Wed Jul 22 2026

Logo

પશ્ચિમ રેલવે સામે મોટો પડકાર: ચર્ચગેટ-વિરાર કોરિડોર પરથી 9,500 અતિક્રમણ હટાવાશે

2026-07-22 17:07:46
Author: Mumbai Samachar Team
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈઃ પશ્ચિમ રેલવે સામે હાલ ચર્ચગેટ-વિરાર ઉપનગરીય કોરિડોર પર રેલવેની માલિકીની જમીન પર 9,500 અતિક્રમણ હટાવવાનો પડકાર નિર્માણ થયો છે. સંબંધિત અધિકારીઓએ જણાવ્યું હતું કે ચર્ચગેટ-વિરાર ઉપનગરીય કોરિડોર પર અતિક્રમણો શોધી કાઢવામાં આવ્યા છે, જેમાં માળખાગત પ્રોજેક્ટ્સને વેગ આપવા અને રેલવેની સલામતી સુનિશ્ચિત કરવા માટે આ અતિક્રમણો દૂર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. આ કામગીરી માટે સ્થાનિક પ્રશાસન અને પોલીસ સાથે એક સહિયારી કામગીરી હાથ ધરવામાં આવશે.

પશ્ચિમ રેલવેના અધિકારીઓના જણાવ્યા અનુસાર ચર્ચગેટ-વિરાર રૂટ દેશના સૌથી વ્યસ્ત ઉપનગરીય  રેલવે કોરિડોરમાંનો એક છે. આ રૂટ પર  રેલવેની માલિકીની જમીન પર બાંધવામાં આવેલા ઝૂંપડા, અનધિકૃત બાંધકામો અને અન્ય માળખાઓને કારણે  રેલવેની કામગીરી પ્રભાવિત થઈ રહી છે. 
આ અતિક્રમણો ટ્રેક, સિગ્નલ, કેબલ અને અન્ય મહત્વપૂર્ણ સિસ્ટમોના જાળવણી અને સમારકામમાં ભારે અવરોધ નિર્માણ કરે છે. વધુમાં, તેઓ કટોકટી દરમિયાન રેલવે કર્મચારીઓને ઘટનાસ્થળ પર પહોંચવામાં પણ મુશ્કેલીરૂપ બને છે.

તાજેતરમાં જ પશ્ચિમ રેલ્વેએ બાંદ્રા (પૂર્વ) ના ગરીબ નગર વિસ્તારમાં એક મોટી અતિક્રમણ વિરોધી ઝુંબેશ હાથ ધરી હતી. આ કામગીરી દરમિયાન આશરે ૫૦૦ અનધિકૃત બાંધકામો દૂર કરવામાં આવ્યા હતા. આ તાજેતરના સમયમાં પશ્ચિમ રેલ્વે દ્વારા હાથ ધરવામાં આવેલી એક મહત્વપૂર્ણ અતિક્રમણ વિરોધી કાર્યવાહીમાંની એક હતી.

આ બધા અતિક્રમણો એકસાથે દૂર કરવા શક્ય ન હોવાથી, આ કાર્યવાહી તબક્કાવાર કરવામાં આવશે. દરેક સ્થાન પર ચોક્કસ પરિસ્થિતિ, કાનૂની પાસાઓ, સ્થાનિક પ્રશાસન સાથે મળીને પોલીસ સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને કામગીરીનું આયોજન કરવામાં આવશે.

અતિક્રમણોને કારણે માત્ર સુરક્ષાનો જ પ્રશ્ન નિર્માણ થતો નથી પરંતુ તેને કારણે સ્ટેશનોનો  પુનઃવિકાસ, વધારાના રેલવે ટ્રેક નાખવા, મુસાફરોની સુવિધાઓ આપવા સહિત ક્ષમતા વિસ્તરણ અને અન્ય ભવિષ્યના વિકાસ પ્રોજેક્ટ્સ પણ સમયસર પૂર્ણ કરી શકાતા નથી. 

અતિક્રમણો દૂર કરવામાં પુનર્વસનના મુદ્દાઓ, કાનૂની કાર્યવાહી, કાયદો અને વ્યવસ્થાની જવાબદારીઓ અને વિવિધ એજન્સીઓ વચ્ચે તાલમેલ  જેવા પડકારો નિર્માણ થાય છે. જોકે રેલવેએ સ્પષ્ટતા કરી છે  કે રેલવે પ્રશાસનનું પ્રાથમિક ધ્યાન ફક્ત અતિક્રમણો દૂર કરવા પર નથી, પરંતુ રેલવેના પ્રવાસીઓની સુરક્ષા વધારવા, રેલવેની સંપત્તિનું રક્ષણ કરવા અને માળખાગત પ્રોજેક્ટ્સને વેગ આપવા પર છે.