Wed Sep 09 2026

Logo

પૂર્વ કચ્છમાં કાયદો-વ્યવસ્થા સામે સવાલ: અંજારના અજાપરમાં પિસ્તોલની અણીએ ફિલ્મી ઢબે લૂંટ

2026-08-22 11:18:00
Author: Mumbai Samachar Team
પૂર્વ કચ્છમાં કાયદો-વ્યવસ્થા સામે સવાલ: અંજારના અજાપરમાં પિસ્તોલની અણીએ ફિલ્મી ઢબે લૂંટ

પ્રૌઢ પર ગોળીબાર કરી ૩૦ તોલા સોનાની ચેઈન આંચકી મોટરસાઇકલ સવાર ત્રિપુટી ફરાર

ભુજઃ પૂર્વ કચ્છના અંજાર તાલુકાના અજાપર ગામની સીમમાં મોટરસાઇકલ પર આવેલા ત્રણ હિંદીભાષી લૂંટારુઓએ બે રાઉન્ડ ફાયરિંગ કરીને પ્રોઢ પર હુમલો કરી સોનાની ચેઈનની લૂંટ ચલાવતાં ચકચાર મચી ગઇ છે.

કાયદો-વ્યવસ્થા સામે ગંભીર પ્રશ્નાર્થ સર્જનારી આ ઘટનાની વિગતો મુજબ, વરસામેડીમાં શાંતિધામ-૨માં રહેતા ધનજીભાઈ રામજીભાઈ ખાટરિયા (આહીર) (ઉં.વ. ૪૭) પોતાની દીકરીને હોસ્પિટલે મૂકીને બપોરે અજાપર સીમમાં મિત્રને મળવા જઈ રહ્યા હતા. આ વેળાએ અજાપર પુલ નજીક પાછળથી મોટરસાઇકલ પર આવેલા ત્રણ અજાણ્યા શખ્સોએ તેમને ધક્કો મારી નીચે પાડી દીધા હતા.

લૂંટારુઓએ પિસ્તોલ બતાવી હિંદીમાં જાનથી મારી નાખવાની ધમકી આપી હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું અને ધનજીભાઈના ગળામાંથી રૂ.૯૦,૦૦૦ની કિંમતની ૩૦ તોલાની સોનાની ચેઈન આંચકી લીધી હતી. પ્રતિકાર કરતાં આરોપીઓએ ઊંધી પિસ્તોલ માથામાં મારી ઈજા પહોંચાડી હતી તથા પેટના ભાગે ફાયરિંગ કરતાં ગોળીના છરા વાગવાથી ધનજીભાઈ લોહીલુહાણ થઈ ગયા હતા.

બનાવ બાદ લૂંટારુ ત્રિપુટી મોટરસાઇકલ પર કંડલા તરફ ભાગી છૂટી હતી. ઘટનાસ્થળેથી બે ખાલી રાઉન્ડ અને ખોખું મળી આવ્યા છે. 

અંજાર વિસ્તારના પોલીસ ઇન્સ્પેકટર એચ.એ. જાડેજા સહિત પૂર્વ કચ્છ સ્થાનિક ગુનાશોધક શાખાની ટુકડીએ નાકાબંધી કરી લૂંટારુઓને ઝડપી પાડવા તપાસ તેજ કરી છે.

ઉત્સવ વૈદ્ય