એલઆઈસી પૉલિસીને બહાને આસનગાંવના ફ્લૅટમાં બોલાવી: આરોપીએ પોતાને વારસદાર દર્શાવતી વસિયતમાં જબરદસ્તી સાઈન પણ કરાવી
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: કલ્યાણ નજીક રહેતી અપરિણીત શિક્ષિકાની મિલકત હડપ કરવા માટે આરોપીઓએ એલઆઈસી પૉલિસી કઢાવવાને બહાને આસનગાંવના ફ્લૅટમાં બોલાવી તેની કથિત હત્યા કરી હતી. ફ્લૅટમાં મારપીટ કરીને શિક્ષિકા પાસે એક વસિયત પર સાઈન પણ કરાવવામાં આવી હતી.થાણે ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-3ના અધિકારીઓએ પકડી પાડેલા આરોપીઓની ઓળખ દિગંબર ભાગુજી આવ્હાડ (48) અને તુષાર મુરલીધર રત્નપારખી (52) તરીકે થઈ હતી. મહિલાની હત્યાનો કેસ નાશિક ગ્રામીણના વાડીવરે પોલીસ સ્ટેશનમાં નોંધાયો હોવાથી વધુ કાર્યવાહી માટે આરોપીઓને વાડીવરે પોલીસને સોંપાયા હતા.
પોલીસના જણાવ્યા મુજબ કલ્યાણ નજીકના મોહને આંબિવલી ખાતે રહેતી સંગીતા ચંદનશિવે (53) કોલસેવાડીની શાળામાં શિક્ષિકા હતી. અપરિણીત સંગીતા એલઆઈસી એજન્ટ તરીકે પણ કામ કરતી હતી. પૉલિસીના કામકાજ સંદર્ભે શાહપુર જઈ રહી હોવાનું કહીને સંગીતા 14 જુલાઈએ ઘરેથી નીકળ્યા પછી પાછી ફરી નહોતી. પરિણામે બીજે દિવસે તેના ભાઈએ કોલસેવાડી પોલીસ સ્ટેશનમાં મિસિંગની ફરિયાદ નોંધાવી હતી.
સંગીતાના કોઈ સગડ ન મળતાં અને મોબાઈલ પણ સ્વિચ ઑફ્ફ હોવાથી ક્રાઈમ બ્રાન્ચે સમાંતર તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન અધિકારીને જાણવા મળ્યું હતું કે 16 જુલાઈએ વાડીવરે પોલીસને સિન્નર-ઘોટી રોડ પર નાશિક નજીક એક મેડિકલ કૉલેજ સામેથી સંગીતાનો મૃતદેહ મળી આવ્યો હતો. નાક-મોં દબાવી ગૂંગળાવીને તેની હત્યા કરવામાં આવી હતી.સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ અને મળેલી માહિતીને આધારે પોલીસ આસનગાંવમાં ભાડેના ફ્લૅટમાં રહેતા માસ્ટરમાઈન્ડ દિગંબર આવ્હાડ સુધી પહોંચી હતી. આવ્હાડની પૂછપરછ પછી પોલીસે તેના સાથી રત્નપારખીને પણ તાબામાં લીધો હતો. બન્નેએ તેમના બે સાથી સંતોષ જાધવ અને વિનોદ પાંડે સાથે મળીને શિક્ષિકાની હત્યા કર્યાનું કબૂલ્યું હતું.
પૉલિસી કઢાવવાને બહાને આવ્હાડે સંગીતાને પોતાના ફ્લૅટમાં બોલાવી હતી. મારપીટ પછી જબરદસ્તી એક વસિયત પર તેના હસ્તાક્ષર કરાવવામાં આવ્યા હતા. સંગીતાની મિલકતના વારસદાર તરીકે આવ્હાડ અને રત્નપારખીનાં નામ વસિયતમાં હતાં, જેથી તેના મૃત્યુ પછી મિલકત આવ્હાડ અને રત્નપારખીની થવાની હતી. હત્યા પછી કારમાં મૃતદેહ નાશિક લઈ જવાયો હતો અને રસ્તાને કિનારે ફેંકી દેવામાં આવ્યો હતો.