Sat Aug 22 2026

Logo

બીએમસી કમિશનરને હવે ફૂટપાથ યાદ આવી! પેડેસ્ટ્રિયન ફસ્ટ્ર’ ઝુંબેશ હેઠળ ફૂટપાથ  ફેરિયા અને અતિક્રમણોથી મુક્ત થશે

2026-08-04 08:36:00
Author: Sapna Desai
Article Image


તમામ ફૂટપાથ પૅવર બ્લોકને બદલે કૉંક્રિટથી બનશે
પહેલા તબક્કામાં ૩૨૦ કિલોમીટર લંબાઈની ફૂટપાથ પરથી અતિક્રમણ હટાવાશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈના ફૂટપાથો પર મોટા પાયા પર ફેરિયાઓએ ગેરકાયદે રીતે અડિંગો જમાવ્યો છે તો અનેક જગ્યાએ મોટા પ્રમાણમાં અતિક્રમણ થઈ ચૂક્યા છે. તેથી મુંબઈગરાને ચાલવા માટે ફૂટપાથો રહી નથી ત્યારે મુંબઈ મહાનગરપાલિકા દ્વારા ‘પેડેસ્ટ્રિયન ફર્સ્ટ’ ઝુંબેશ અમલમાં મૂકવાની છે, જે અંતર્ગત પહેલા તબક્કામાં ૩૨૦ કિલોમીટર લંબાઈની ફૂટપાથ પરથી અતિક્રમણ હટાવવામાં આવશે.  એ સાથે જ પાલિકા કમિશનર અશ્ર્વિની ભીડેએ તમામ વોર્ડમાં ફૂટપાથને પેવર બ્લોકને બદલે એમ-૪૦ ગ્રેડ કૉંક્રિટથી બનાવવાનો નિર્દેશ અધિકારીઓને આપ્યો છે.

‘પેડેસ્ટ્રિયન ફર્સ્ટ’ ઝુંબેશના ભાગરૂપે પાલિકા  બિસમાર હાલતમાં રહેલી ફૂટપાથને નવેસરથી બનાવવાની છે, જેમાં હવે  તમામ વોર્ડ ઓફિસરોને એમ-૪૦ ગ્રેડના કૉંક્રિટનો ઉપયોગ કરીને મંજૂર ધોરણો અનુસાર કડક રીતે નવી ફૂટપાથ બનાવવાનો નિર્દેશ આપ્યો છે. પાલિકાએ પૅવર બ્લોક્સ અને સ્ટેમ્પ્ડ કૉંક્રિટના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. સાથે જ  ચેતવણી આપી છે કે પૉલિસીમાં કોઈ પ્રકારનો ફેરફાર સહન કરવામાં આવશે નહીં. આ પગલાં ચોમાસા દરમ્યાન વૃક્ષો તૂટી પડવાની શ્રેણીબદ્ધ  ઘટનાઓ બાદ અમલમાં મૂકવામાં આવ્યા છે.

પાલિકા પ્રશાસનને તપાસમાં જાણવા મળ્યું કે રસ્તાની બાજુના વૃક્ષોની આસપાસ નાખવામાં આવેલા પેવર બ્લોક્સ અને સ્ટેમ્પ્ડ કૉંક્રિટને કારણે ઝાડના મૂળિયાના વિકાસને પ્રતિબંધિત કર્યો હતો, મૂળિયા નબળા પડવાને કારણે વૃક્ષની સ્થિરતા સાથે ચેડાં થયા હતા, જેના કારણે કેટલાંક તૂટી પડ્યાં હતાં.

પાલિકા કમિશનર અશ્ર્વિની ભીડેએ અધિકારીઓને ફૂટપાથમાં અવરોધ ઊભી કરતી ઝાડની ડાળીઓને વૈજ્ઞાનિક રીતે કાપવા, ગાબડાં, અસમાન સપાટીઓ અને અન્ય તમામ અતિક્રમણ અને અવરોધો દૂર કરવા અને દરેક ફૂટપાથ સલામત, સુલભ અને સંપૂર્ણ રીતે ચાલવા યોગ્ય છે તેની ખાતરી કરવા નિર્દેશ આપ્યો છે.  તેમણે ચેતવણી આપી હતી કે આદેશના અમલમાં કોઈ બેદરકારી જણાઈ તો આકરા પગલાં લેવામાં આવશે.

૩૨૦ કિ.મી. ફૂટપાથ અતિક્રમણ મુક્ત થશે
પાલિકાના આ અભિયાનના પહેલા તબક્કામાં પાલિકા સમગ્ર મુંબઈમાં ૩૨૦ કિ.મી. ફૂટપાથ પરથી અતિક્રમણ હટાવશે. કમિશનરે  વોર્ડ અધિકારીઓને શાળાઓ, હૉસ્પિટલો, રેલવે અને મેટ્રો સ્ટેશનો, બસ ડેપો, બજારો અને અન્ય ઊંચાઈવાળા વિસ્તારોની નજીકના ફૂટપાથ પરથી તમામ અતિક્રમણને તાત્કાલિક દૂર કરવા કહ્યું છે, જેથી રાહદારીઓ  સુરક્ષિત, અવરોધ-મુક્ત અને રાહદારીઓ માટે ચાલવાને સુલભ બની રહે.

કામમાં વિલંબ કરનારા અધિકારી સામે આકરી કાર્યવાહી
કમિશનરે આ અભિયાનને કડક મોનિટરિંગ મિકેનિઝમ હેઠળ મૂક્યું છે. આસિસ્ટન્ટ કમિશનરોને દરરોજ ઝુંબેશની સમીક્ષા કરવા, ડેપ્યુટી કમિશનરોને સાપ્તાહિક ઝોનલ સમીક્ષાઓ કરવા અને એડિશનલ  કમિશનરોને અહેવાલો સબમિટ કરવાનો નિર્દેશ આપ્યો છે. કામમાં વિલંબ અથવા બેદરકારી માટે  ચેતવણી આપતા કમિશનરે  જણાવ્યું હતું કે જવાબદારી નિશ્ર્ચિત કરવામાં આવશે અને નિર્દેશોનો અમલ કરવામાં નિષ્ફળ રહેલા અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.