Sat Sep 12 2026

Logo

બદલાપુરમાં સાડી ખરીદી ન આપતાં પતિની કરી હત્યા: પત્નીની ધરપકડ

2026-07-22 17:09:31
Author: Yogesh D. Patel
બદલાપુરમાં સાડી ખરીદી ન આપતાં પતિની કરી હત્યા: પત્નીની ધરપકડ

થાણે: થાણે જિલ્લાના બદલાપુરમાં નવી સાડી ખરીદી ન આપવાને કારણે થયેલા વિવાદમાં પ્રેશર કૂકરથી હુમલો કર્યા બાદ ગળું દબાવીને પતિની હત્યા કરવા બદલ પત્નીની ધરપકડ કરવામાં આવી હતી, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

મૂળ બિહારના રોહતાસ જિલ્લાની વતની સુનિતાદેવી હરેરામ સિંહની મંગળવારે ધરપકડ કરવામાં આવી હતી. પતિ હરેરામ કિશુનજી સિંહ (35)નું આકસ્મિત મૃત્યુ થયું હોવાનું જુઠ્ઠાણું ચલાવીને સુનિતાદેવીએ શરૂઆતમાં પોલીસની દિશાભૂલ કરવાનો પ્રયાસ કર્યો હતો.

બદલાપુરના નિવાસે હરેરામ સિંહ 19 જુલાઇએ હાજર હતો ત્યારે નવી સાડી ખરીદી ન આપવાને કારણે પત્ની સાથે તેનો વિવાદ થયો હતો. આથી રોષે ભરાયેલી પત્નીએ પતિ પર પ્રેશર કૂકરથી હુમલો કર્યો હતો અને બાદમાં તેનું ગળું દબાવી દીધું હતું.

દરમિયાન હરેરામના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યા બાદ સુનિતાદેવીના નિવેદનને આધારે એડીઆર દાખલ કર્યો હતો. જોકે પોસ્ટમોર્ટમના અહેવાલમાં હરેરામનું મૃત્યુ ગળું દબાવવાથી થયું હોવાનું જાણવા મળ્યા બાદ હરેરામના પરિવારના સભ્યો ઉપરાંત મકાનમાલિકની પોલીસે પૂછપરછ કરી હતી, જેમાં તેમણે સુનિતાદેવી પર શઁકા વ્યક્ત કરી હતી.

બદલાપુર ઇસ્ટ પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર નીતિન પાટીલે કહ્યું હતું કે સુનિતાદેવીની પૂછપરછમાં તેણે ગુનાની કબૂલાત કરી હતી, જેને પગલે તેની ધરપકડ કરાઇ હતી. તેને સ્થાનિક અદાલતે 29 જુલાઇ સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી. (પીટીઆઇ)