Mon Oct 05 2026

Logo

કચ્છ પ્રવાસનનો નવો અધ્યાય: વ્હાઇટ ડેઝર્ટ ઉપરાંત હવે ચાર નવા વન્યજીવ જાગૃતિ કેન્દ્રો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે

2026-07-22 18:09:56
Author: Pooja Shah
કચ્છ પ્રવાસનનો નવો અધ્યાય: વ્હાઇટ ડેઝર્ટ ઉપરાંત હવે ચાર નવા વન્યજીવ જાગૃતિ કેન્દ્રો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે

ભુજઃ ભારતનો બીજા નમ્બરનો સૌથી મોટો જિલ્લો અને 'રણ ઉત્સવ' તેમજ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ 'ધોળાવીરા' માટે વિશ્વભરમાં પ્રખ્યાત ભાતીગળ કચ્છ હવે પ્રવાસીઓને માત્ર સફેદ રણ જ નહીં, પરંતુ તેનાથી પણ ઘણું વધુ પૂરું પાડવા માટે તૈયાર થઈ રહ્યું છે. ગુજરાતના સૌથી મોટા પ્રવાસન સ્થળોમાંથી એક એવા કચ્છમાં ઇકો-ટુરિઝમને પ્રોત્સાહન આપવા અને નવો આયામ ઉમેરવાના હેતુથી સમગ્ર જિલ્લામાં ચાર નવા વન્યજીવ જાગૃતિ  કેન્દ્રો વિકસાવવામાં આવી રહ્યા છે.

​રાજ્યના વન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા આ પ્રકલ્પનો મુખ્ય ઉદ્દેશ્ય ઇકો-ટુરિઝમ વધારવાની સાથે સાથે પ્રવાસીઓને કચ્છની અનોખી જૈવવિવિધતા, વન્યજીવન, ભૂસ્તરશાસ્ત્ર અને સાંસ્કૃતિક વારસા વિશે માહિતગાર કરવાનો છે. આ ચાર નવા કેન્દ્રો રોડ ટુ હેવન નજીક આવેલા ત્રાગડી બેટ, કાળો ડુંગર, માતાના મઢ નજીક આવેલા એકલ અને ધોળાવીરા ખાતે તૈયાર કરવામાં આવી રહ્યા છે.

દરેક કેન્દ્રની ડિઝાઇન જે-તે સ્થળના ભૌગોલિક, ઐતિહાસિક અને ઈકોલોજીકલ મહત્વને ધ્યાનમાં રાખીને ચોક્કસ થીમ પર આધારિત બનાવવામાં આવી છે. હાલમાં આ કેન્દ્રોનું નિર્માણ કાર્ય આખરી તબક્કામાં છે અને ઓક્ટોબર માસથી શરૂ થતી આગામી પ્રવાસન મોસમ અગાઉ તેનું લોકાર્પણ કરી દેવામાં આવે તેવી શક્યતા છે.

​આ તમામ સુવિધાઓમાં પ્રવાસીઓને કચ્છના સમૃદ્ધ કુદરતી વારસાને સરળતાથી સમજાવવા માટે ઇન્ટરેક્ટિવ ડિસ્પ્લે પેનલ, ડિજિટલ સ્ક્રીન, કિયોસ્ક, ભીંતચિત્રો અને શૈક્ષણિક પ્રદર્શનો ગોઠવવામાં આવશે. વન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ કેન્દ્રોમાં સ્વયં-સ્પષ્ટ ડિજિટલ સ્ક્રીન દ્વારા મુલાકાતીઓને રણની શિયાળ (ડેઝર્ટ ફોક્સ), ઘોડખર (ઇન્ડિયન વાઇલ્ડ એસ), વરુ, અત્યંત દુર્લભ એવા ખડમોર તથા અનેક પ્રવાસી પક્ષીઓની પ્રજાતિઓ વિશે જાણકારી આપવામાં આવશે. આ ઉપરાંત કચ્છના રણની નિવસનતંત્ર (ડેઝર્ટ ઇકોસિસ્ટમ) અને કુદરતી વારસા અંગેની વિસ્તૃત માહિતી પણ પ્રદર્શિત કરાશે.

​કચ્છના ઉચ્ચ અધિકારીએ વાત કરતા જણાવ્યું હતું કે કચ્છ પાસે રણ, દરિયાકિનારા, ઘાસના મેદાનો, પહાડોથી લઈને અનોખા વન્યજીવ આશ્રયસ્થાનો સુધીની વિપુલ ઇકોલોજીકલ વૈવિધ્યતા છે. આ દેશનું સૌથી મોટું વન્યજીવ અભયારણ્ય અને સૌથી મોટા ઘાસના મેદાનો પૈકીનો એક વિસ્તાર છે. આ જાગૃતિ કેન્દ્રો દ્વારા પ્રવાસીઓ આ અસાધારણ જૈવવિવિધતા વિશે નજીકથી જાણી શકશે." ઇકો-ટુરિઝમને પ્રોત્સાહિત કરવાનો મુખ્ય આશય એ છે કે મુલાકાતીઓ અહીંથી પરત ફરે ત્યારે વન્યજીવ સંરક્ષણ અને પ્રદેશના કુદરતી વારસા પ્રત્યે વધુ આદર અને જાગૃતિ લઈને જાય તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.