Wed Jul 22 2026

Logo

ISROના એ સેટેલાઈટ ફોટોએ ઉડાડી ઊંઘ, આગામી પાંચ દિવસ આ રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી જાણો મુંબઈ-મહારાષ્ટ્રની સ્થિતિ

2026-07-22 14:52:45
Author: Darshana Visaria
Article Image

મુંબઈ: આગામી દિવસોમાં ચોમાસું દેશભરમાં ધમરોળવા જઈ રહ્યું છે. ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO)ના INSAT-3DR સેટેલાઇટ દ્વારા લેવાયેલી તસવીરોમાં જોવા મળ્યું છે કે ભારતનો અંદાજે 70 ટકા ભાગ અત્યંત ઠંડા, ઊંચા અને ઘટ્ટ વાદળોથી ઘેરાઈ ગયો છે. જૂન મહિનામાં પડેલા વિરામ બાદ જુલાઈના મધ્યમાં ચોમાસું પૂરઝડપે સક્રિય થયું છે. હવામાન વિભાગ આઈએમડી દ્વારા 22મી જુલાઈએ દેશના 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન શાસ્ત્રીઓના જણાવ્યા અનુસાર, અરબી સમુદ્ર અને બંગાળની ખાડી બંને તરફથી ભેજવાળા પવનોનો ભારે પ્રવાહ શરૂ થયો છે. જેના કારણે ચોમાસાનો એક નવો અને અત્યંત સક્રિય તબક્કો શરૂ થયો છે. આગામી દિવસોમાં ગાજવીજ સાથે મુસળધારથી અતિ મુસળધાર વરસાદ પડવાની શક્યતા છે.

મહારાષ્ટ્ર અને મુંબઈમાં કેવું રહેશે હવામાન?

મુંબઈ અને મહારાષ્ટ્રની વાત કરીએ તો એ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડે તેવી શક્યતા છે. થાણે, રાયગઢ અને પાલઘર આ વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ જારી કરીને અત્યંત ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. સિંધુદુર્ગ, કોલ્હાપુર, અહમદનગર અને સાંગલીમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

ઉત્તર-પશ્ચિમ ભારતના જમ્મુ-કાશ્મીર અને લડાખમાં 24મી જુલાઈ સુધી, જ્યારે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં 26મી જુલાઈ સુધી ભારે વરસાદનું એલર્ટ છે. પંજાબ, હરિયાણા, દિલ્હી અને પૂર્વ ઉત્તર પ્રદેશમાં 23મી જુલાઈ સુધી જ્યારે પૂર્વ રાજસ્થાનમાં 23થી 26મી જુલાઈ દરમિયાન વરસાદનું જોર વધશે.

છત્તીસગઢ, પૂર્વ મધ્યપ્રદેશ અને વિદર્ભમાં 26મી જુલાઈ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં પણ ભારે વરસાદની શક્યતા છે. જ્યારે ઉત્તર-પૂર્વ ભારતમાં આસામ, મેઘાલય અને અરુણાચલ પ્રદેશમાં સતત ધોધમાર વરસાદ ચાલુ રહેશે. વાત કરીએ દક્ષિણ ભારતની તો ત્યાં કેરળ, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તામિલનાડુમાં વરસાદનું જોર પ્રમાણમાં ઓછું રહેશે અને માત્ર છૂટોછવાયો વરસાદ જોવા મળશે.