નાશિક: ટાટા ક્ધસલટન્સી સર્વિસીસ (ટીસીએસ)ના નાશિક યુનિટમાં જાતીય સતામણીના કેસમાં ધરપકડ કરાયેલી પીઓએસએચ સમિતિની સભ્ય અશ્ર્વિની ચૈનાનીના સ્થાનિક કોર્ટે જામીન મંજૂર કર્યા હતા. કોર્ટે નોંધ્યું હતું કે પીડિતાની ફરિયાદ પર ધ્યાન ન આપવાની તેની એકમાત્ર ભૂમિકા હતી.
આ કેસમાં એપ્રિલ, 2016ના બીજા સપ્તાહે અશ્ર્વિની ચૈનાની ધરપકડ કરવામાં આવી હતી અને મંગળવારે જામીન આદેશ જારી કરાયો હતો. એડિશનલ સેશન્સ જજ અમિત ખારકરે જણાવ્યું હતું કે પ્રિવેન્શન ઓફ સેકસ્યુઅલ હેરેસમેન્ટ (પીઓએસએચ) એક્ટ હેઠળ રચાયેલી સમિતિની સભ્ય તરીકે ચૈનાની ફરિયાદ પર કાર્યવાહી કરવા બંધાયેલી હતી. જોકે આમ કરવામાં તેની નિષ્ફળતાને કારણે સહ-આરોપીની હિંમત વધી. પીડિતાએ ફરિયાદ સાથે ચૈનાનીનો કઇ તારીખે સંપર્ક સાધ્યો હતો તે સ્પષ્ટ નથી, એમ પણ કોર્ટે નોંધ્યું હતું.
જામીન અરજીની સુનાવણી દરમિયાન ચૈનાનીના વકીલે જણાવ્યું હતું કે પીડિતાએ તેને ક્યારેય ઔપચારિક લેખિત ફરિયાદ કરી નથી કે ઇમેઇલ મોકલ્યો નથી. ચૈનાની પુણેની ઓફિસમાં કામ કરતી હતી અને સમયાંતરે નાશિકની ઓફિસની મુલાકાત લેતી હતી. આથી તે સહ-આરોપીની રોજિંદી પ્રવૃત્તિઓમાં સીધી સંડોવાયેલી નહોતી.
નોંધનીય છે કે નાશિકના મુંબઈ નાકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એફઆઇઆરમાં પીડિતાની સહ-આરોપી રઝા મેનન દ્વારા જાતીય સતામણી કરાઇ હોવાનો આરોપ કરાયો હતો. દરમિયાન કોર્ટે ટીસીએસના ભૂતપૂર્વ કર્મચારી દાનિશ શેખના પણ જામીન મંજૂર કર્યા હતા, જેની મુંબઈ નાકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અન્ય સંબંધિત કેસમાં ધરપકડ કરાઇ હતી. જોકે દેવલાલી પોલીસ સ્ટેશનમાં દાખલ અન્ય કેસમાં તે જુડિશિયલ કસ્ટડીમાં રહેશે. (પીટીઆઇ)