Mon Oct 05 2026

Logo

રાજકોટમાં 19 વર્ષથી ચાલી આવતી અનોખી પરંપરાઃ માથે સળગતી ઈંઢોણી અને હાથમાં મશાલ સાથે દીકરીઓનો રોમાંચક રાસ

2026-10-01 18:27:57
Author: Mumbai Samachar Team
રાજકોટમાં 19 વર્ષથી ચાલી આવતી અનોખી પરંપરાઃ માથે સળગતી ઈંઢોણી અને હાથમાં મશાલ સાથે દીકરીઓનો રોમાંચક રાસ

રાજકોટઃ રાજકોટમાં નવરાત્રી પર્વ દરમિયાન અર્વાચીન ગરબા અને ડીજેના તાલ વચ્ચે શહેરના અનેક વિસ્તારોમાં પ્રાચીન સંસ્કૃતિ અને પરંપરાની અનોખી ઝલક જોવા મળે છે. આવી જ એક પરંપરા છેલ્લા 19 વર્ષથી મવડી ચોક ખાતે શ્રી બજરંગ ગરબી મંડળ દ્વારા જાળવી રાખવામાં આવી છે. અહીં નવરાત્રીના 3, 6 અને 9 નોરતે યોજાતો ‘સળગતી ઈંઢોણી અને મશાલ રાસ’ આકર્ષણનું કેન્દ્ર બને છે.

મવડી ચોક ખાતે યોજાતા આ રાસને નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. માથે સળગતી ઈંઢોણી, હાથમાં સળગતી મશાલ અને માથા પર સળગતો ગરબો રાખીને દીકરીઓ જ્યારે તાલબદ્ધ રીતે ગરબે ઘૂમે છે ત્યારે સમગ્ર વાતાવરણ ભક્તિ અને રોમાંચથી ભરાઈ જાય છે. આ રાસમાં પસંદગી પામેલી દીકરીઓ મસ્તક પર સળગતી ઈંઢોણી રાખે છે. ઈંઢોણીમાં સળગતું કપડું અને તેલ હોય છે. આ ઉપરાંત બંને હાથમાં સળગતી મશાલ સાથે દીકરીઓ ગરબે રમે છે. આશરે 20 મિનિટ સુધી ચાલતા આ રાસ દરમિયાન અગ્નિ સાથે સંતુલન જાળવીને તાલબદ્ધ નૃત્ય કરવામાં આવે છે.

રાસ દરમિયાન ‘જલતો જલતો જાય, આજે માનો ગરબો જલતો જાય...’ જેવા ગરબાના ગીતોથી મવડી ચોકનું વાતાવરણ ગુંજી ઊઠે છે. અગ્નિની જ્વાળાઓ વચ્ચે દીકરીઓની આ રજૂઆત જોતા ઉપસ્થિત લોકોમાં રોમાંચ સાથે ભક્તિભાવનો માહોલ જોવા મળે છે. આ રાસ માત્ર રજૂઆત નહીં પરંતુ શ્રદ્ધા સાથે કઠોર તાલીમનું પરિણામ હોવાનું આયોજકો જણાવે છે. નવરાત્રી પહેલાં 12 દીકરીઓની પસંદગી કરવામાં આવે છે અને તેમને અગ્નિ સાથે સંતુલન જાળવવા માટે વિશેષ પ્રેક્ટિસ કરાવવામાં આવે છે. ત્યારબાદ 6-6 દીકરીઓની બે ટીમ બનાવીને રાસની રજૂઆત કરવામાં આવે છે.

રાસમાં ભાગ લેનારી દીકરીઓના જણાવ્યા મુજબ, રાસ દરમિયાન તેમને ડરનો અનુભવ થતો નથી અને માતાજી પ્રત્યેની શ્રદ્ધા તેમને આત્મવિશ્વાસ આપે છે. અગ્નિ સાથે યોજાતા આ રાસને લઈને સુરક્ષાની પણ ખાસ કાળજી રાખવામાં આવે છે. આયોજકો દ્વારા સ્થળ પર ફાયર સેફ્ટીના સાધનો, પાણી અને રેતીની વ્યવસ્થા રાખવામાં આવે છે. સાથે જ આશરે 50 જેટલા સ્વયંસેવકો અને કાર્યકરો સમગ્ર કાર્યક્રમ દરમિયાન સતત તૈનાત રહે છે.

આયોજકોના જણાવ્યા મુજબ રાસ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે દીકરીઓની આસપાસ સતત નજર રાખવામાં આવે છે અને જરૂરી સમયે તાત્કાલિક મદદ મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે આધુનિક નવરાત્રીના રંગ વચ્ચે મવડી ચોક ખાતે છેલ્લા 19 વર્ષથી જળવાઈ રહેલી આ પરંપરા રાજકોટની સાંસ્કૃતિક ઓળખને આગવી રીતે ઉજાગર કરે છે. શ્રદ્ધા, સાહસ અને પરંપરાના સંગમ સમાન આ રાસને નિહાળવા દર વર્ષે મોટી સંખ્યામાં લોકો ઉમટે છે.