધિમાં સામેલ થઈ નહીં. મોટા ભાઈ મહેન્દ્ર ગુપ્તાએ અસ્થિ વિસર્જન કર્યું અને ચોંકાવનારી વાત એ છે કે, મહેન્દ્રભાઈને પણ ખબર ન હતી કે, એના મોટા ભાઈ જીવીત હતા અને વૃદ્ધાશ્રમમાં હતા. છેલ્લા દસ વર્ષથી બન્ને વચ્ચે કોઈ પ્રકારના સંબંધ ન હતા કોઈ સંવાદ થતો ન હતો. નેપાળમાં થયેલા ભૂકંપ બાદ શિવચરણનું નિધન થયું હોય એવું પરિવારજનોએ માની લીધું હતું.
આ રીતે હકીકત જાણવા મળી
સોશિયલ મીડિયા પરથી હકીકત જાણવા મળી તો તેઓ સીધા જ હરિદ્વાર અસ્થિ વિસર્જન કરવા માટે પહોંચ્યા હતા. કંઈક તો એવી મજબૂરીઓ હશે કે, દીકરીઓ પિતાના અંતિમ દર્શન માટે પણ આવી નહીં. દીકરીઓએ જ અંતિમસંસ્કાર માટેની જવાબદારી વૃદ્ધાશ્રમના સંચાલકોને સોંપી દીધી હતી. એમના ભાઈ અને બીજા કેટલાક સમાજસેવી લોકોએ મળીને અંતિમસંસ્કાર કર્યા અને વિસર્જન પણ કર્યું. કળયુગમાં કોણ ક્યારે સાથ છોડી દે અને ક્યા કારણોસર સાથ છોડી દે એ જીવનની છેલ્લી ઘડીઓ જાણવું ખૂબ મુશ્કેલ બની જાય છે. ખાસ કરીને જ્યારે અંગત કહેવાતા લોહીના સંબંધીઓ સાત સમંદર પાર રહેતા હોય.