મુંબઈ: બાબાજી દાતે મહિલા સહકારી બૅન્કના 242 કરોડ રૂપિયાના ફ્રોડ અને મની લૉન્ડરિંગ પ્રકરણમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઈડી)ના મુંબઈ ઝોનના અધિકારીઓએ યવતમાળમાં નવ અલગ અલગ સ્થળે સર્ચ ઑપરેશન હાથ ધર્યું હતું.
યવતમાળના અવધુતવાડી પોલીસ સ્ટેશનમાં બાબાજી દાતે મહિલા સહકારી બૅન્કના અધિકારીઓ-કર્મચારીઓ અને લોન લેનારાઓ વિરુદ્ધ નોંધાયેલા અનેક એફઆઈઆરને આધારે ઈડી મની લોન્ડરિંગની તપાસ કરી રહી છે.
બાબાજી દાતે મહિલા સહકારી બૅન્ક લિમિટેડ, યવતમાળ મૂળમાં મહારાષ્ટ્ર કો-ઓપ સોસાયટીઝ ઍક્ટ, 1960ની કલમ 9(1) હેઠળ નોંધાયેલી હતી. આરબીઆઈ દ્વારા 2022માં બૅન્કનું લાઈસન્સ રદ કરવામાં આવ્યું હતું.
ફ્રોડ અને ડિપોઝિટર્સનાં નાણાંનો ખોટી રીતે ઉપયોગ કરવા સંબંધી અનેક ફરિયાદોના આધાર પર રાજ્ય સરકાર દ્વારા સ્પેશિયલ ઓડિટનો આદેશ આપવામાં આવ્યો હતો. ઓડિટમાં જણાયું હતું કે સીઈઓ, ચૅરમૅન, ડિરેક્ટરો અને બૅન્ક અધિકારીઓએ કરજદારો, વેલ્યૂઅર્સ અને ઓડિટર્સ સાથે સાઠગાંઠ કરીને યોગ્ય જામીન અને પુન:ચુકવણીની ક્ષમતાની પૂરતી આકારણી વિના લોન આપી હતી અને આ લોન ભંડોળને પછીથી બૅન્કના બાય-લૉઝ/નીતિ અને આરબીઆઈની માર્ગદર્શિકાથી વિપરીત ઉદ્દેશ માટે ઉપયોગમાં લેવાયું હતું.
તપાસમાં એવું પણ જણાયું હતું કે ચૅરપર્સન અને બૅન્ક અધિકારીઓએ લોન લાભાર્થીઓ સાથે મળીને 242 કરોડ રૂપિયાનું ફ્રોડ કર્યું હતું.
ઈડીની તપાસમાં આ કથિત છેતરપિંડીમાં બૅન્ક અધિકારીઓ અને કરજદારોની સાઠગાંઠનો ખુલાસો થયો હતો. તપાસમાં એવું પણ જણાયું હતું કે કરજદારો લેવામાં આવેલા લોન ભંડોળની ઉચાપત વ્યક્તિગત ઉપયોગ માટે કરાઈ હતી. લોનની રકમ બૅન્ક અધિકારીઓનાં ખાતાંમાં ટ્રાન્સફર કરાઈ હતી. આ પ્રકરણે વધુ તપાસ કરવામાં આવી રહી હોવાનું ઈડીનું કહેવું છે.