મુંબઈ લોકલ રેલવે નેટવર્ક પર અકસ્માતો અટકાવવા GRP અને RPF દ્વારા 'જીવન રક્ષા અભિયાન' યોજાયું
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ સબર્બન રેલવેમાં વધતા અકસ્માતો અને બિનજરુરી વાદવિવાદોને નિયંત્રિત કરવા માટે રેલવે પ્રશાસન દ્વારા જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ઉપનગરીય રેલવે નેટવર્ક પર અકસ્માત મૃત્યુની ઘટનાઓ ઘટાડવા માટે આજે પશ્ચિમ રેલ્વેના ચર્ચગેટ સ્ટેશન પર એક ખાસ જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં 'યમરાજ'ની વેશભૂષામાં પ્રવાસીઓની જનજાગૃતિ કરવામાં આવી હતી. તે જ દિવસે, ગવર્મેન્ટ રેલવે પોલીસ (GRP) અને રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)એ મધ્ય રેલવેના CSMT અને સેન્ડહર્સ્ટ રોડ સ્ટેશનો પર 'જીવન રક્ષા અભિયાન' (જીવન બચાવો અભિયાન) હાથ ધર્યું હતું, જેમાં મુસાફરોને સલામત મુસાફરી પદ્ધતિઓ વિશે માહિતી હતી.
અધિકારીઓએ 'યમરાજ'ની સાથે કરી વાત
ચર્ચગેટ સ્ટેશન પર પશ્ચિમ રેલ્વે GRP અને RPF ના અધિકારીઓએ 'યમરાજ'ની સાથે મુસાફરો સાથે વાતચીત કરી હતી. મુસાફરોને રેલવેના ટ્રેક ઓળંગવા નહીં, શોર્ટકટ લેવા જીવ જોખમમાં ન મૂકવા અને ફક્ત ફૂટ-ઓવર-બ્રિજ અથવા સબવેનો ઉપયોગ કરવાની વિનંતી કરવામાં આવી હતી. 'યમરાજ' દ્વારા આપવામાં અપાયેલા આ સંદેશે મુસાફરોનું ધ્યાન સફળતાપૂર્વક ખેંચ્યું હતું.
મધ્ય રેલવેના CSMT રેલ્વે પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્રમાં, 'જીવન રક્ષા અભિયાન' (જીવન સુરક્ષા અભિયાન) અને 'વિવાદમુક્ત રેલવે પ્રવાસ' (વિવાદ મુક્ત રેલ્વે મુસાફરી) પહેલ સવારે 10:15 વાગ્યાથી બપોરે 12:20 વાગ્યા સુધી લાગુ કરવામાં આવી હતી. આ અભિયાન CSMT સ્ટેશનના જનરલ હોલમાં, પ્લેટફોર્મ 3 અને 4 પર, ટ્રેક ક્રોસિંગ પોઈન્ટ અને સેન્ડહર્સ્ટ રોડ સ્ટેશનના પ્લેટફોર્મ 1 અને 2 પર અને ચાલતી લોકલ ટ્રેનોની અંદર આયોજિત કરાયા હતા.
રેલવેએ પ્રવાસીઓને સાવધ રાખવાનો મંત્ર
આ પહેલ દરમિયાન બેનરો, પોસ્ટરો અને સલામતી સંબંધિત પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. વધુમાં, "રેલવે ટ્રેક ઓળંગશો નહીં; તમારા જીવનને જોખમમાં ન મૂકો," "વધુ પડતી ઉતાવળ જોખમ તરફ દોરી જાય છે," "અકસ્માત અટકાવવા માટે રેલવેના નિયમોનું પાલન કરો," "રેલ્વે ટ્રેક ઓળંગવું એ કાયદેસર ગુનો છે," "માત્ર સમય બચાવવા માટે તમારા જીવનને ગુમાવશો નહીં," "ચાલતી લોકલ ટ્રેન અટકશે નહીં - તમારે જ રોકાવું પડશે," અને "ઇયરફોન પહેરીને રેલવે પરિસરમાં ફરશો નહીં" જેવા સૂત્રો સાથે મેગાફોન દ્વારા કરાયેલી જાહેરાતોના માધ્યમથી મુસાફરોમાં સલામતી અંગે જાગૃતિ લાવવામાં આવી હતી.
અભિયાનમાં 500થી વધુ મુસાફરો લીધો ભાગ
આ ઝુંબેશમાં RPF ઇન્સ્પેક્ટર અને ત્રણ RPF કોન્સ્ટેબલ સહિત રેલવે પોલીસના ત્રણ અધિકારીઓ અને 35 કર્મચારીઓએ ભાગ લીધો હતો. આ જાગૃતિ અભિયાનમાં આશરે 500થી 600 મુસાફરોએ ભાગ લીધો હતો. રેલવે પ્રશાસને આપેલી માહિતી અનુસાર, આ ઝુંબેશને પ્રવાસીઓનો બહોળો પ્રતિસાદ મળ્યો છે અને રેલવેમાં થતાં અકસ્માતોને રોકવા માટે ભવિષ્યમાં આવી જાગૃતિ પહેલ ચાલુ રહેશે.