Tue Jan 27 2026

Logo

White Logo

'5 વર્કિંગ ડે'ની માંગ સાથે થશે દેશવ્યાપી બેન્ક હડતાળ રાજ્યના 10,000થી વધુ કર્મચારી જોડાશે

3 days ago
Author: Himanshu Chavada
Video

અમદાવાદ: દેશભરની જાહેર અને ખાનગી બેન્કોમાં '5 વર્કિંગ ડે' અમલી બનાવવાની લાંબા સમયથી ચાલી રહેલી માગણી હવે ઉગ્ર બની છે. સરકાર દ્વારા આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત ન કરવામાં આવતા, આગામી 27 જાન્યુઆરીના રોજ દેશવ્યાપી હડતાળનું એલાન આપવામાં આવ્યું છે. 'યુનાઇટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયન' (UFBU) દ્વારા આપવામાં આવેલા હડતાળના એલાનને પગલે બેન્કિંગ સેવાઓ ખોરવાય તેવી શક્યતા છે. નવ યુનિયનોના બનેલા આ સંગઠને સરકાર સામે આરપારની લડાઈ શરૂ કરી છે.

5-ડે વર્કિંગની માગ તેજ

બેન્ક યુનિયનો અને ઇન્ડિયન બેન્ક્સ એસોસિએશન (IBA) વચ્ચે અગાઉ થયેલી સમજૂતી મુજબ મહિનાના તમામ શનિવારે જાહેર રજા રાખવાની વાત કરવામાં આવી હતી. રજાના બદલામાં કર્મચારીઓ સોમવારથી શુક્રવાર દરમિયાન દરરોજ 40 મિનિટ વધુ કામ કરવા તૈયાર થયા હતા. પરંતુ, સરકાર દ્વારા આ સમજૂતીના અમલીકરણમાં વિલંબ કરવામાં આવતા હવે હડતાળનો રસ્તો અપનાવવામાં આવ્યો છે.

27મી જાન્યુઆરીએ આશરે 8 લાખ બેન્ક કર્મચારીઓ અને અધિકારીઓ આ આંદોલનમાં જોડાશે. ગુજરાતના અંદાજે 15,000 કર્મચારીઓ હડતાળ પર ઉતરશે. જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છના 5,500 તેમજ એકલા રાજકોટ શહેરના 1,500 કર્મચારીઓ આ વિરોધ પ્રદર્શનમાં ભાગ લેશે.

ગુજરાત બેન્ક વર્કર્સ યુનિયનના મહામંત્રી જતિન ધોળકિયાએ હડતાળ અંગે મીડિયાને જણાવ્યું હતું કે, હાલમાં ઓનલાઇન અને ડિજિટલ પેમેન્ટના અનેક વિકલ્પો હોવાથી પાંચ દિવસનું સપ્તાહ કરવાથી ગ્રાહક સેવા પર મોટી અસર નહીં પડે. તેમ છતાં, હડતાળને કારણે ગ્રાહકોને પડનારી સંભવિત તકલીફો બદલ યુનિયને દિલગીરી વ્યક્ત કરી છે.