Sat Sep 05 2026

Logo

ગાંધીધામમાં હત્યાકાંડ: કૌટુંબિક ભાઈની ઓળખ આપનાર પ્રેમીએ જ યુવતીની હત્યા કર્યાનો થયો પર્દાફાશ

2026-08-22 11:35:45
Author: Mayur Patel
ગાંધીધામમાં હત્યાકાંડ: કૌટુંબિક ભાઈની ઓળખ આપનાર પ્રેમીએ જ યુવતીની હત્યા કર્યાનો થયો પર્દાફાશ

ભુજઃ ગાંધીધામ શહેરના ભારતનગર સ્થિત સોનલનગરમાં ભાડાના મકાનમાં એકલી રહીને જ્વેલરી શોરૂમમાં નોકરી કરતી ૨૪ વર્ષીય મીનાક્ષી લાલસિંહ પરિહારની તેના જ બોયફ્રેન્ડે દુપટ્ટા વડે ગળેટૂંપો આપી નૃશંસ હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થયો હતો.

બનાવ અંગે મધ્યપ્રદેશના સિવની જિલ્લામાંથી દોડી આવેલા મૃતકના પિતા લાલસિંહે દીકરીની હત્યા બદલ તેના પ્રેમી ગૌરવ વિરુદ્ધ ગાંધીધામ ‘એ’ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો.

મૂળ મધ્યપ્રદેશની મીનાક્ષી પૂર્વ ગાંધીધામની વિવિધ કંપનીઓમાં નોકરી કર્યા બાદ ગત ૧ ઓગસ્ટથી તનિષ્કના શોરૂમમાં કામ કરતી હતી. ગત ૧૭ ઓગસ્ટથી તે ગાયબ હતી અને તેની સાથે રહેતા ગૌરવ નામના યુવકને તેણે મકાનમાલિક સમક્ષ કૌટુંબિક ભાઈ તરીકે ઓળખાવ્યો હતો. ગૌરવ મંગળવારથી રહસ્યમય રીતે ગાયબ થઈ ગયો હતો.

દરમિયાન, બંધ મકાનમાંથી તીવ્ર દુર્ગંધ આવતાં પોલીસે બારણું તોડી તપાસ કરી હતી. જ્યાં અંદરથી ફર્શ પર ચાદર ઓઢાડેલી અને કોહવાઈ ગયેલી હાલતમાં મીનાક્ષીનો મૃતદેહ મળી આવ્યો હતો. જામનગરમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ દરમિયાન તબીબોએ ગળેટૂંપો આપવાથી મોત થયાનું સ્પષ્ટ કરતાં પોલીસે ફરાર બોયફ્રેન્ડ ગૌરવ સામે હત્યાનો ગુનો નોંધી તેને ઝડપી પાડવા તપાસ તેજ કરી છે. 

(ઉત્સવ વૈદ્ય)