Wed Jul 22 2026

Logo

જૂહુથી ગુમ આઠ વર્ષના બાળકનું ત્રણ વર્ષે પરિવાર સાથે મિલન

2026-07-22 18:10:43
Author: Yogesh C. Patel
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: જૂહુ ચોપાટીથી ગુમ થઈ ગયેલા આઠ વર્ષના બાળકનું પોલીસના અથાક પ્રયાસો પછી ત્રણ વર્ષે પરિવાર સાથે મિલન શક્ય બન્યું હતું.પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ જૂહુ પોલીસને 2023માં અનિશ ખાન (8) ચોપાટી પર એકલો ફરતો મળી આવ્યો હતો. બાળકની પૂછપરછને આધારે પોલીસે તેના વડીલોની શોધ હાથ ધરી હતી. બાળકના પરિવારજનોની કોઈ ભાળ ન મળતાં જૂહુ પોલીસે 21 ઑક્ટોબર, 2023ના રોજ તેને અંધેરીના સ્નેહસદન અનાથાલયમાં ભરતી કરાવ્યો હતો. જોકે બીજે દિવસે બાળક કોઈનેય જાણ કર્યા વિના અનાથાશ્રમમાંથી જતો રહ્યો હતો. પરિણામે ત્યાંની મહિલા કર્મચારીએ એમઆઈડીસી પોલીસમાં બાળકના ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી.

આ પ્રકરણે એમઆઈડીસી પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. બાળકના વડીલો અને રહેઠાણની કોઈ વિગતો ન હોવાથી બાળકને શોધવામાં મુશ્કેલી પડી રહી હતી. પરિણામે એમઆઈડીસી પોલીસ સ્ટેશનના અધિકારીઓની એક ટીમ બનાવી બાળક માટે સર્ચ ઑપરેશન હાથ ધરાયું હતું.સીસીટીએનએસ અને આઈસીજીએસ પોર્ટલ પર ભારતભરના ગુમ આઠથી 13 વર્ષના બાળકોની વિગતો ચકાસવામાં આવી હતી. એ સિવાય અનાથાશ્રમ, બાળસુધારગૃહમાં રાખવામાં આવેલા આ જ વયજૂથનાં બાળકોની માહિતી તપાસવામાં આવી. ચાઈલ્ડ હેલ્પલાઈન પર આવેલા કૉલ્સની પણ જાણકારી મેળવાઈ હતી.

મુંબઈ અને ઉપનગરોના અનાથાશ્રમમાં તપાસ દરમિયાન તાજેતરમાં માટુંગાના બાળસુધારગૃહમાં 2023થી રાખવામાં આવેલા બાળકની વિગતો તપાસવામાં આવી હતી. જોકે એ બાળકનું નામ અમન શેખ હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે ત્રણ વર્ષ અગાઉની અનિશની તસવીર સાથે અમનના ચહેરાને સરખાવતાં માત્ર નામ અલગ હોવાની ખાતરી થઈ હતી.અનિશ જ માટુંગાના બાળસુધારગૃહમાં અમનના નામે રહેતો હતો. દરમિયાન બીજી ટીમે તેની ફુઈ મલાડના માલવણી વિસ્તારમાં રહેતી હોવાનું શોધી કાઢ્યું હતું. બધી બાબતોની ખાતરી કર્યા પછી બાળકને તેના વડીલોના તાબામાં સોંપાયો હતો, એમ વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.