સાંધારા: કચ્છના ભાતીગળ બન્ની પ્રદેશના સાંધારા ગામમાં કોલસા બનાવી ગુજરાન ચલાવતા એક ગરીબ શ્રમિક પરિવારમાં અચાનક વકરેલી રહસ્યમય બીમારીના લીધે ૮ અને ૧૨ વર્ષના બે સગા ભાઈઓનાં મોત નીપજતાં સમગ્ર પંથકમાં ભારે ગમગીની અને ભયનો માહોલ છવાઈ ગયો છે. આ દુર્ઘટનામાં પરિવારના અન્ય 6 સભ્યો ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ છે. પ્રાથમિક તપાસમાં આરોગ્ય તંત્ર દ્વારા આ રોગ વાયરલ એન્કેફ્લાઇટિસ એટલે કે મગજનો તાવ હોવાની પ્રબળ આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
અચાનક સભ્યોની તબિયત લથડી હતી
આ અંગે મળતી સત્તાવાર વિગતો મુજબ, સાંધારા ગામની સીમમાં રહેતા માતા-પિતા અને ૭ સંતાનો સહિત ૯ સભ્યોના પરિવારમાં ગત તા. ૨૩ અને ૨૪ સપ્ટેમ્બરના રોજ અચાનક સભ્યોની તબિયત લથડી હતી. તમામ દર્દીઓમાં તીવ્ર માથાનો દુખાવો, ઊંચો તાવ અને સતત ઊલટી જેવાં ગંભીર લક્ષણો જોવા મળ્યાં હતાં. દરમિયાન તા. ૨૫ સપ્ટેમ્બરના રોજ ૮ વર્ષીય માસૂમ બાળકનું ઘરે જ મોત નીપજ્યું હતું, જ્યારે તેના ૧૨ વર્ષીય મોટા ભાઈએ ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. જોકે, બંને બાળકોનું પોસ્ટમોર્ટમ કરાવ્યા વિના જ પરિવારે અંતિમવિધિ કરી દીધી હોવાથી મોતના સત્તાવાર ક્લિનિકલ કારણ પર હજુ રહસ્ય અકબંધ છે.
પરિવારના 6 સભ્યો સારવાર હેઠળ
આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ જિલ્લા આરોગ્ય વિભાગ અને જી.કે. જનરલ હોસ્પિટલની તબીબી ટીમોએ સાંધારા ગામે દોડી જઈ સ્થળ તપાસ હાથ ધરી હતી. જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડૉ. કેશવ કુમારના જણાવ્યા અનુસાર, દર્દીઓના સીરમ, બ્લડ તેમજ અન્ય સેમ્પલ્સ એકત્ર કરી ગાંધીનગર સ્થિત ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર ખાતે મોકલવામાં આવ્યા છે. બીજી તરફ, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ઘરમાંથી રસોઈ માટે વપરાતા ખાદ્ય તેલ અને ભોજનના સેમ્પલ લઈને ફૂડ પોઇઝનિંગ કે ઝેરી તત્વોની શક્યતા ચકાસવા લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. હાલ પરિવારના 6 સભ્યો સારવાર હેઠળ છે, જ્યારે એક સભ્ય સ્વસ્થ હોવાનું સામે આવ્યું છે.
વર્ષ 2024માં લખપત અને અબડાસા પંથકમાં આવી બીમારી જોવા મળી હતી
નોંધનીય છે કે, આ અગાઉ વર્ષ 2024માં લખપત અને અબડાસા પંથકમાં અજ્ઞાત તાવના કારણે ૨૦થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. અમદાવાદ બી.જે. મેડિકલ કોલેજના તબીબી વિશ્લેષણ મુજબ, આવા ગંભીર કિસ્સાઓમાં દર્દીના હૃદયની દીવાલ પર સોજો (માયોકાર્ડિટિસ), સ્નાયુઓ ડેમેજ થવા, બ્લડ પ્રેશર અત્યંત ઘટી જવું (હાયપોટેન્શન), ફેફસાંમાં પલ્મોનરી ફાઈબ્રોસિસ અને લોહીમાં પ્લેટલેટ્સ ઘટવા જેવાં જટિલ લક્ષણો જોવા મળે છે.
નાગરિકોને તકેદારી રાખવા અપીલ
આગામી નવરાત્રિ અને તહેવારોની ભીડભાડને ધ્યાને રાખીને તબીબોએ નાગરિકોને શરદી, ખાંસી, તાવ કે શ્વાસ લેવામાં તકલીફ જણાય તો ઘરગથ્થુ ઉપચાર કરવાને બદલે તાત્કાલિક તબીબી સારવાર લેવા અને સ્વાઇન ફ્લૂ જેવા ચેપી રોગોથી બચવા માસ્ક તેમજ આઇસોલેશનની તકેદારી રાખવા અનુરોધ કર્યો છે.
(ઉત્સવ વૈધ)