અમદાવાદઃ અમદાવાદમાં તાજેતરના દિવસોમાં અનેક શાળાઓને મળેલી બોમ્બની ધમકીભર્યા ઈમેલ્સ આવ્યાં હતા. જેના કારણે સિટી સ્કૂલ મેનેજમેન્ટ એસોસિએશને શાળા વહીવટકર્તાઓ માટે વિગતવાર સુરક્ષા સલાહ આપી છે. સિટી સ્કૂલ મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા કહેવામાં આવ્યું છે કે, આવી ધમકીઓને આવે તો તેને ગંભીરતાથી લેવી અને સત્વરે સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવા માટે કહેવામાં આવ્યું છે. આ સાથે મેનેજમેન્ટે વિદ્યાર્થીઓ અને સ્ટાફની સલામતી સુનિશ્ચિત કરવા માટે વિગતવાર માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.
સિક્યુરિટી ગાર્ડને ગેટ સુરક્ષાનું કામ સોંપવવા આદેશ
ખાસ કરીને વાત કરવામાં આવે તો, અત્યારે મતદાર યાદીના ખાસ સઘન સુધારાને કારણે મોટાભાગની શાળાઓમાં હાલમાં લોકોની સંખ્યા વધી રહી છે, તેથી શંકાસ્પદ વ્યક્તિઓના પ્રવેશને રોકવા માટે શાળાઓને વધુ સાવધાની રાખવા કહેવામાં આવ્યું છે. આ સાથે વહીવટકર્તાઓને સૂચના આપવામાં આવી છે કે, સિક્યુરિટી ગાર્ડને ગેટ સુરક્ષા સિવાય અન્ય કોઈ કામ સોંપવામાં ન આવે જેથી તેઓ મુલાકાતીઓ પર નજર રાખી શકાય અને શાળા પરિસરને સુરક્ષિત રાખી શકાય.
જે પણ શાળાઓને બોમ્બની ધમકીનો મેઈલ આવે તો પહેલા તાત્કાલિક પોલીસ અથવા સરકારને જાણ કરવા માટે કહેવામાં આવ્યું છે. આ સાથે શાળાઓને આવી સ્થિતિમાં ઈમરજન્સી પ્લાન તૈયાર કરવા માટે અને તમામ સ્ટાફને પણ આ માહિતી આપીને તાલિમ આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. વધુ સૂચનાઓમાં પોલીસ, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ અને નજીકની હોસ્પિટલો જેવી કટોકટી સેવાઓની અપડેટેડ સંપર્કની યાદી રાખવા માટે પણ આદેશ આપવામાં આવ્યો છે.
શહેરની દરેક શાળાઓને અપાયેલા ખાસ નિર્દેશો
- શાળાઓને વધુ સાવચેતી રાખવા કહેવામાં આવ્યું
- હાલ એસઆઈઆરની કામગીરી ચાલતી હોવાથી શાળામાં લોકોની ભીડ વધી હોવાથી સુરક્ષા વધારવી
- સુરક્ષા ગાર્ડને ફક્ત ગેટની જ ડ્યુટી આપવી, જેથી તેઓ શંકાસ્પદ વ્યક્તિઓ પર નજર રાખી શકાય
- કોઈ ધમકી મળે તો તરત જ પોલીસ અને સરકારને જાણ કરી દેવી
- ઇમરજન્સી રિસ્પોન્સ પ્લાન તૈયાર કરી, તમામ સ્ટાફને તાલીમ આપવી
- પોલીસ, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ અને નજીકના હોસ્પિટલના અપડેટેડ કોન્ટેક્ટ લિસ્ટ જાળવવા